મોદીના એક કાંકરે ફરી અનેક પક્ષીઓ ઉડશે !!
સ્પુટનિકના ૧૦ કરોડ અને ઝાઇડ્સ કેડીલાની ૫ કરોડ ડોઝ થકી ૧૩૫ કરોડ ડોઝનું લક્ષ્યાંક પૂર્ણ કરાશે!!
કેન્દ્ર સરકારે હાલ સુધીનો સૌથી મોટો વેકસીનનો ઓર્ડર બુક કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧૪,૫૦૫ કરોડના ખર્ચે વધુ ૬૬ કરોડ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આ માહિતી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી છે કે, કોવેકસીન અને કોવિશિલ્ડ રસીના ૬૬ કરોડ વધુ ડોઝનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની આ માહિતીને પગલે દેશમાં ચાલી રહેલાં રસીની રસ્સાખેંચના વિવાદનો એક અધ્યાય પૂર્ણ થયો છે.
દેશભરમાં હાલના સમયમાં રસીની ભારે અછત વર્તાઈ રહી છે. અનેકવાર રસીકરણ પ્રોગ્રામ બંધ કરવાની નોબત પણ આવી છે. ત્યારે વિપક્ષો દ્વારા વારંવાર રસીની અછત અંગે સોશ્યલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવામાં આવે છે. ત્યારે કેન્દ્રની મોદી સરકાર ૬૬ કરોડ રસીના ડોઝ બુક કરાવી નિશ્ચિન્ત થઈ ગઇ છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ૨૬ જુનના રોજ રજૂ કરેલી એફેડેવીટમાં વિગતો રજૂ કરવામાં આવી છે કે, દેશમાં આગામી ઓગસ્ટ મહિનાથી ડિસેમ્બર માસ સુધીમાં કુલ ૧૩૫ કરોડ ડોઝ ઉપલબ્ધ હશે. જેમાંથી ૬૬ કરોડ કોવેકસીન અને કોવિશિલ્ડના જથ્થાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે જ્યારે હૈદરાબાદની કોર્બેવેક્સ વેકસીનના ૩૦ કરોડ ડોઝ પણ બુક કરી લેવામાં આવ્યા છે. જેથી કેન્દ્ર સરકારે હાલ કુલ ૯૬ કરોડ નવા ડોઝ બુક કરી લીધાનું સામે આવ્યું છે.
ઓગસ્ટથી ડિસેમ્બર માસ સુધીમાં દેશ પાસે કુલ ૯૬ કરોડ રસીના ડોઝ ઉપલબ્ધ હશે. જેમાંથી ૭૫% હિસ્સો કેન્દ્ર સરકારની માલિકીના હશે અને ૨૫% એટલે કે ૨૨ કરોડ ડોઝ ખાનગી હોસ્પિટલમાં ફાળવવામાં આવશે.
વધુમાં કેન્દ્ર સરકારે વિગતો રજૂ કરતા કહ્યું છે કે, કોવિશિલ્ડ, કોવેકસીન અને કૉર્બોવેક્સ રસી સિવાય સ્પુટનિક અને ઝાઇડ્સ કેડીલાની વેકસીન પણ આ વર્ષમાં બજારમાં ઉપલબ્ધ થઈ જશે જેની મદદથી ૧૩૫ કરોડ ડોઝનો લક્ષ્યાંક પણ પૂર્ણ કરી લેવામાં આવશે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર આ વર્ષના અંત સુધીમાં સ્પુટનિક રસીના ૧૦ કરોડ ડોઝ જ્યારે ઝાઇડ્સના ૫ કરોડ ડોઝ ઉપલબ્ધ થઈ જશે.
નોંધનીય બાબત છે કે, ટૂંક સમયમાં સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે જેમાં સૌથી વધુ કોઈ મુદ્દા પર બહસ થાય તો તે વેકસીનના અછતનો મુદ્દો છે ત્યારે મોદી સરકારે પાણી પહેલા પાળ બાંધી વેકસીનની અછતથી પ્રજાજનોને થતી હાલાકી દૂર કરી રાજકારણના મુદ્દાનો અંત લાવી નિશ્ચિન્ત થઈ ગઈ છે. જેથી મોદીએ ફરીવાર એક કાંકરે અનેક પક્ષીઓ ઉડાડવાની તૈયારી કરી લીધી છે. હવે જો કોઈ મુદ્દો વેકસીનની વિશે ગૃહમાં ચર્ચાય તો તે ફક્ત એડવાન્સ પેમેન્ટ આપ્યા બાદ પણ કંપનીઓ કેમ ડોઝ નથી આપતી અને કેન્દ્ર સરકાર આ મુદ્દે શું પગલાં લઈ રહી છે? જેનો જવાબ પણ મોદી સરકારે તૈયાર રાખ્યો હોય તેવું મનાઇ રહ્યું છે.