કોર્પોરેશન પાસે કોવિશિલ્ડ કે કો-વેક્સિનનો એકપણ ડોઝ નથી, સરકાર ફાળવતી પણ નથી
છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. રાજકોટમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. જો કે, કોરોનાના વધતાં કહેર વચ્ચે શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વેક્સિનેશનની કામગીરી સંપૂર્ણ પણે બંધ પડી છે. કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસે 30 હજાર કોવિશિલ્ડ વેક્સીનના ડોઝ માંગવામાં આવ્યા છે. પરંતુ સરકાર દ્વારા એકપણ ડોઝની ફાળવણી કરવામાં આવતી ન હોવાના કારણે હાલ આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનેશન અટકાવી દેવામાં આવ્યું છે. શહેરમાં કોરોનાના 96 એક્ટિવ કેસ છે. ગઇકાલે નવા પાંચ કેસ નોંધાયા હતા. રાજકોટ શહેરમાં 100 ટકા લોકોએ કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. જ્યારે 91.37 ટકા લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લઇ ચુક્યા છે. જ્યારે 22 ટકા લોકો પ્રિકોશન ડોઝ લઇ સુરક્ષિત બની ચુક્યા છે.
દોઢ લાખથી વધુ લોકો એવા છે કે જેને કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લઇ લીધો છે અને બીજો ડોઝ લેવા માટેનો સમય થઇ ચૂક્યો છે. પરંતુ હાલ કોર્પોરેશન પાસે કોવિશિલ્ડનો એકપણ ડોઝ ઉપલબ્ધ ન હોવાના કારણે ગત શનિવારથી વેક્સીનેશનની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર પાસે કોવિશિલ્ડના 30 હજાર ડોઝની માંગણી કરવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે સરકાર પાસે ડોઝ ઉપલબ્ધ થશે ત્યારે તમામ જિલ્લા અને મહાનગરોને જે પ્રકારે જથ્થો ફાળવવામાં આવશે. તે રીતે રાજકોટને ડોઝની ફાળવણી કરવામાં આવશે. જો કે બીજી તરફ હાલ વેક્સિનેશન માટે લોકોનો ખાસ ધસારો ન હોવાના કારણે કોઇ મુસીબત પડતી નથી.
આવતા સપ્તાહે સરકાર દ્વારા કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ ફાળવી દેવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે. ગઇકાલે રાજકોટમાં કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા હતાં. હાલ શહેરમાં કોરોનાના 96 એક્ટિવ કેસ છે. જે પૈકી બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે અને 94 દર્દીઓની સ્થિર હોય, હોમ આઇસોલેશન હેઠળ છે. 18 દર્દીઓ કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાના કારણે સંક્રમિત થયા છે. જ્યારે નવ દર્દીઓ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવે છે. વેક્સિનના ત્રણેય ડોઝ લેનાર 96 લોકો કોરોનામાં પટકાયા છે. જે 96 કેસ હાલ એક્ટિવ છે. તેમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે.