રાજકોટ સહીત મોટાભાગના શહેર-જિલ્લાઓમાં વેક્સીનનો સ્ટોક ખાલીખમ
હાલ ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં એકલ દોકલ મોત પણ નોંધાઈ રહ્યા છે તેવા સમયમાં મળતી માહિતી મુજબ રાજકોટ મહાનગર અને ગ્રામ્ય સહીત મોટાભાગે કોઈ જ શહેર-જિલ્લાઓમાં વેક્સીનનો સ્ટોક ઉપલબ્ધ નહીં હોવાને લીધે વેક્સીનેશન ડ્રાઇવ સંપૂર્ણપણે ઠપ્પ થઇ ચુકી છે. બીજી બાજુ વેક્સીન સિવાય કોરોનાની કોઈ સચોટ દવા નહીં હોવાને લીધે લોકોએ કોરોનાથી બચવા એકમાત્ર વેક્સીન પર જ આધાર રાખવો પડે તેમ છે ત્યારે તંત્ર અને પ્રજા બંને લાચારી અનુભવી રહી છે.
કોરોના કાંચિડાની જેમ જયારે રંગ બદલાવી રહ્યો છે અને તેના લીધે લોકો ફરીવાર સંક્રમિત થઇ રહ્યા છે. બીજી બાજુ આગમચેતી સ્વરૂપે ટેસ્ટિંગ વધારવા પર જોર મુકાઈ રહ્યું છે ત્યારે કોરોના સામે લડવા માટે વેક્સીન સિવાય અન્ય કોઈ દવા કારગત નીવડતી નથી તેવા સમયે હાલ વેક્સીનેશનની કામગીરી ઠપ્પ થઇ ગયાનું સામે આવી રહ્યું છે.
જે રીતે ફરી એકવાર કોરોના પ્રકોપ વધી રહ્યો છે ત્યારે વેક્સીનની જરૂરિયાત ફરીવાર ઉભી થવા જઈ રહી છે ત્યારે હાલ રાજકોટ સહીત મોટાભાગના જિલ્લાઓમાં વેક્સીનનો સ્ટોક ખાલીખમ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ કોરોનાની લહેર શાંત પડતા લોકોએ વેક્સીન પ્રત્યે નીરસતા દાખવતા વેક્સીનનું ઉત્પાદન કરતી કંપનીઓએ પ્રોડક્શન બંધ કરી દીધું હતું. તંત્ર પાસે તેમજ સરકારી અને ખાનગી હોસ્પીટલ પાસે જે જથ્થો ઉપલબ્ધ હતો તેમાંથી મોટાભાગનો જથ્થો એક્સ્પાયર થઇ ગયો હોવાથી વેક્સીનનો સ્ટોક તળિયા જાટક થઇ ગયો છે.
રાજકોટ મહાનગરની જો વાત કરવામાં આવે તો મહદઅંશે કોવીશિલ્ડ વેક્સીનનો પ્રથમ ડોઝ લોકોને આપવામાં આવી હતી પરંતુ હાલ કોવિશિલ્ડનો એકપણ ડોઝ મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ નથી. કોવાક્સીનનો જથ્થો પણ ખુબ જ માર્યાદિત છે પરંતુ ભાગ્યે જ કોઈએ આ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હોવાથી આ વેક્સીન પણ બિનઉપયોગી બની ગઈ છે. મળતી માહિતી મુજબ મહાનગરમાં 1 એપ્રિલ એટલે કે છેલ્લા 12 દિવસથી વેક્સીનેશનની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઇ ચુકી છે.
હાલ રાજકોટ સહીત મોટાભાગના મહાનગરો અને જિલ્લાઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ વેક્સીનના ડોઝની માંગણી કરવામાં આવી છે પરંતુ રાજ્ય સરકાર પાસે પણ ડોઝ ઉપલબ્ધ નહીં હોવાથી કેન્દ્ર સરકાર પર નિર્ભરતા વધી ગઈ છે.
રાજકોટમાં વેક્સીનના સ્ટોકના અભાવે દોઢ લાખ લોકો પ્રિકોશન ડોઝથી વંચિત!!
રાજકોટ શહેરમાં વેક્સીનેશન ડ્રાઇવ અનુસંધાને 100% લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. જયારે 91.37% લોકોએ બીજો ડોઝ મેળવ્યો છે પરંતુ ફકત 22% લોકોને જ પ્રિકોશન ડોઝ આપી શકાયો છે. મળતી માહિતી મુજબ અંદાજિત દોઢ લાખ લોકો સ્ટોકના અભાવે પ્રિકોશન ડોઝથી વંચિત હોવાનું સામે આવ્યું છે. શહેરના 21 જેટલાં આરોગ્ય કેન્દ્રો પર હાલ વેક્સીનનો ડોઝ નહીં હોવાને કારણે લોકોનો ધસારો નહિવત જોવા મળી રહ્યો છે.
જિલ્લામાં વેક્સીનનો એકપણ ડોઝ ઉપલબ્ધ નહીં : અંદાજિત 20 દિવસથી વેક્સીનેશન ડ્રાઇવ બંધ!!
વેક્સીનબો ડોઝ ખલ્લાસ થઇ જતા રાજકોટ જિલ્લામાં અંદાજિત છેલ્લા 20 દિવસથી વેક્સીનેશન ડ્રાઇવ બંધ કરી દેવામાં આવી છે. તાત્કાલિક વેક્સીનની જરૂરિયાર હોવાને લીધે જિલ્લા વહીવટી તંત્રે રાજ્ય સરકાર પાસેથી 60 હજાર ડોઝની માંગણી કરી છે. જો કે, રાજ્ય સરકાર પાસે પણ ડોઝ નહીં હોવાને લીધે લોકોએ રાહ જોવાનું રહ્યું.
રાજકોટ મહાનગરપાલિકાએ 30 હજાર જયારે વહીવટી તંત્રએ 60 હજાર ડોઝની માંગ કરી
જે રીતે વેક્સીનની સ્ટોક ખલ્લાસ થઇ ગયો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે 30 હજાર ડોઝની માંગ કરવામાં આવી છે. બીજી બાજુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકાર પાસે 60 હજાર ડોઝની માંગ મુકવામાં આવી છે. જો કે, હજુ સુધી રાજ્ય સરકાર પાસે પણ સ્ટોક ઉપલબ્ધ થયો નથી. રાજ્ય સરકારે કેન્દ્ર પાસે વેક્સીન માટે માંગણી કરી છે અને જયારે રાજ્ય સરકારને આ ડોઝ મળશે ત્યારે 8 મહાનગર અને 33 જિલ્લાને સ્ટોકની ફાળવણી કરવામાં આવનાર છે.