ચીનના વુહાનમાંથી શરૂ થયેલી કોવિડ-૧૯ જન્ય કોરોના મહામારીનો વધુ એક પ્રમાણમાં વધુ ઘાતક તબક્કો હવે શરૂ થઈ ચૂક્યો છે ત્યારે વિશ્વમાં આ મહામારીને લઈને માત્ર ચિંતા જ નહીં પરંતુ ભયનું વાતાવરણ ઉભુ થયું છે. ભય ભાન ભુલાવે ની ઉક્તિ કોરોનાના આ સંક્રમણને બરાબર લાગુ પડી હોય તેમ સમગ્ર વિશ્વ અત્યારે આ મહામારીને લઈને ચિંતીત છે તેવા સમયમાં જ વિવિધ કંપનીઓએ કોરોનાની રસી પોતે બનાવી લીધી હોવાના દાવા અને પરીક્ષણનો તબક્કો પસાર થતો હોવાથી જાહેરાત કરી દીધી છે અને ટૂંક સમયમાં જ રસી બજારમાં આવી જશે તેની દાવેદારીની સાથે સાથે પોત-પોતાની રસીની ગુણવત્તાની સાથે સાથે ચોક્કસાઈની પણ જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે એક તરફ વિશ્ર્વ આખુ વારંવાર રંગ બદલતા કાચીંડા જેવી તાસીર બદલતા કોરોનાના નવા રૂપરંગ અને આડઅસરને લઈ ચિંતીત છે.
નિષ્ણાતોનું માનીએ તો કોરોના મહામારી સચ્ચોટ રસી આવ્યા પછી પણ સંપૂર્ણપણે કાબુમાં આવે તે નક્કી ન હોવાનો સંદેહ વ્યકત કરી રહ્યાં છે ત્યારે વિશ્વના આ ભયને રોકડમાં રૂપાંતરીત કરવા ફાર્માસ્યુટીકલ સેકટરના માંધાતાઓ વચ્ચે ઓજલ હરિફાઈ શરૂ થઈ ચૂકી છે. કોઈપણ રસી ઓછામાં ઓછા ત્રણ વર્ષમાં પરીક્ષીત તબક્કા બાદ તેની અસરકારકતા અંગે સર્ટીફાઈડ થતી હોય છે ત્યારે કોરોનાને જાહેર થયા હજુ વર્ષ પણ પૂરું થયું નથી. તેની લાક્ષ્ણીકતા, આડઅસરની કોઈને કંઈ ખબર નથી. ત્યારે કોરોનાની રસી બજારમાં આવે તો પણ તેની અસરકારકતા અંગે હજુ કોઈ નિશ્ર્ચિત પરિમાણો મળ્યા નથી તેવા સંજોગોમાં અત્યારે કોરોનાની રસી પરનો વિશ્વસ કરવો અતિશયોક્તિભર્યો નહીં લાગે. કોરોનાની રસી હજુ આવતા ઓછામાં ઓછા છ મહિનાનો સમય લેવાનો છે ત્યારે રશીયાની સ્પુટનીક-વી બાદ અનેક રાષ્ટ્ર અને મલ્ટીનેશનલ કંપનીઓએ રસી બનાવી લીધાનો દાવો કરીને ઉતાવળે-ઉતાવળે પરીક્ષણ કરવાનું પણ શરૂ કરી દીધું છે. હજુ રસીની અસરકારકતા સાઈડ ઈફેટકના કોઈ તાગ મળ્યા નથી પરંતુ કંપનીઓ વચ્ચે પોતાની રસીના માર્કેટીંગની સ્પર્ધા જામી છે. મૃત પશુના દેહ જોઈને જેવી રીતે ગીધ ચીચીયારીઓ કરી મુકે તેવી પરિસ્થિતિ અત્યારે કોરોનાના હાહાકાર વચ્ચે દવા બનાવતી કંપનીઓના માર્કેટીંગ એજન્ડા અને રસીની સચ્ચોટતા પરિક્ષણ વગર જ દાવાઓ થઈ રહ્યાં છે. કોરોનાની રસી હજુ બજારમાં આવી નથી તો પણ માર્કેટીંગ માટેની ગળાકાપ રસ્સા ખેંચ ઉભી થઈ છે. કોરોનાને હજુ પૂર્ણ રીતે ઓળખવામાં સફળતા મળી નથી ત્યારે રસીની અસરકારકતા પરનો વિશ્ર્વાસ કેટલા અંશે ઉચીત ગણાય તે તો આવનારો સમય જ બતાવશે. અત્યારે તો કોરોનાનો નવો વાયરો માનવ સમાજ ઉપર જળુંબી રહ્યો છે ત્યારે કોરોનાના ભયના રોકડા રળી લેવા કંપનીઓ વચ્ચે ચાલતી સ્પર્ધાથી દુનિયાને શું મળશે તે તો આવનાર સમય જ બતાવશે.