દેશભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.કોરોનાને વકરતો રોકવા માટે હવે વેકિસનેશન સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. ત્યારે હવે વેકિસનેશન ઝુંબેશને પુરજોશમાં શરૂ કરવા માટે એપ્રીલ માસમાં એકપણ દિવસની બ્રેક રાખ્યા વિના તમામ દિવસ વેકિસનેશન ચાલુ રાખવામાં આવશે.
કેન્દ્ર સરકાર બાદ હવે રાજય સરકારે પણ આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે અને આખો એપ્રીલ વેકિસનેશન ચાલુ રાખવામાં આવશે તેવો પરિપત્ર પ્રસિધ્ધ કર્યો છે.દેશમાં ગત 16મી જાન્યુઆરીથી વેકિસનેશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પહેલા એક સપ્તાહમાં માત્ર ત્રણથી ચાર દિવસ જ વેકિસનેશનની કામગીરી કરવામાં આવતી હતી. દરમિયાન કોરોનાની બીજી લહેરે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાને નાથવા માટે હવે વેકિસનેશન સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં એવો પરિપત્ર પ્રસિધ્ધ કરાયો હતો કે એપ્રીલ માસમા એક પણ દિવસની રજા રાખ્યા વિના વેકિસનેશન અભિયાન હાથ ધરાશે જેને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા પણ હવે એપ્રીલ માસમાં રામનવમી અને આંબેડકર જયંતિની જાહેર રજાઓ, રવિવારના દિવસે પણ વેકિસનેશન ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. અને આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે.બીજી તરફ રાજયમાં રાત્રીનાં 9 વાગ્યા સુધી વેકિસનેશન ચાલતુ હતુ.
દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ગત 1લી એપ્રીલથી રાત્રીનાં 9 વાગ્યાથી રાત્રી કરફયુ અમલમાં આવી ગયો હોવાના કારણે હવે વેકિસનેશનની કામગીરી રાત્રીનાં 8 વાગ્યા સુધી કરી દેવામાં આવી છે. હાલ ગુજરાતમાં વેકિસનેશનની કામગીરીને એક અભિયાન તરીકે ઉપાડવામાં આવી છે. જેમાં સેવાકીય અને સામાજીક સંસ્થાઓના સહયોગથી વેકિસનેશન કેમ્પયોજાઈ રહ્યા છે.રાજકોટમાં ગઈકાલે એક જ દિવસમાં સૌથી વધુ લોકોને કોરોનાની વેકિસન આપવા માટેનો વિક્રમ નોંધાયો છે.