હાલમાં જ ગુજરાતમાં કોરોનાના નવા ડેલ્ટા પ્લસ વેરિયન્ટના બે કેસ નોંધાતા ભારે ખળભળાટ મચી ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં ત્રીજી લહેરે દસ્તક દઇ દીધી છે. એવામાં કાચિંડાની જેમ કલર બદલતા કોરોના સામે વેક્સિન એકમાત્ર શસ્ત્ર છે. જો કે રાજકોટમાં વેક્સિનની ગંભીર અછત સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં મનપાના રસીકરણ કેન્દ્રોમાં રસીની અછત સર્જાઇ છે. શહેરમાં આરોગ્ય કેન્દ્રો પર બંધની નોટિસ લગાવી તાળા મારી દેવામાં આવતાં લોકોને ધરમના ધક્કા થઇ રહ્યાં છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાજકોટ શહેરમાં મનપાના રસીકરણ કેન્દ્રો પર રસીનો સ્ટોક ન હોવાને કારણે તાળા મારી દેવામાં આવ્યા છે. સાથે નોટિસ ચોંટાડવામાં આવી છે કે તારીખ 26-06-2021ના શનિવારના રોજ વેક્સિનેશન બંધ રહેશે. એવું પણ બહાર આવ્યું છે કે 18થી 44 વર્ષના લોકોને આપવામાં આવતી કોવિશીલ્ડ રસીનો સ્ટોક ખતમ થઇ ગયો છે. હાલ તમામ રસીકરણ કેન્દ્ર પર માત્ર કોવાક્સિન રસી જ ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેરમાં શાસ્ત્રી મેદાન ખાતે આવેલા આરોગ્ય કેન્દ્રો પર તાળા મારી દેવામાં આવ્યા છે. અને નોટિસ ચોંટાડવામાં આવી છે કે શનિવારે વેક્સિનેશન બંધ રહેશે. સામાન્ય રીતે શનિ-રવિ લોકોને રજા હોવાથી આ દિવસોમાં વેક્સિન લેવાનું વિચારી આરોગ્ય કેન્દ્રો પર દોડી જતા હોય છે પરંતુ આરોગ્ય કેન્દ્રો પર ખંભાતી તાળા જોઇને તેઓને ધરમનો ધક્કો થઇ રહ્યો છે અને રોષ પણ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.