ઈન્જેકશનના ડોઝ મૂકી હવે મોટાભાગના દેશો, વૈજ્ઞાનિકોનું ધ્યાન ટિકડાઓએ ખેંચ્યું, એન્ટીવાયરલ ડ્રગનું મોટાભાગનું ઉત્પાદન ભારતમાં જ થવાની ધારણા
અબતક, નવી દિલ્હી
કોરોના રોગચાળા સામે રસી વિકસાવી જટ પોતાના નાગરિકોને સુરક્ષા કવચ પ્રદાન કરવા વિશ્વના મોટાભાગના દેશો વચ્ચે હોડ જામી હતી. રસીની અસરકારકતા, સંગ્રહ ક્ષમતા, કિંમતો તો પેટન્ટ અને ટ્રેડમાર્કને લઈ રસીની રસ્સાખેંચ ઉભી થઇ હતી. ત્યારે હવે આ વચ્ચે ઈન્જેકશનના ડોઝ મૂકી હવે મોટાભાગના દેશો, વૈજ્ઞાનિકોનું ધ્યાન ટિકડાઓએ ખેંચ્યું છે. જેમ અગાઉ રસી વિકસાવવાની હોડ જામી હતી તેમ હવે કોરોનાની ગોળીઓ બનાવવાની સ્પર્ધા હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક દેશ રસી મૂકી કોરોનાની ટેબલેટ વિકસાવવા પર ભાર મૂકી રહ્યા છે.
બ્રિટનમાં તો કોરોના વિરોધી મેડિસિન તરીકે ટેબ્લેટને મંજૂરી મળી ગઈ છે. ત્યારે તાજેતરમાં અમેરિકાની કંપની ફાઈઝર દ્વારા પણ કોરોના વિરોધી ગોળીઓ માટે સંયુક્ત રાષ્ટ્રના સમૂહ મેડિસિન પુલ સાથે કરાર થતા વિશ્વભરના દેશો આ કોરોના ગોળીઓ બનાવી શકશે. હવે ભારતમાં પણ રસીની સાથે કોરોનાથી બચવા માટે ટેબલેટ પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. સિપ્લા, ડો રેડ્ડીઝ, સન ફાર્મા અને બીડીઆર ફાર્મા સહિતની સ્થાનિક કંપનીઓ એન્ટિવાયરલ દવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મહત્ત્વની વાત એ છે કે, આમાંના મોટા ભાગના એન્ટિવાયરલનું ઉત્પાદન ભારતમાં થવાની ધારણા છે અને તે વૈશ્વિક કિંમતના એક અંશમાં ઉપલબ્ધ થશે. ચોક્કસ દેશોમાં કોરોનાવાયરસ સ્થાનિક સ્ટેજ તરફ આગળ વધવાની સાથે, આ નવી દવાઓ એક વિશાળ બજાર હોવાની અપેક્ષા છે અને તે હળવાથી મધ્યમ ચેપ માટે સંભવિત ગેમ ચેન્જર બની શકે છે.
સમજદારીને સલામ…. એક ડોઝ લેનારાઓ કરતા બે ડોઝ લેનારાઓની સંખ્યા વધી ગઈ..!!
વાહ રે રસીકરણ…. ડોઝની દોટમાં રસીકરણનો આંકડો દરરોજ નવા સોપાન સર કરી રહ્યો છે..!! કોરોના સામે જીત મેળવી મહામારીમાંથી મુક્ત થવા હાલ રસીકરણ જ અમોઘ અસ્ત્ર સમાન મનાય રહ્યું છે. ત્યારે વિશ્વના સૌથી મોટા ભારતના રસીકરણ અભિયાનમાં ભારતીયોએ રંગ રાખી દીધો છે. જેટલા લોકોએ એક ડોઝ મેળવ્યો છે તેના કરતાં તો વધારે બંને ડોઝ લીધેલાઓની સંખ્યા વધુ નોંધાઈ છે. વલોકોનો રસીકરણ પ્રત્યેનો ઉત્સાહ જોઇને ખાસ કરીને જે લોકોએ હજુ એક પણ ડોઝ લીધો નથી તેઓએ શીખ મેળવવી જોઈએ..!! કોવિન તાજેતરના આંકડાઓ અનુસાર, 38 કરોડથી વધુ લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે જ્યારે લગભગ 37.5 કરોડ
લોકોને માત્ર એક ડોઝ મળ્યો છે. આ સૂચવે છે કે ભારત તેના રસીકરણ કાર્યક્રમનો બીજો અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ કરવાના માર્ગ પર છે, જે હેઠળ જેઓ પહેલા ડોઝ મેળવી ચૂક્યા છે તેઓ હવે વાયરસ સામે સંપૂર્ણ રસી મેળવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, દેશ માટે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજની નોંધપાત્ર સિદ્ધિમાં, પ્રથમ વખત સંપૂર્ણ રસીકરણ કરાયેલ વ્યક્તિઓની સંખ્યા એવા લોકોને વટાવી ગઈ છે જેમને રસીની માત્ર એક માત્રા આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વિટર પર સમાચાર શેર કરતા કહ્યું કે, જન-ભાગીદારી અને લોકોનો સરકારમાં વિશ્વાસ અને પ્રધાનમંત્રીના વિઝનને કારણે આ સિદ્ધિ શક્ય બની છે.