શહેરમાં એક દિવસમાં ૧૫૫૦૦ વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપી શકાય તેવી ક્ષમતા ઊભી કરતું કોર્પોરેશન

સરકાર પર્યાપ્ત માત્રામાં વેકસીન પુરી પાડશે તો તમામ રાજકોટવાસીઓને માત્ર ૧૦ દિવસમાં કોરોનાની રસી આપી દેવાશે

કોરોનાની બે વેકસીનને ભારત સરકાર દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે.આવતા સપ્તાહથી દેશભરમાં મહા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. શહેરમાં ૧૫૫ સ્થળો પરથી એકીસાથે રાજકોટવાસીઓને કોરોનાની વેક્સિન આપી શકાય તેવું જડબેસલાક આયોજન રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવ્યું છે. અગાઉ ૨૮મી ડિસેમ્બરના રોજ કોરોના વેકસીન અંગે  પાંચ સ્થળોએ મોકડ્રીલ હાથ ધરાયા બાદ આવતીકાલે વધુ નવ સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.લલિત વાજાએ જણાવ્યું હતું,કે કોરોનાની વેક્સિનેશન માટે કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે.હવે માત્ર કોરોનાની વેકેશનની રાહ જોવામાં આવી રહી છે.શહેરમાં એક સાથે ૧૫૫ સ્થળોથી વેક્સિનેશન માટેની કામગીરી શરૂ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આ માટે કોર્પોરેશનની શાળાઓ,સરકારી શાળાઓ,ખાનગી શાળાઓ ખાનગી હોસ્પિટલ,સરકારી હોસ્પિટલ,સિવિલ હોસ્પિટલ, પદ્માકુવરબા હોસ્પિટલ અલગ અલગ કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયમ સહિતના સ્થળોની યાદી બનાવવામાં  આવી છે.એક સાઇટ પર વધુમાં વધુ ૫ વ્યક્તિઓની જરૂર પડશે જેમાં વેકસીનેટર એક થી પાંચ નો સમાવેશ થાય છે.પ્રથમ વેકસીનેટર વ્યક્તિને કોરોનાની વેકસીન આપશે. જ્યારે બીજો વેકસીનેટર  વ્યક્તિનું નામ મોબાઈલમાં ચેક કરશે.ત્રીજો વેકસીનેટર કોવિડ સોફ્ટવેરમાં  વેકસીન આપવામાં આવી હોય તે વ્યક્તિના નામની એન્ટ્રી કરશે જ્યારે અન્ય બે  વેકસીનેટર ઓબ્ઝર્વેશન રૂમમાં તૈનાત રહેશે. કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન એક સેન્ટર પર દૈનિક વધુમાં વધુ ૧૦૦ વ્યક્તિઓને વેક્સિન આપી શકાશે.આ રીતે જોવામાં આવે તો રાજકોટમાં હાલ કોરોના વેક્સિન માટે મહાપાલિકા દ્વારા ૧૫૫ સેન્ટરની યાદી બનાવીને  ત્યાં તૈયારીઓ રાખવામાં આવી છે.જો તમામ સાઇટ પરથી વેકસીનેશન શરૂ કરવામાં આવે તો શહેરમાં રોજ ૧૫૫૦૦ વ્યક્તિઓને કોરોનાની રસી આપી શકાય અને વધીને ૯ થી ૧૦ દિવસમાં શહેરમાં વેકસીનેશનની કામગીરી સરળતાથી પુરી કરી શકાય.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને કેટલી માત્રામાં વેકસીનનનો જથ્થો ફાળવવામાં આવે છે તેના પર બધું નિર્ભર કરે છે.પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કરોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે.આ માટે મહાપાલિકા દ્વારા ૧૩૧૬૯ ડોક્ટર,પેરામેડિકલ સ્ટાફનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે બીજા તબક્કામાં ૫૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓને અને અસાધ્ય બીમારી ધરાવતા લોકોને વેક્સિન આપવામાં આવશે.જેનું પણ તૈયાર કરી રાજ્ય સરકારને મોકલી દેવામાં આવ્યું છે.  ૧.૮૦ લાખ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે.વેક્સિનેશન માટે મહાપાલિકા દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે.જો સરકાર પર્યાપ્ત માત્રામાં જથ્થો પૂરો પાડશે તો શહેરમાં એક સાથે ૧૫૫ સાઇટ પરની કામગીરી શરૂ થશે અને આખા રાજકોટને વધીને દસ દિવસમાં કોરોનાની વેક્સિન આપી શકાય તેવી જડબેસલાક વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.