કોરોનાએ વિશ્વ આખાને હતપ્રત કરી દીધું છે. ટચુકડા એવા વાયરસએ છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી વિશ્વભરના દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. વૈશ્વિક મહામારીના આ કપરાકાળમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે અને હવે જો વાયરસની નવી આગામી લહેરમાંથી ઉગરવું હશે તો નિયમોનુ પાલન તો જરૂરી છે જ પણ આ સાથે રસી લેવી પણ અનિવાર્ય બની છે. કોરોના સામેના આ યુદ્ધમાં રસી જ એક રામબાણ ઈલાજ હોય તેમ મનાઈ રહ્યું છે. ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણની ઝુંબેશ જોરશોરમાં ચાલી રહી છે. પરંતુ રસીની કિંમતો, સંગ્રહ ક્ષમતા, વહેંચણી તેમજ આડઅસર અને 100% વિશ્વસનીયતાના અભાવે રસી અસ્તિત્વમાં આવી ત્યારથી જ રસ્સાખેંચ ઊભી થઈ હતી. રસીની જરૂરિયાત અને તેં અંગેના જટિલ પ્રશ્નોનો લાભ ખાટી જશ મેળવવા આંતરરાષ્ટ્રીય ગીધડાઓ મેદાને ઉતરતા રસી પર વૈશ્વિક રાજકારણ ગરમાયુ હતું પરંતુ હવે આ તમામ પરિબળોનો અંત નજીક છે તેવું લાગી રહ્યું છે. કારણ કે રસી પર શરૂ થયેલી આ “રસ્સાખેંચ”નો આધાર જ કિંમતો, પેટન્ટ- બૌદ્ધિક ક્ષમતા હતા અને હવે આગામી સમયમાં તે જ દૂર થનાર છે.
ઉલ્લેખનીય છે કે વિવિધ દેશોમાં ઉત્પાદિત થયેલી રસી પરની પેટન્ટ હટાવવા માટે વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારત અને દક્ષિણ આફ્રિકાએ સંયુક્ત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ મુદ્દે વિશ્વની મહાસત્તા ગણાતા એવા અમેરિકાના પ્રમુખ જો બીડેને અસહમતિ દાખવી વિરોધ કર્યો હતો. પરંતુ વૈશ્વિક દબાણને કારણે હવે અમેરિકી પ્રમુખ જો બીડેને પોતાનો રૂખ બદલ્યો છે. અને ભારતના આ પ્રસ્તાવને પોતાનું સમર્થન પૂરું પાડ્યું છે. ભલે દબાણના કારણે તો એમ ખરા !! પણ અંતે વિકસિત દેશો ગરીબ અને વિકાસશીલ દેશોની વ્હારે આવ્યા તો ખરા !! બિડેન વહીવટીતંત્રે રસીના પેટન્ટના અધિકારને અસ્થાયી રૂપે હટાવવાની ઘોષણા કરીને ઐતિહાસિક નિર્ણય લીધો છે. જેને નકારી ન શકાય કારણ કે તેઓએ “ફાયદો” છોડી કોરોનાને કારણે મરતા લોકોનું જીવન બચાવવાનું પસંદ કર્યું છે. જો કે બિડેન વહીવટીતંત્રના આ સમર્થનનો હજુ ઘણા દેશો અને ફાર્મા કંપનીઓ વિરોધ કરી રહ્યા છે. તો ઘણા દેશો અમેરિકાના સમર્થન બાદ સહમતી પણ દાખવી રહ્યા છે.
નોંધનીય છે કે ભારત દેશ પહેલેથી “વસુદ્ધેવ કુટુમ્બકમ” સૂત્ર પર ચાલી રહ્યું છે. એટલે કે વિશ્વ આખું એક કુટુંબ છે અને આ ભાવનાથી જ રહેવું જોઈએ. આ યુક્તિને કોરોના મહામારીમાં પણ ભારતે સાર્થક કરી છે. વિશ્વભરના દેશોને પોતાની સ્વદેશી રસી પહોંચાડી મોટી મદદ કરી છે. પરંતુ હાલ બીજી લહેરે હાહાકાર મચાવતા પરિસ્થિતિ વણસતી બની છે. જેમાંથી ઉગરવા અને આગામી ત્રીજી લહેરથી બચવા હાલ વેક્સિન જ જાદુઈ છડી મનાઈ રહી છે. ત્યારે નાના દેશોને પણ રસી મળે તે માટે વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારત અને દક્ષિણ આફ્રિકાએ રસી પરની પેટન્ટ હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. હવે આનાથી રસીની રસ્સાખેંચનો અંત ચોક્કસપણે આવી જશે. અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ સત્ર રાખ્યું છે “વેક્સિન ફોર ઓલ” એટલે કે વિશ્વના દરેક વ્યક્તિને રસી મળે તે સાર્થક થશે. પેટન્ટ હટશે તો કોરોના મહામારી સામેની વિશ્વ આખાની લડાઈ વધુ મજબૂત બનશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
શું છે આ પેટન્ટ ??
પેટન્ટ એ એક કાનૂની અધિકાર છે. જે વ્યક્તિ અથવા કોઈ એન્ટિટી કે સંસ્થાને આપવામાં આવે છે. નવી સેવા, તકનીકી, કોઈ શોધ પ્રક્રિયા, ઉત્પાદન અથવા ડિઝાઇન માટે આપવામાં આવેલો અધિકાર છે કે જેથી કોઈ અન્ય વ્યક્તિ, સંસ્થા કે ગ્રુપ તેની નકલ ન કરી શકે. બીજા શબ્દોમાં કહીએ તો, પેટન્ટ એ કાયદા દ્વારા રક્ષિત એક હક છે, જે પછી કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા કોઈ ઉત્પાદન કે તકનિકીનો મૂળ માલિકની મંજૂરી વગર ઉપયોગ કરી શકે નહીં. અથવા તેનું ઉત્પાદન કે ઉપયોગ કરે છે, તો તે ગેરકાયદેસર ગણાશે અને જો પેટન્ટ ધારક તેની સામે ફરિયાદ નોંધાવે છે, તો પેટન્ટનું ઉલ્લંઘન કરનાર કાનૂની મુશ્કેલીમાં મુકાઈ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ જો કોઈ આ ઉત્પાદન બનાવવા માંગે છે, તો તેણે પેટન્ટ ધારક વ્યક્તિ અથવા સંસ્થાની પરવાનગી લેવી પડશે અને રોયલ્ટી ચૂકવવી પડશે.
હવે આ પરીપેક્ષમાં રસીની વાત કરીએ તો રસી ઉત્પાદક જે કંપનીઓ છે તેમની પાસે તેમની રસી બનાવવાની ફોર્મ્યુલા છે અને આ માટે પેટન્ટ કરાવેલ હોય છે. આથી કોઈ અન્ય કંપની તેનો ઉપયોગ કરી રસી બનાવી શકતી નથી. પરંતુ જો આ પેટન્ટ હટાવી દરેકને અધિકાર આપી દેવામાં આવે તો કોઈ પણ દેશની કંપની પોતાની રીતે રસી બનાવી કોરોના મહામારીના સમયમાં પોતાની સરકાર અને લોકોને મદદરૂપ થઇ શકે છે.
રસી પરની પેટન્ટ હટવાથી ભારતને શું ફાયદો ??
રસી પરની પેટન્ટ અને ઈન્ટેલક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ હટતા માત્ર ભારત જ નહીં પણ વિશ્વના અન્ય વિકાસશીલ દેશો અને ખાસ જે દેશો આર્થિક રીતે પછાત છે તેમને મોટો ફાયદો થશે. પેટન્ટ હટશે તો રસી બનાવવા ઈચ્છતી દરેક કંપની અને ઉત્પાદકોને આ માટે છૂટ મળશે. જે દેશોમાં રસી ઉત્પાદિત થઈ જ નથી એવા દેશોને પણ આ માટેની તક મળશે અને પોતાના દેશને કોરોનાની વૈશ્વિક મહામારીમાંથી ઉગારવાની ઝુંબેશ વધુ તેજ બનશે. વિશ્વભરમાં રસીનું ઉત્પાદન વધશે અને હાલ જે રસીની અછત ઉભી થઈ તે દૂર થશે. ઉત્પાદન વધતા રસીની કિમંતો પણ ઘટશે.
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વમાં રસીની અસમાનતા છે. કેટલાક દેશોમાં વસ્તીના પાંચ ગણા રસી છે, તો કેટલાક દેશોમાં એક ટકા વસ્તી માટે પણ રસી નથી. આથી પેટન્ટ દૂર થવાથી રસીની ઉપલબ્ધતા વધશે અને અસમાનતા પણ દૂર થશે. વિશ્લેષકોના મત મુજબ જો ભારતે આ પેટન્ટ હટયાનો લાભ લેવો હોય તો અત્યારથી જ યુદ્ધના ધોરણે તૈયારી શરૂ કરી દેવી જોઈએ. જે ફાર્મા કંપનીઓ રસી ઉત્પાદન કરી શકે છે, તેઓએ તેના પર અરજી કરવી જોઈએ. એશિયા અને આફ્રિકાના દેશો ભારત તરફ રસીની લઈને મોટી આશા સાથે જોઈ રહ્યા છે. જો ભારત ઉત્પાદનમાં વધારો કરશે, તો આપણે આપણી સાથે અન્યોને પણ પહેલાની જેમ મદદ કરી શકીશું.
રસી પરની પેટન્ટ હટાવવા સામે શા માટે ફાર્મા કંપનીઓ વિરોધ કરી રહી છે ?
ભારત- દક્ષિણ આફ્રિકાના રસી પરના પેટન્ટ હટાવવાના પગલા પર યુનાઇટેડ સ્ટેટ્સનો ટેકો આપવો તે ભારત માટે એક મોટા વિજયથી કમ નથી. અમેરિકી પ્રમુખ જો બીડેનના સમર્થન સામે પરંતુ વિશ્વભરની ફાર્મા કંપનિઓ વિરોધ કરી રહી છે. નવી રસી ઉત્પાદન કરવી, કોરોના સામેની દવા વિકસિત કરવી એ એક મિશાલ છે. આ પાછળ અથાગ પરિશ્રમ, લાંબા સંશોધન અને કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. ફાર્મા કંપનીઓ માટે આજ સમય એક મોટી આવકની તક સમાન છે. વળી, આ કંપનીઓનું કહેવું છે કે તેમણે કરોડો રૂપિયા ખર્ચ કરીને આ રસીઓ બનાવી છે. લાંબી શોધ કરી સમય ખર્ચ્યો છે. અને હવે જો તેને બધા માટે ખુલ્લી મૂકી દેવામાં આવે તો અમારું શું ?
જો તેમની પાસેથી પેટન્ટ હટાવવામાં આવશે, તો આ કંપનીઓને નુકસાન થશે. બૌદ્ધિક સંપત્તિ અધિકારના ટેકેદારો કહે છે કે આ નિર્ણય નવીન શોધ કરનારા લોકોને આંચકો આપશે. જો કોઈ શોધને પેટન્ટ આપવામાં ન આવે, તો પછી શા માટે કોઈ સખત મહેનત કરશે અને કોઈ નવી શોધ કરવામાં સમય શા માટે ખર્ચશે ?? પરંતુ રસી પરની આ પેટન્ટ હતાવવી એ અસ્થાયી છે હાલની પરિસ્થિતિ મુજબ જરૂરી પણ છે. હાલમાં 100 થી વધુ દેશો પેટન્ટ હટાવવાને સમર્થન આપી રહ્યા છે.