સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: ધરતીપુત્રો આનંદો
રાજકોટ, અમરેલી, જામનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, મોરબી સહિતનાં જિલ્લાઓમાં સવારથી અવિરત વરસાદ
ખંભાળીયામાં ૨૦ ઈંચ, કલ્યાણપુરમાં ૧૪ ઈંચ, દ્વારકા, રાણાવાવ અને પોરબંદર ૧૧ ઈંચ, કુતિયાણા, વિસાવદર, મેંદરડામાં ૮ ઈંચ, કેશોદ, સુત્રાપાડા, ભાણવડમાં ૭ ઈંચ વરસાદ
એક સાથે બે-બે સિસ્ટમો સક્રિય થવાનાં કારણે છેલ્લા બે દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યા છે. ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ખંભાળીયામાં જાણે આભ ફાટયું હોય તેમ ૨૦ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. કલ્યાણપુરમાં પણ ૧૪ ઈંચ વરસાદ પડયો હતો. દ્વારકા, રાણાવાવ અને પોરબંદરમાં પણ ૧૧ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સવાર સુધીમાં રાજયનાં ૧૮૮ તાલુકાઓમાં વરસાદ પડયા બાદ થોડીવાર વિરામ લીધા પછી મેઘરાજાએ વ્હાલ વરસાવવાનું શરૂ કર્યું હતું અને સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાણે બારેમેઘ ખાંગા થયા હોય તેમ સુપડાધારે વરસાદ પડયો હતો.ખંભાળીયામાં ૨ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ ઈંચ જેટલો વરસાદ વરસી જતા સમગ્ર પંથક બેટમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. લોકોનાં ઘર અને દુકાનોમાં વરસાદનાં પાણી ઘુસી ગયા હતા. નદીઓ ગાંડીતુર બની હતી. વરસાદનાં રૌદ્ર રૂપથી લોકો પણ ભયભીત થઈ ગયા હતા. ગામમાં ગળાડુબ પાણી ભરાઈ ગયા હતા. ખાનાખરાબા જેવી સ્થિતિનું નિર્માણ સર્જાય જવા પામ્યું હતું.
આ ઉપરાંત કલ્યાણપુરમાં પણ ૧૪ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. દ્વારકા, રાણાવાવ અને પોરબંદરમાં ૧૧ ઈંચ વરસાદ પડયો હતો. કુતિયાણા, વિસાવદર અને મેંદરડામાં ૮ ઈંચ, કેશોદ, સુત્રાપાડા, ભાણવડમાં ૭ ઈંચ, ટંકારા, માણાવદરમાં ૬ ઈંચ, વંથલી, ભેંસાણ, જામજોધપુર, જુનાગઢમાં ૫ ઈંચ, કાલાવડ, ખાંભા, ધોરાજી, રાજકોટમાં ૪ ઈંચ, ધ્રોલ, માંગરોળ, વેરાવળ, લોધીકા, ગીરગઢડા, ઉનામાં ૩॥ ઈંચ, માળીયા હાટીના, બગસરા, લાલપુર, કોડીનાર, મહુવા, જામકંડોરણા, ઉપલેટા, ધારી, વાંકાનેર, ગઢડા, માંડવી, અમરેલીમાં ૩ ઈંચ, ગોંડલ, રાજુલા, જેતપુર, લાઠી, સાવરકુંડલા, સાયલા, વડીયામાં અઢી ઈંચ, કોટડાસાંગાણી, જાફરાબાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, લીલીયા, પડધરી, જોડિયામાં ૨ ઈંચ, જામનગર, બાબરા, મુળીમાં દોઢ ઈંચ, જસદણ, જેસર, બોટાદ, રાણપુર, વિંછીયામાં એક ઈંચ વરસાદ પડયો હતો. આજે સવારે ૬ વાગ્યા સુધીમાં રાજયનાં ૧૮૮ તાલુકાઓમાં વરસાદ વરસી ગયો હતો ત્યારબાદ ફરી મેઘરાજાએ સૌરાષ્ટ્રભરમાં મંડાણ કર્યા હોય તેમ સવારથી રાજયનાં ૧૧૨ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. માધવપુરમાં ભારે વરસાદનાં કારણે મંદિરમાં વરસાદનાં પાણી ઘુસી ગયા હતા.
આજે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં જાફરાબાદ, કાલાવડ, ગીર ગઢડામાં ૨ ઈંચ, જામજોધપુર, લખતર, માણાવદર, ભચાઉ, ખાંભામાં દોઢ ઈંચ, લાલપુર, સાવરકુંડલા, અંજાર, ચોટીલા, ધ્રાંગધ્રા, જસદણ, પડધરીમાં ૧ ઈંચ, વેરાવળ, જામનગર, વિસાવદર, રાણાવાવ, વડિયા, લોધીકા, વાંકાનેર, ગારીયાધાર, તાલાલા, માંગરોળ, ભુજ, કુતિયાણા, પોરબંદર, જામકંડોરણા, કોટડાસાંગાણી, કેશોદ, મોરબી, ઉપલેટા સહિત વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.