સિંહોને ગેરકાયદેસર કરાતા ઈઉટ રસીકરણ અટકાવવા પર્યાવરણ બચાવ સમિતિની રજુઆત.

રસીકરણ માટે બેભાન કરવાની પ્રક્રિયામાં સિંહોના મૃત્યુ સુધીનું જોખમ: સામાજીક વનીકરણ વિભાગને લેખીત રજુઆત.

પર્યાવરણ બચાવ સમિતિ સમગ્ર ભારતમાં પર્યાવરણના રક્ષણ માટે તથા વન્ય જીવોની સુરક્ષા માટે કામગીરી કરી રહ્યા છે. સમિતિને મળેલ જાણકારીના આધારે સામાજીક વનીકરણ વિભાગને લેખીતમાં રજુઆત કરીને માંગ કરવામાં આવે છે કે સમગ્ર વિશ્ર્વમાં સિંહો સાથે કયારેય ના બની હોય તેવી ઘટના ગીરપૂર્વ વિસ્તારમાં બની રહી છે સમગ્ર વિશ્ર્વમાં તંદુરસ્ત રીતે વિહરતા બિલાડી કુળના (સિંહ , વાઘ, દીપડા, ચિત્તા) જેવા કોઇપણ પ્રાણીઓનું આજ દિન સુધી કે ભૂતકાળમાં રસીકરણ થયું નથી.

તેમ છતાં ગીરના સિંહોનું રસીકરણ શા માટે કરવામાં આવી રહેલ છે? અને એ પણ ઉચ્ચ અધિકારીની લેખીત પરવાનગી વિના ગીર પૂર્વ વિસ્તારમાં શારીરિક રીતે તંદુરસ્ત સિંહોને ગેરકાયદેસર છુપી રીતે સીડીવી વાઇરસનું રસીકરણ કરવામાં આવી રહેલ છે. તે ગેરકાયદેસર છે તેવી જાણકારી સમીતીના ઘ્યાનમાં આવેલ છે. શારીરિક રીતે તંદુરસ્ત સિંહોને જે ગેરકાયદેસર છુપી રીતે સીડીવી વાઇરસના રસીકરણ કરવામાં આવી રહેલ છે તેને તાત્કાલીક ધોરણે અટકાવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

ઘ્યાનમાં આવેલી માહીતી મુજબ શારીરિક રીતે તંદુરસ્ત સિંહોના રસીકરણ માટે નિયમ મુજબ ૪૦ દિવસ દરમિયાન ત્રણ વાર અલગ અલગ સમયે ડોઝ આપવા પડે છે તેના માટે સિંહોને ૪૦ દિવસ સુધી પકડીને કેદ રાખવા પડે અથવા તો બેભાન કરવા પડે અથવા તો અલગ પ્રકારના પાંજરામાં જબરદસ્તી દબાવીને પુરવા પડે અથવા તો ટ્રેનકયુલાઇઝ કરીને બેભાન કરવા પડે આ બધી જ પ્રકિયાઓ સિંહ માટે જોખમી અને પીડાદાયક હોય છે.

આ પ્રક્રિયા દરમિયાન ઇન્ફેકશન થવાનો સ્નાયુ જકડાઇ જાવાનો કે પેરાલીસીસ થવાનું જોખમ રહે છે., સિંહોને જયારે ટ્રેન કયુલાઇઝ કરીને બેભાન કરવામાં આવે એ પ્રક્રિયામાં મૃત્યુ સુધીનું પણ જોખમ રહેલું હોય છે. કેનાઇન ડિસટેમ્પર રસી સંપૂર્ણ પણે સુરક્ષિત નથી તેનાથી પ્રાણી ને તાવ આવી શકે. નબળાઇ આવી શકે અને અમુક કિસ્સાઓમાં એલર્જીક રિએકશન આવવાથી મૃત્યુ થવાની શકયતા રહેલી છે.

વાઇલ્ડ લાઇફ ઓફ ઇન્ડીયાના નિષ્ણાંત (વાઇ.વી.ઝાલા) ના જણાવ્યા મુજબ ગીરના સિંહોનું રસીકરણ કરવું જોઇએ નહી. કેમ કે તેનાથી અન્ય રોગો સામેની રોગ પ્રતિકારક શકિત ઓછી થવાની સંભાવના રહેલી છે જે સિંહોના લાંબા ગાળાના ભવિષ્ય માટે જોખમ કારક સાબિત થઇ શકે છે.

જે દેશમાં એક પણ સિંહનું અસ્તિત્વ નથી એવા અમેરિકાથી મંગાવેલી આ રસી હકીકતમાં નોળીઆ કુળના પ્રાણીઓ માટે વિકસાવાયેલી રસી છે સિંહોને આપવામાં આવતી આ રસીની બોટલ પર નોળીઆનો ફોટો દોરેલ છે., અમરેલી જીલ્લાના રાજુલા વિસ્તારમાં મુકતરીતે થી વહરતા અને સ્વસ્થ એવા અંદાજીત ર૦ સિંહોનું ગેરકાયદેસર રીતે અને અતિશય ગુપ્ત રીતે રસીકરણ કરવામાં આવેલ એમાંના અમુક સિંહોાની તબીયત લથળેલી હોવાનું જાણવા મળેલ છે.

ઉપરોકત તમામ જાણકાર- મુદ્દાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર છુપી રીતે સીડીવી વાઇરસનું જે રસીકરણ કરવામાં આવી રહલ છે તે તાત્કાલીક ધોરણે અટકાવવામાં આવે શારીરિક રીતે તંદુરસ્ત સિંહોને ગેરકાયદેસર છુપી રીતે સીડીવી વાઇરસના રસીકરણ થી એક પણ સિંહનું મૃત્યુ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રના શિરે રહેશે. તેમ અંતમાં ગુજરાત રાજય પર્યાવરણ બચાવ સમિતિએ અમરેલી સામાજીક વનીકરણ વિભાગને પત્ર લખી જણાવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.