રસી નહીં માત્ર ટીકડા પીને કોરોના સામે સુરક્ષા આપનારી ફાઈઝરની ગોળી જલ્દીથી વિશ્વના 95 દેશો માટે ઉપલબ્ધ બનશે..!!

ગ્લોબલ લાયસન્સ માટે સંયુક્ત રાષ્ટ્રના સમૂહ મેડિસિન્સ પેટેન્ટ પુલ સાથે કરાર કરતી અમેરિકી કંપની ફાઈઝર

અબતક, નવી દિલ્હીઃ

કોરોના આવ્યો કે તરત જ વૈશ્વિક મહામારીને નાથવા રસી અંગેના સંશોધનો શરૂ થઈ ગયા હતા. વિશ્વના મોટાભાગના દેશો, સરકાર તેમજ ડોક્ટર અને વૈજ્ઞાનિકો રસી બનાવવામાં લાગી ગયા હતા. પરંતુ આ સાથે જ રસીની રસ્સાખેંચ પણ ઊભી થઈ હતી. 100 ટકા વિશ્વસનીયતાનો અભાવ, આડઅસર, કિંમત અને સંગ્રહક્ષમતા તો રસીની પેટન્ટ, ટ્રેડમાર્કને લઈને પણ રસ્સાખેંચ શરૂ થઈ હતી. જે હજુ પણ યથાવત છે. હવે કોરોના રસી તો ઠીક પરંતુ દવાની ગોળીને લઈને રસ્સાખેંચ ઉભી થઈ છે. તાજેતરમાં ઈન્જેકશન વગર એટલે કે માત્ર ટિકડાને પી કોરોના ભગાડવા માટે અમેરિકી કંપની ફાઈઝરે ગોળી બનાવી છે. જે હવે સમગ્ર વિશ્વ માટે જલ્દીથી ઉપલબ્ધ થાય તેવી ધારણા છે. ફાઈઝરે આ માટે સંયુક્ત રાષ્ટ્રના એક સમૂહ સાથે કરાર કર્યા છે અને ગ્લોબલ લાયસન્સ આપી તમામ દેશોને ફોર્મ્યુલા આપવાની રજુઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે રસીની રસ્સાખેંચ વધુ મજબૂત રસીની ફોર્મ્યુલા અને અન્ય દેશોમાં બનાવવાને લઇને જ ઉભી હતી. ત્યારે હાલ કોરોનાની આ ગોળીઓને લઈને ફાઈઝરે અન્ય કંપનીઓને પણ આ ગોળી બનાવવાની મંજૂરી આપવાની વાત કહી છે. જેનો ઉપયોગ 95 દેશોમાં થઇ શકશે એટલે કે ગરીબ, આર્થિક રીતે પછાત એવા વિશ્વના 95 દેશો આ ગોળીઓ જાતે બનાવી પોતાના દેશના લોકોને કોરોના સામેનું સુરક્ષા કવચ પ્રદાન કરી શકશે..!! એક નિવેદનમાં ફાઈઝરે જણાવ્યું કે તે વાઈરસ રોધી દવા માટે જીનેવા સ્થિત ‘મેડિસિન્સ પેટેન્ટ પુલ’ને લાયસન્સ આપશે જે ‘જેનરિક’ દવા ઉત્પાદક કંપનીઓ માટે ઉત્પાદન કરે છે. 95 દેશોમાં આ દવાનો ઉપયોગ કરી શકાશે જ્યાં વિશ્વ લગભગ 53 ટકા વસ્તી રહે છે.

જોકે, આ કરારમાં કેટલાક મોટા દેશો સામેલ નથી, જે કોરોના વાયરસ મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત થયા હતા. ઉદાહરણ તરીકે, બ્રાઝિલની ફાર્માસ્યુટિકલ કંપની તેને અન્ય દેશોમાં નિકાસ કરવા માટે તેનું ઉત્પાદન કરવા માટેનું લાઇસન્સ મેળવી શકે છે. પરંતુ તે પોતાના જ દેશ બ્રાઝિલમાં ઉપયોગ કરી શકશે નહીં. આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે આ દવાને ક્યાંય પણ મંજૂરી આપવામાં આવે તે પહેલાં આ સમજૂતી થઈ જાય તે હકીકતમાં રોગચાળાને ઝડપથી ખતમ કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. મેડિસિન પેટન્ટ પૂલના પોલિસી પ્રેસિડેન્ટ એસ્ટેબન બેરોને કહ્યું કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે અમે ચાર અબજથી વધુ લોકોને આ દવા પૂરી પાડી શકીશું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.