રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એકપણ ગામને રસીનો પૂરતો જથ્થો ન ફાળવતા સ્થિતિ હજુ ખરાબ
રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના વેક્સિન આપવાની કામગીરી બંધ રહ્યાં બાદ આજથી ફરી રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, હજી એક પણ જિલ્લા કે મહાનગરને જરૂરિયાત મુજબ વેક્સિનના ડોઝની ફાળવણી કરવામાં આવી ન હોવાના કારણે સેન્ટરો પર લોકોની કતારો જોવા મળી હતી. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વેપારીઓ માટે ફરજિયાત વેક્સિન લેવાની મુદત 10 જુલાઈના બદલે 31 જુલાઈ કરતા થોડી રાહત અનુભવાઈ રહી છે.
ગુજરાતમાં દર બુધવારે સરકાર દ્વારા આરોગ્ય કેન્દ્ર પર મમતા દિવસ અંતર્ગત નવજાત બાળકો, ધાત્રી માતા અને સગર્ભા મહિલાઓને અલગ અલગ પ્રકારની રસી આપવામાં આવતી હોય બુધવારે મમતા દિવસના કારણે રાજ્યભરમાં કોરોનાની વેક્સિન આપવાની કામગીરી બંધ રાખવામાં આવી હતી. દરમિયાન વેક્સિનનો પુરતો જથ્થો ન હોવાના કારણે ગુરૂવારે તથા શુક્રવારે પણ રાજ્યભરમાં વેક્સિનેશનની કામગીરી બંધ રહેવા પામી હતી.
દરમિયાન આજે સવારથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કોરોનાની વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રાજકોટમાં આજે કોર્પોરેશન દ્વારા અલગ અલગ 33 સેન્ટરો પર વેક્સિન આપવાનું સવારથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 31 સેન્ટરો પર કોવીશિલ્ડની વેક્સિન આપવામાં આવી રહી છે. જ્યારે માત્ર બે સેન્ટરો પર જ કો-વેક્સિન આપવામાં આવે છે.
ત્રણ દિવસ બાદ આજે વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ વેક્સિનનો જથ્થો મર્યાદિત હોવાના કારણે સવારથી સેન્ટરો પર લોકોની લાઈનો લાગેલી જોવા મળતી હતી. બપોરબાદ તમામ સેન્ટરો પર ફરી રસીકરણની કામગીરી ઠપ્પ થઈ જાય તેવું લાગી રહ્યું છે.