આને તમે વાટકી વ્યવહાર કહો, દોસ્તીનો હાથ કહો કે વેકસીન ડિપ્લોમસી પણ વિશ્વને કોવિડ-19 ની મહામારીથી બચાવવા માટે ભારતે 71 દેશોને પુરી પાડેલી વેક્સીન આજે આંબાના વાવેતર સમાન પુરવાર થઇ રહી છે. જે હવે ટૂક સમયમાં કેરીઓ આા માંડશે. જેની શરૂઆત કદાચ ભારતનાં યુરોપિયન યુનિયન સાથેના વધુ ઘનિષ્ઠ વ્યવસાયિક સંબંધોથી થઇ શકે છે.
ભારતે 2021 માં આર્જેન્ટિના, બ્રાઝિલ તથા ઇજીપ્ત સહિતનાં ઘણા દેશોને વેક્સીન મોકલાવીને કોવિડ-19ની સમસ્યામાં પણ ઓપર્ચ્યુનીટી ઉભી કરી છે. હવે યુરોયિન યુનિયન સાથે મે-21 માં યોજાનારી સમિટમાં ભારતના યુરોપિયન દેશો સાથેનાં નવા વ્યવસાયિક સંબંધોની રૂપરેખા તૈયાર થશે. પોર્ટુગલમાં યોજાનારી આ સમિટમાં દ્વિપક્ષિય ફ્રી ટ્રેડ પોલીસી ઉપર એક વચગાળાનો કરાર થવાની સંભાવના છે જે યુરોપિયન કંપનીઓના ભારતમાં મુડીરોકાણનો નવો માર્ગ તૈયાર કરશે. આમેય તે અમેરિકાનો ચીન સાથેનો ખટરાગ જુનો છે, કોવિડ-19માં ચીનની ભૂમિકા અને તેના સત્ય ઉપર ઢાંકપિછોડો કરવાના વલણથી યુરોપિયનો ગુસ્સે થયા છે, જ્યારે ભારતના ચીન સાથેનાં નાજુક સંબંધો માટેનાં અનેક કારણો છે. તેથી હવે આ ચીનનાં દુશ્મનો હાથમિલાવીને સાથે કામ કરવાની પોલીસી બનાવી રહ્યા છે.
યુરોપિયન યુનિયન કમિશનનાં પ્રતિનીધીઓ ઇન્ડો-ઇયુ સમિટમાં ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, રિસર્ચ એન્ડ ઇનોવેશન, ક્લીન ઇકોનોમી જેવા મુદ્દાઓ ઉપર વિગતવાર ચર્ચા કરીને કાંઇક એવું માળખું બનાવશે જેનાથી કાદાચ ભારતમાં મેઇક ઇન ઇન્ડિયાને વધારે વેગ મળશે. કદાચ એવી પ્રોડક્ટસનું ભારતમાં ઉત્પાદન શરૂ થાય જેના માટે હાલમાં ભારતીયોને ચીન ઉપર મદાર રાખવો પડે છે. આમ થવાથી ભારતનું સ્થાનિક ઉત્પાદન થશે, સ્થાનિક રોજગારી ઉભી થશૈ, માલ સસ્તો મળશૈ અને ભારતનાં નાણાં ચીનમાં જતા ઘટશે. સામા પક્ષે યુરોપના દેશોને ભારતની સસ્તી લેબરનો લાભ મળશે, 130 કરોડ નાગરિકોનું મોટું માર્કેટ મળશે અને આઇ.ટી તથા મેડિકલ સહિતના અનેક ક્ષેત્રોમાં ભારતની કાબેલિયતનો ટેકો મળશે.
યાદ રહે કે અમેરિકા બાદ યુરોપ ભારતીય કંપનીઓ માટેનું બીજા કરમનું સૌથી મોટું એક્સપોર્ટ માર્કેટ છે. એપ્રિલ-19 થી માર્ચ-20 ના વર્ષમાં 45 અબજ ડોલરની નિકાસ સાથે ભારત તેની કુલ સરેરાશ નિકાસનો 14.36 ટકા હિસ્સો યુરોપમાં ધરાવે છે. આજ રીતે ભારતની કુલ આયાત પણ આશરે 45 અબજ ડોલર જેટલી જ હતી જે ભારતની કુલ આયાતનો 9.5 ટકા જેટલો હિસ્સો ગણી શકાય.
આમ તો ભારતે વેક્સીન ડિપ્લોમસી કરી એ પહેલા એટલે કે જુલાઇ-2020 માં ઇન્ડો-ઇયુ સમિટ થઇ હતી જેમાં ચીનથી નારાજ યુરોપિયનોઐ ભારતને કહ્યું હતું કે દ્વિપક્ષિય સહકારનો મહત્વાકાંક્ષી મુસ્સદ્દો તૈયાર કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. આ અગાઉ પણ 2014 માં યુરોપ સાથે વ્યવસાયિક સંબંધો મજબુત બનાવાવાની વાટાઘાટો શરૂ થઇ હતી જેમાં વાઇન, સ્પીરીટ, ઓટોમોબાઇલ, નાણાકિય વ્યવહારો, પર્યાવરણ તથા લેબરના મુદ્દે સમાધાન સાધી શકાયું નહોતું, આ વખતે હવે જ્યારે નવેસરથી તખ્તો ઘડાયો છે ત્યારે આ જુના મુદ્દા પણ સુલટાઇ જવાની આશા છે. છેલ્લા છ મહિનામાં થયેલી વાટાધાટોનો નિચોડ એવું કહે છે કે બન્ને પક્ષ વ્યવસાય વધારવા ઉત્સુક છે, કારણકે બન્નેની વિશેષતા અને ખામીઓ એકબીજાનાં પુરક બની શકે છે. પરંતુ યુરોપિયન દેશોમાં ભારતે કરેલી નિકાસ રિજેક્ટ શા માટે થઇ અને કાનુની ગુંચવણ કેવી રીતે ઉકેલવી તે નક્કી કરવામાં ઘણો સમય લાગતો હોવાથી ભારતીય નિકાસકારોને ભારે નુકસાન ભોગવવું પડે છે. સામાપક્ષે યુરોપિયન રોકાણકારો ભારતમાં મુડીરોકાણ માટે સરળ પ્રોસેસની માગણી કરે છે.
યુરોપ સાથેનાં ભારતના વ્યવસાયિક સંબંધો વધુ મજબુત થવાનો તખ્તો તૈયાર થયો છે પણ આવા તો બીજા ઘણા દેશો છે જે ભારત સાથે દોસ્તીનો હાથ મિલાવશે. ભારત સરકારે અત્યાર સુધીમાં 71 દેશોમાં 5.8 કરોડ વેક્સીનનાં ડોઝ મોકલાવ્યા છે. જેમાંથી 80 લાખ ડોઝ તો વિકાસશીલ દેશોને ગિફ્ટ રૂપે મોકલવામાં આવ્યા છે.
આશરે 1.65 કરોડ ગ્લોબલ એલાયન્સ નાં ભાગ રૂપે મોકલાયા છે અને 3.40 કરોડ ડોઝ વેચાતા આપવામાં આવ્યા છે. આ ત્રણેય પ્રકારનું વિતરણ ભારતને આર્થિક, રાજદ્વારી તેમ જ દોસ્તીનાં સંબંધોમાં ઘણો ફાયદો કરાવશે.