આ છે કારણ કોરોનાના નવા સ્ટ્રેઈન પર સીરમ ઈન્સ્ટિટ્યુટની રસી કોવિશિલ્ડ અસરકારક ન હોવાનો દ.આફ્રિકાનો મત
૧૦ લાખ ડોઝ સીરમ ઈન્સ્ટિટ્યુટને પાછા મોકલશે
કોરોના વાયરસના કારણે છવાયેલી વેશ્વિક મહામારીથી દુનિયા આખી હતપ્રત થઈ ઉઠી છે. વિશ્વભરનાં દેશોએ આ કપરાકાળમાંથી ઉગરવા મોટાપાયે રસીકરણ ઝુંબેશ શરૂ કરી દીધી છે. ત્યારે હાલ દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલમાં કોરોનાએ ‘કલર’ બદલતાં નવું જોખમી રૂપ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ નવા સ્ટ્રેન સામે ભારતીય રસી ‘કોવિશીલ્ડ’ કારગર છે કે કેમ ?? તેના પર સવાલો ઉઠ્યા છે. કારણ કે તાજેતરમાં દક્ષિણ આફ્રિકાએ સીરમ ઈન્સીસ્ટયુટ દ્વારા વિકસીત કોવિશીલ્ડના ડોઝ ત્યાંના નવા કોવિડ સ્ટ્રેન સામે અસરકારક ન હોવાનો મત રજૂ કરી આશરે ૧૦ લાખ ડોઝ ‘લીલા તોરણે’ ભારત પાછા મોકલવાનું જણાવ્યું છે. જેના કારણે ‘રસીની રસ્સાખેંચ’નો પ્રશ્ર્ન ફરી એકવાર ઉઠ્યો છે. ઉલ્લેખનીય છેકે,ભારતે એસ્ટ્રોજેનેકા અને ઓકસફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત સીરમ ઈન્સ્ટિટયુટના કોવિશીલડના ૧૦ લાખ ડોઝ દક્ષિક્ષ આફ્રિકા આ મહિનાની શરૂઆતમાં મોકલ્યા હતા અને આગામી સપ્તાહમાં વધુ પાંચ લાખ ડોઝ પહોચાડવાના હતા પરંતુ દક્ષિણ આફ્રિકાએ મોકલાવાયેલા ૧૦ લાખ ડોઝ પાછા લઈ લેવાનું સીરમ ઈન્સ્ટિટયુટને જણાવ્યું છે. એટલું જ નહી, દક્ષિણ આફ્રિકામાં રસીકરણ ઝુંબેશ પર રોક લગાવી કોવિશીલ્ડના ડોઝ ન આપવાનાં આદેશ કરાયા છે. દક્ષિણ આફ્રિકાની યુનિવર્સિટી ઓફ વિટવાટર્સરી અને ઓકસફર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસ દ્વારા આ દાવો કરાયો છે કે કોવિશીલ્ડ રસી આફ્રીકાના નવા સ્ટ્રેન સામે અસરકારક નથી.
બ્રાઝિલ અને દ.આફ્રિકાના નવા કોવિડ સ્ટ્રેઈનની ભારતમાં એન્ટ્રી
કોરોનાએ ‘કલર’ બદલતા વિશ્વભરમાં અલગ અલગ નવા સ્ટ્રેનના કેસ સામે આવી રહ્યા છે. બ્રિટન બાદ હવે, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં નવો સ્ટ્રેન શોધાયો છે. જેના કારણે ભારતમાં મંદ પડેલ કોરોના ફરી માથુ ઉંચકાવે તેવી ભીતિ ઉભી થઈ છે. કારણ કે આ સ્ટ્રેનની ભારતામં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. ચાર મુસાફરોમાં આફ્રિકાનો નવો સ્ટ્રેન જયારે એક અન્ય મુસાફરમાં બ્રાઝીલનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. જયારે અત્યાર સુધીમાં બ્રિટનના નવા સ્ટ્રેનના ૧૮૭ કેસ નોંધાયા છે. દક્ષિણ આફ્રિકાનો નવો કોવિડ સ્ટ્રેન અમેરિકા સહિત ૪૧ દેશોમાં ફેલાયો છે. જયારે બ્રાઝિલનો નવો સ્ટ્રેન ૯ દેશોમા ફેલાયો છે. જેને હવે ભારતમાં પણ પ્રવેશ કરી લીધો છે.
“આર્થિક રાજધાની” ફરી કોરોનાના ભરડામાં; લોકડાઉનની દહેશત
મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોના કેસએ સરકારની ચિંતા વધારી છે. ૪૨ દિવસની કોરોનાની મંદ ગતિએ ફરી રફતાર પકડતા દરરોજ ૩ થી ૪ હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે એમાં પણ દેશની ‘આર્થિક રાજધાની’માં ૭૦ ટકા વધુ ઝડપે વાયરસ ફેલાતા ભરડામાં આવી ચૂકી છે. વધતા જતા કેસને ઘટાડી સ્થિતિ નિયંત્રીત કરવા મુંબઈમાં ફરી લોકડાઉન લદાય તેવી દહેશત ઉભી થઈ છે. મુંબઈની કોરોના સ્થિતિને લઈ મેયર કિશોરી પેડનેકરે ચિંતા વ્યકત કરી લોકોને ગાઈડલાઈનનું કડક પણે પાલન કરવા અપીલ કરી છે. મહારાષ્ટ્રમાં હાલ કુલ ૨૦,૬૪,૨૭૮ કેસ નોંધાયા છે. જયારે ૧૩૫૫ લોકોના મોત થયા છે.