દેશભરમાં વેક્સિનેશન પ્રોગ્રામ હેઠળ સરકારી હોસ્પિટલોની સાથોસાથ ખાનગી હોસ્પિટલોને પણ રસીનો જથ્થો આપીને દેશને કોરોના કવચથી સુરક્ષિત કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પરંતુ એક સર્વે અનુસાર દેશભરમાં લોકો ખાનગી હોસ્પિટલોની સરખામણીએ સરકારી કેન્દ્રો પરથી વેક્સિન લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
એક આંકડા અનુસાર ખાનગી હોસ્પિટલોને 25 ટકા જેટલો વેકસીનનો જથ્થો અનામત આપવામાં આવ્યો છે પરંતુ તેની સામે ફક્ત 7.5% લોકોએ જ ખાનગી હોસ્પિટલોમાંથી રસી લીધી હોવાનું સામે આવ્યું છે. ત્યારે શા માટે ફક્ત જૂજ લોકો જ ખાનગી હોસ્પિટલોમાંથી રસી લઇ રહ્યા છે? તેવો પ્રશ્ન ઉદભવ્યો છે. ખાસ રસીકરણમાં ખાનગી હોસ્પિટલોને ફક્ત 7.5% જ સફળતા શા માટે મળી? તે પ્રશ્ન પણ ઉદભવ્યો છે.
સર્વેમાં દેશભરના 750 જિલ્લાઓની માહિતી એકત્ર કરવામાં આવી હતી. જેમાં શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 750 જિલ્લાના 80 ટકા વિસ્તારમાં 95% લોકોએ સરકારી કેન્દ્રો પરથી રસીનો ડોઝ લીધો છે. ફક્ત બેંગ્લોર, દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, કોલકાતા, ચેન્નઇ જેવા મહાનગરમાં લોકો વધુ પડતા ખાનગી કેન્દ્રો પરથી વેક્સિન લેવાનું પસંદ કરી રહ્યા છે.
આ શહેરોમાં 44% લોકોએ ખાનગી કેન્દ્રો પરથી રસીનો ડોઝ લીધો હોવાનું પણ સામે આવ્યું છે. તે સિવાયના મોટા ભાગના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં લોકો સરકારી સ્થળ પરથી જ વેકસીનનો ડોઝ લઇ રહ્યા છે.