લોકતંત્રને રાજકીય વ્યવસ્થાની આદર્શ શાસન વ્યવસ્થા માનવામાં આવે છે અને મતદારને લોકતંત્રના રાજાનું બિરુદ અપાયું છે, કોને સત્તા આપવી? કોને રાખવા? કોને હટાવવા? નો અંતિમ નિર્ણય મતદારના હાથમાં હોવાનું કહેવાય છે. પરંતુ સાંપ્રત પરિસ્થિતિમાં હવે મતદાર માત્ર સત્તાપ્રાપ્તિ નું માધ્યમ બનીને રહ્યું છે,

લોકસેવાના પાંચ વર્ષની સત્તાનો પરવાનો રીન્યુ કરવા માટે જ મતદારની જરૂરત રહેતી હોવાથી અનુભવી રાજકારણીઓને મતદાર પ્રત્યેનું દૃષ્ટિકોણ બદલાઈ ચૂક્યું છે,રાજકારણમાં હવે મતદારોને સેવા આપવાના પાત્રના બદલે સત્તાપ્રાપ્તિ માટે હંગામી ધોરણે લાગણી જીતવાનું એક માધ્યમ ગણવામાં આવે છે.

જેનાથી મતદારો અને તેમની લાગણીનું સતત પણે અવમૂલ્યન થઈ રહ્યું છે આ કારણોસર જ લોકતંત્ર માટે અભિશાપ ગણાય તેવા પરિબળો જેવા કે જ્ઞાતિવાદ મતબેંકની લાલસા તુષ્ટિકરણ અને નાણાના જોરે સત્તાપ્રાપ્તિ જેવા દુષણો મોટા થવા લાગ્યા છે,

મતદારોના દિલ જીતવું એ અલગ વાત છે, અને અશક્ય જેવા વચનો આપી આંબા-આંબલી દેખાડવાની વાત અલગ છે રાજકીય નેતાઓએ મતદારોને વચન આપવામાં અવશ્યપણે સંયમની લક્ષ્મણ રેખા દોરવી જોઈએ. મતદારોને એવા સપના દેખાડવા જોઈએ જે પૂરા થવાની સંભાવના હોય. પ્રજાને ભગવાન માનનારાનું ભવિષ્ય છે. બાકી પ્રજાને મૂર્ખ બનાવનારાઓના ઇતિહાસમાં કયાંય ઠેકાણાં રહ્યા નથી. કુદરતી ન્યાય દરેક રાજકારણીએ સમજી લે વો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.