બુસ્ટર ડોઝ મફ્તમાં આપવાની જાહેરાત બાદ રાજ્ય સરકાર દ્વારા માત્ર 5000 જ ડોઝ ફાળવાયા
ગત 15મી જુલાઇથી રાજ્યભરમાં 18 થી લઇ 59 વર્ષની ઉંમર ધરાવતા તમામ નાગરિકોને કોરોનાની વેક્સીનનો બુસ્ટર ડોઝ આપવાની ઘોષણા કરવામાં આવી છે. મહાઉપાડે શરૂ કરવામાં આવેલું આ અભિયાન વેક્સીનના અપૂરતા જથ્થાના કારણે વેર વિખેર થઇ ગયું છે. ગઇકાલ બાદ આજે પણ શહેરમાં વેક્સીનેશનની કામગીરી પૂરતા ડોઝ ન હોવાના કારણે બંધ રહી હતી. આજે રાજ્ય સરકાર દ્વારા જો વેક્સીનનો જથ્થો ફાળવવામાં આવશે તો જ આવતીકાલે વેક્સીનેશનની કામગીરી ચાલુ થશે. અન્યથા કાલે પણ ધાંધિયા યથાવત જ રહેશે. બુસ્ટર ડોઝ આપવાની ઘોષણા કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા રાજકોટને માત્ર બે વખત કોવેશિલ્ડ વેક્સિનના 5100 જેટલા ડોઝ ફાળવવામાં આવ્યા છે. કોર્પોરેશન પાસે રહેલા 5000 જેટલા ડોઝથી પ્રથમ બે દિવસ જેમ-તેમ કરી ગાડું ગબડાવવામાં આવ્યું હતું. વેક્સીનનો જથ્થો પૂર્ણ થઇ ગયા બાદ છેલ્લા ત્રણ દિવસથી રાજકોટમાં કોરોના વેક્સીનની કામગીરી સદંતરપણે બંધ છે. કાલે થોડીવાર માટે વેક્સીનેશન ચાલુ રખાયા બાદ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. આજે સવારથી એકપણ આરોગ્ય કેન્દ્રો પર વેક્સીનની કામગીરી ચાલુ નથી. આજ સાંજ સુધીમાં જો સ્ટોકની ફાળવણી નહીં કરવામાં આવે તો આવતીકાલે પણ વેક્સીનેશનની કામગીરી બંધ રહેશે.