ત્રિદેવ; રસીના ડોઝની માંગ સંતોષવા કોવિશિલ્ડ અને કોવેક્સિન બાદ ત્રીજી રસી તરીકે ઝાયકોવ-ડી પર આધાર!!
રસીના ૬ લાખ ડોઝની તો વેસ્ટેજ તરીકે ગણના
કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં છવાયેલી વૈશ્ર્વિક મહામારીમાંથી મૂકત થવા આંતરરાષ્ટ્રીય સંગઠનો, દરેક દેશોની સરકારો તેમજ વૈજ્ઞાનિકો પ્રયાસમાં જુટાયાછે. આ માટે રસી વિકસાવવા અને તેના મોટા પ્રમાણમાં ઉત્પાદનને લઈ રસીની રેસ જામી છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ મોટી અસર વર્તાઈ છે જોકે, સંગ્રહક્ષમતા આડઅસરો અને સો ટકા વિશ્ર્વસનીયતાના અભાવે રસીની ‘રસ્તા ખેંચ’ વધુ ગહેરી બની રહી છે. આ વચ્ચારે ભારતમાં આગામી ટુંક જ સમયમાં વિશ્ર્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. પ્રથમ તબકકામાં ૩૦ કરોડ ભારતીયોને રસી આપવાનું લક્ષ્યાંક છે. પરંતુ આ માંગને ‘સચોટ’ રીતે પહોચીવળવી પણ એક પડકાર સમાન જ છે. ૩૦ કરોડ લોકોને રસી દેતા પહેલા ભારતે ૬૬.૬ કરોડ ડોઝ તૈયાર રાખવા પડશે. આ માંગને સંતોષવા ત્રિદેવના રૂપમાં ત્રણ રસીઓ પર આધાર અનિવાર્ય બન્યો છે. જેમા કોવિશીલ્ડને કોવેકિસનને મંજૂરી મળ્યા બાદ હવે, ઝાયકોવ-ડી પર આધાર છે.
રસીકરણની સંખ્યા કરતા બે ગણા વધુ ડોઝ ખરીદવા જ પડશે તેનો કોઈ બીજો વિકલ્પ નથી. કારણ કે રસીને સંગ્રહવામાં જરાક ચૂક મતલબ ડોઝ નિષ્ફળ !! આમ, લગભગ ૬ લાખ જેટલા ડોઝ તો વેસ્ટેજમાં જ જાય તેવી ધારણા છે.નોંધનીય છે કે, કોરોનાની રસીનો સંગ્રહ માઈનસ ટેમ્પરેચરે થતા તેને સાચવવી અધરી છે. આ પરિબળને ધ્યાને લેતા ચૂસ્ત બંદોબસ્ત સાથે દેશભરમાં ખાસ કોલ્ડ ચેઈન પોઈન્ટસ ઉભા કરાયા છે. અને વોલિયન્ટર્સને રસી અપાયા વખતે જ ડોઝ બહાર કાઢવા કડક સુચનો કરાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દર ૫૦ વ્યકિતઓએ ૧૧૧ ડોઝની જરૂર પડશે અને કુલ ૩૦ કરોડ માટે ૬૬.૬ કરોડ ડોઝની જરૂરીયાત રહેશે. આમાં સૌથી મોટો ખતરો ડોઝની સંગ્રહ ક્ષમતાનો જ છે.
કોવિશીલ્ડ અને કોવેકિસનને ડીસીજીઆઈની લીલીઝંડી મળી ગયાબાદ કંપનીઓએ જણાવ્યું હતુ કે, રસીના ડોઝ ખાનગી ધોરણે પણ માર્કેટમાં ઉપલબ્ધ બનશે. જેની કિમંત આશરે એક હજાર હશે. રસીની કિમંતો તો સંગ્રહ ક્ષમતા જેવા પડકારોને લઈ રસીની રસ્સા ખેંચ વધુ જામી છે. તો ડોઝની માંગને સંતોષવા ગુજરાતી કંપની ઝાયડસ કેડિલા પર હવે ભાર મૂકાઈ રહ્યો છે. ઝાયકોવ-ડીનું પરીક્ષણ હાલ ત્રીજા તબકકામાં છે. કોવિશીલ્ડ, કોવેકિસન અને ઝાયકોવ-ડી એમ ત્રીદેવ રૂપ ત્રણેય રસીઓનાં ઉપયોગથી ભારત રસીની રસ્સા ખેંચમાં મેદાન મારી જાય તેવી ધારણા છે.