નવરાત્રીનું ૩૦ સપ્ટેમ્બરથી ૭ ઓકટોબર સુધીનું ૮ દિવસનું વેકેશન: ૨૫ ઓકટોબરથી ૬ નવેમ્બર સુધી ૧૩ દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે
છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાં નવરાત્રી વેકેશનને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. ગત વર્ષે રાજય સરકાર દ્વારા નવરાત્રી વેકેશનની સતાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે પણ આ નિર્ણય યથાવત રાખવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નવરાત્રી દરમિયાન શાળાઓમાં ૮ દિવસનું વેકેશન રહેશે. આ વેકેશન ૩૦ સપ્ટેમ્બરથી ૭ ઓકટોબર સુધીનું રહેશે. ગત વર્ષે ૧૦ ઓકટોબરથી ૧૭ ઓકટોબર સુધી નવરાત્રી મીની વેકેશનની જાહેરાત કરાઈ હતી એટલે કે ૭ દિવસ સુધી નવરાત્રીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે લોકોએ પણ આ નિર્ણયને આવકારી લીધો હતો અને ચાલુ વર્ષે પણ નવરાત્રીનું વેકેશન યથાવત રહેશે. આ ઉપરાંત ૨૫ ઓકટોબરથી ૬ નવેમ્બર સુધી એટલે કે ૧૩ દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. વેકેશન મુદ્દે ગઈકાલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક યોજી હતી જેમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
નવરાત્રી એ ગુજરાતનો તહેવારનો પર્વ છે તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. ગરબા એ તો ગુજરાતની લોક સંસ્કૃતિ છે તેને ધ્યાને રાખીને નવરાત્રી પર્વમાં ૭ દિવસનું વેકેશન જાહેર કરાયું છે. ગત વર્ષે આ માટેનો પરીપત્ર પણ જારી કરાયો હતો. ગત વર્ષે દિવાળીનાં વેકેશનમાં એક અઠવાડિયાનો કાપ મુકી તે રજાઓ નવરાત્રીમાં વિદ્યાર્થીઓને આપવાનો નિર્ણય કર્યો હતો અને આ ચાલુ વર્ષે પણ આ નિર્ણય યથાવત રહેશે.