અબતક, રાજકોટ
ફ્રન્ટલાઇન વર્કર, હેલ્થ વર્કર અને કોમોર્બિટીડી ધરાવતા 60 વર્ષથી વધુ વયના નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવાનું ગઇકાલ જ શરૂ કરવામાં આવ્યું છે. વેક્સીનેશન ઝુંબેશને વધુ વેગ આપવા માટે હવે શહેરમાં અલગ-અલગ 7 જગ્યાએ જ્યાં ટેસ્ટીંગ બૂથ શરૂ કરવામાં આવ્યા છે ત્યાં જ વેક્સીનની પણ સુવિધા ઉભી કરવામાં આવશે. બીજી તરફ સારી નિશાની એ છે કે શહેરમાં હાલ કોરોનાના 1170 એક્ટિવ કેસ છે. જે પૈકી માત્ર 6 દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. એકપણ દર્દી વેન્ટીલેટર પર નથી.
કોરોનાના 1170 એક્ટિવ કેસ પૈકી માત્ર 6 દર્દીઓ જ હોસ્પિટલમાં
શહેરમાં હાલ કેકેવી સર્કલ, રૈયા ચોકડી, મવડી ચોકડી, આકાશવાણી ચોક, લીમડા ચોક, ભક્તિનગર સર્કલ અને સોરઠીયાવાડી સર્કલ એમ કુલ 7 સ્થળોએ મહાપાલિકા દ્વારા કોરોના ટેસ્ટીંગ બૂથ શરૂ કરવામાં આવ્યા છે. હવે આ તમામ ટેસ્ટીંગ બૂથ પર જ વેક્સીનની સુવિધા ઉભી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગઇકાલે શહેરમાં કોરોનાના 191 કેસ નોંધાયા બાદ આજે બપોર સુધીમાં કોરોનાના વધુ 48 કેસો નોંધાયા હતાં. શહેરમાં હાલ કોરોના કુલ 1170 એક્ટિવ કેસ છે. જે પૈકી 1 દર્દી સિવિલ હોસ્પિટલમાં અને 5 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. એક્ટિવ દર્દીઓ પૈકી 12 દર્દીઓ ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવે છે. એક દર્દી ઓમિક્રોનું જોખમ ધરાવતા દેશની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવે છે. 123 દર્દીઓ અલગ-અલગ રાજ્યોની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવે છે. જ્યારે 116 દર્દીઓ ગુજરાતમાં અલગ-અલગ શહેરોની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવે છે. 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા 139 બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે જ્યારે 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દર્દીઓની સંખ્યા 1000થી પણ વધુ છે.
સાધુ વાસવાણી રોડ પર યુએઇથી આવેલા 2 વૃધ્ધોને ઓમિક્રોન
શહેરમાં છેલ્લાં 10 દિવસથી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. નવા વેરિઅન્ટ ઓમિક્રોનના પણ કેસો નોંધાઇ રહ્યાં છે. શહેરના સાધુવાસવાણી રોડ પર યુએઇથી આવેલા બે વૃધ્ધનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ જીનોમ સિક્વન્સીંગ રિપોર્ટમાં તેઓએ ઓમિક્રોન વેરિઅન્ટ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. શહેરમાં ઓમિક્રોનના કેસનો આંક 9એ પહોંચ્યો છે.