કોરોનાએ વિશ્વ આખાને હતપ્રત કરી દીધું છે. વાયરસથી બચવા ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણની ઝુંબેશ જોરશોરમાં ચાલી રહી છે. પરંતુ રસીની કિંમતો, સંગ્રહ ક્ષમતા, વહેંચણી તેમજ આડઅસર અને 100% વિશ્વસનીયતાના અભાવે રસી અસ્તિત્વમાં આવી ત્યારથી જ રસ્સાખેંચ ઊભી થઈ હતી. હવે ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે રસીની રસ્સાખેંચ ઉભી થતા રાજકારણ પણ ગરમાયુ છે. બિનભાજપી રાજ્યો પોતાની રીતે વિદેશમાંથી રસી આયાત કરવા તરફ વળ્યા છે. તાજેતરમાં મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે જણાવ્યું હતું કે મુંબઈ માટે અમે અલગથી રસીકરણની વ્યવસ્થા કરવા માટે તખ્તો ઘડી રહ્યા છીએ. પરંતુ શું કોઈ રાજ્યો પોતાની રીતે પોતાની ઈચ્છા મુજબ કેન્દ્રના આયોજનથી અલગ થઈ રસી મંગાવી શકે તેવા પ્રશ્નો ઉભા થયા છે.

શું રાજ્ય પોતાની ઇચ્છા મુજબ વિદેશથી રસી મંગાવી શકે?? મુંબઈ મનપાએ 4 કરોડ ડોઝની આયાત કરવા માટે ઠાકરે સરકારને પત્ર લખ્યો

કમિશનર ઈકબાલ સિંઘ ચહલે જણાવ્યું કે અમને રસીનો પૂરતો જથ્થો કેન્દ્ર તરફથી મળી રહ્યો નથી. એક તરફ બીજી લહેરમાંથી હજુ બહાર નથી નીકળ્યા ત્યાં પહેલેથી જ કોરોનાનું હોટસ્પોટ ગણાતા આર્થિક નગરી મુંબઈ પર ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે આથી કેન્દ્ર સરકારે રસીનો પુરતો પુરવઠો રાજ્યોને ફાળવવો જોઈએ અથવા અમને આયાત કરવાની મંજૂરી આપી દેવી જોઈએ. તેમણે કહ્યું કે આ માટે અમે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે અને ચાર કરોડ જેટલા ડોઝ વિદેશથી મંગાવવા માટે મંજૂરી આપવા અપીલ કરી છે.

જણાવી દઈએ કે રસી પર શરૂ થયેલી આ રસ્સાખેચ માત્ર કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનો મતભેદ નથી પરંતુ તે અલગ અલગ સતા પરનું પણ રાજકારણ છે. કેન્દ્રમાં ભાજપની સરકાર અને મહારાષ્ટ્રમાં શિવ સેનાની. રસીની અછત, અપૂરતો પુરવઠો ફળવાતો હોવાના આક્ષેપ સાથે રાજ્ય સરકાર અલગ વેક્સિનેશન શરૂ કરવાની તૈયારી કરતા કેન્દ્ર સામે મોટો પડકાર પણ ઉભો થયો છે. હાલ રસીનો જથ્થો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને ફાળવવામાં આવે છે અને જરૂર પડ્યે રાજ્ય સરકારો દેશની રસીની સ્થાનિક ઉત્પાદિત કંપનીઓ પાસેથી સીધા જ ડોઝ મંગાવી શકે છે પરંતુ વિદેશથી ડાયરેકટ જથ્થો મંગાવવા વિશે કોઈ જોગવાઈ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.