રસી માટે હવે રાહ નહીં જોવી પડે, લોકો પોતાની અનુકુળતાએ ગમે ત્યારે ડોઝ લઈ શકશે
મોદી સરકાર સારા સ્વાસ્થયની સાથે નાગરિકોના અમુલ્ય સમયને પણ સમજે છે: ડો. હર્ષવર્ધન
કોરોના મહામારીમાંથી ઉગરવા વિશ્ર્વભરના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં ચાલી રહી છે. રસીકરણની આ પ્રક્રિયામાં ભારતે ખુબ ટુંકાગાળામાં 3 કરોડ હેલ્થ વર્કર્સ અને ફ્રંટલાઈન વર્કર્સને રસી આપી દુનિયાભરનાં દેશોનું ધ્યાન ખેંચ્યું છે અને ઝડપી રસીકરણ કરનાર વિશ્ર્વનો પ્રથમ દેશ પણ બન્યો છે.ત્યારે હવે, આ રસીકરણ ઝુંબેશને વધુ તેજ બનાવી કોરોનાને જટ ભગાડવા સરકારે નિર્ધાર કર્યો છે. જે અનુસાર, હવે, રસીકરણ 24ડ્ઢ7 કલાક શરૂ રહેશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે, હવે, તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 24 કલાક રસી અપાશે. રસીકરણ માટે લોકોએ રાહ નહી જોવી પડે અને પોતાની અનુકુળતાએ ગમે ત્યારે કોરોના સામેની રસી મુકાવી શકશે. ડો. હર્ષવર્ધને વધુમાં જણાવતાં કહ્યું કે, રસીકરણની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા મોદી સરકારે આ નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોના સારા સ્વાસ્થ્યની સાથે તેમના સમયને પણ સમજે છે નાગરિકોનો રસીકરણ પાછળ ખોટો સમય ન બગડે તે માટે પણ આ નિર્ણય કરાયો છે. રસીના ડોઝ કોઈપણ હોસ્પિટલમાં દિવસ-રાત કોઈપણ સમયે લઈ શકવાની છૂટ તો અપાઈ છે.પરંતુ આ પધ્ધતિ હોસ્પિટલોનાં નિયમ અને તેની ક્ષમતા મુજબ લાગુ કરવાની રહેશે.
રસીકરણ પ્રક્રિયાને વેગ આપવા સરકારે સેશન પણ વધાર્યા છે. હાલ, 45 વર્ષથી વધુ ગંભીર બિમારી ધરાવનારા અને 60 વર્ષથી વધુના તમામ લોકોને રસી આપવાનો બીજો તબકકો કાર્યરત છે. આ માટે તમામ લોકોએ કોવિન વેબસાઈટ પર નોંધણી કરાવવાની રહે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, રસીકરણને વેગ આપવા હજુ વધુ સેશન વધારાશે અને આ પ્રોગ્રામમાં વધુ હોસ્પિટલોને પણ જોડવામાં આવશે.