રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા આજરોજ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં તેઓએ કોરોનાની વર્તમાન અને ભવિષ્યની સ્થિતિ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટના ગામડાઓમાં લોકોએ અંધશ્રદ્ધાથી દૂર રહી અનેક ગામમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂરી કરવામાં આવી છે. ગામડાના લોકો ખોટી માન્યતાઓને દૂર રાખી હવે વેક્સિનેશન તરફ વળ્યા તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ કલેકટરે જણાવ્યું હતું કે, માંસાતે રાજકોટ જિલ્લામાં 4 થી 5 ગણો વેક્સિનનો જથ્થો આવશે તો બીજી તરફ પીડિયાટ્રીક એસો. દ્વારા કલેકટર રેમ્યા મોહનને આગામી ત્રીજી લહેરનું પ્લાનીંગ પણ રજૂ કરવામાં આવ્યું છે.
રાજકોટના અનેક ગામડાઓએ અંધશ્રદ્ધાથી દૂર રહી 100 ટકા વેક્સિન મુકાવી: પીડીયાટ્રીક એસો.એ ત્રીજી લહેરનો પ્લાન રજૂ કર્યો
રાજકોટમાં કોરોનાની ત્રીજી લહેર સામે લડી લેવા માટે તંત્ર પુરજોશમાં કામગીરી કરી રહ્યું છે ત્યારે આજે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા પત્રકાર પરિષદ યોજવાામં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોના કવચ સ્વરૂપે માસાંત સુધીમાં વેક્સિનનો 4 થી 5 ગણો જથ્થો રાજકોટ આવી પહોંચશે. જેથી વેક્સિનેશનની કામગીરીમાં વધારો કરીને વધુને વધુ લોકોને રસીકરણ કરાવવા માટે તંત્ર સજ્જ થયું છે. કલેકટર રેમ્યા મોહને વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટના ગામડાઓમાં પણ લોકો અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓથી દૂર રહીને વેક્સિનેશન તરફ વળ્યા છે.
રાજકોટના અનેક ગામડાઓમાં અત્યાર સુધી 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ પત્રકાર પરિષદમાં કલેકટર રેમ્યા મોહને ત્રીજી લહેર અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આગોતરા આયોજનરૂપે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના બેડ વધારવામાં આવશે. જેમાંથી 200 જેટલા બેડ બાળકો માટે રિઝર્વ રાખવામાં આવશે. ત્રીજી લહેરમાં બાળકોને કોઈ ગંભીર અસર ન થાય તેના માટે સરકાર પાસે વેન્ટિલેટરની પણ માગણી કરવામાં આવી છે. આ સાથે પીડિયાટ્રીક એસો.એ પણ ત્રીજી લહેરને લઈ પ્લાનીંગની કલેકટર સાથે ચર્ચા કરી હતી.
મ્યુકરમાઈકોસીસની વાત કરતા કલેકટરે જણાવ્યું હતું કે, હાલ રાજકોટમાં મ્યુકરની રીકવરી રેટ ઓછી છે. પરંતુ તંત્ર દ્વારા સતત તેની કામગીરી અને સમીક્ષા કરવામાં આવી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસના 600 કરતા વધુ દર્દીઓ દાખલ છે. જેમની સારવાર કરી જલ્દીથી રીકવરી મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.એઈમ્સ અંગે વાત કરતા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, વર્ષના અંત સુધીમાં એઈમ્સ હોસ્પિટલની ઓપીડી શરૂ કરવામાં આવશે. જેના અનુસંધાને ઈન્ફાસ્ટ્રકચર અને તેમજ એઈમ્સ સુધી પહોંચવા રોડનું કામ ટૂંક સમયમાં જ પૂરું કરવામાં આવશે. આ માટે કલેકટર રેમ્યા મોહન સતત એઈમ્સની ટીમ સાથે સંપર્કમાં રહીને લોકોને જરૂરી સુવિધા પ્રાપ્ત થાય તે માટે કાર્યરત છે. ટૂંક સમયમાં જ એઈમ્સની ઓપીડી શરૂ કરવા માટે એઈમ્સ હોસ્પિટલના એક્ઝિક્યુટીવ ડાયરેકટર દ્વારા નિર્ણય લેવામાં આવશે.