” અરે , તમે તમારા દીકરાને વેકેશનમાં શું કરાવશો એ કઈ વિચાર્યું છે કે નહીં? જલ્દીથી નક્કી કરી અને ક્લાસીસમાં તપાસ કરી લેશો, હવેતો બધેજ વહેલા તે પહેલાં. વેકેશન પડતા સુધીમાંતો બધેજ ’નો વેક્ધસી’ લખેલું જોવા મળશે. મેં તો મારા દીકરા માટે એના વેકેશનનું મસ્ત પ્લાનિંગ કરી રાખ્યું છે. એ બિલકુલ બોર ન થાય અને એના દરેક સમય સચવાય એવું. અને બાળકનું શું છે?

શોખતો આપણે પેરેન્ટસે જ કેળવવો પડેને એમનામાં? એ થોડું જ સમજે છે? ને આમ પણ એક્સ્ટ્રા એક્ટિવિટીમાં બિઝી રાખીએ તો જ આખું વેકેશન આપણાંથી સચવાય બાકીતો તોબા” પરિક્ષાઓના દિવસોથી લગભગ દરેક વાલીઓ પોતાના બાળકનું વેકેશન પ્લાન કરવામાં લાગી ગયા હોય છે. બાળકના વેકેશનનું પ્લાનિંગ એ જાણેકે રણમોરચે જવાની તૈયારી જેવું હોય છે. વાલીઓ બાળકના વેકેશનના દિવસોને કલાકોમાં વહેંચી દે છે અને પછી બાળકની એક એક કલાકને અલગ અલગ પ્રવૃત્તિમાં ફિટ કરી દે છે.

પહેલાનાં જમાનામાં બાળક લગભગ સાતવર્ષે શાળાએ જવાનું શરૂ કરતું,ત્યાં સુધી એ બાળપણને ભરપૂર માણતું. એ સમયમાં ભણતરનો પણ આટલો ભાર નહિ હોવાથી શાળાના સમય સિવાય બાળક શેરીઓમાં જ જોવા મળતું. એ સમયમાં બાળકનો માનસિક અને શારીરિક વિકાસ ખૂબ સારી રીતે થતો. શેરી રમતો બાળકને બહુ સારી રીતે ઘડે છે. ભણતર સિવાયના સમયમાં બાળક એને ગમે એવી પ્રવૃત્તિ કરતું, એને ગમે એવી રમતો રમતું પરિણામે વેકેશન ખુલતાં બાળક ફ્રેશ લાગતું,તાજગીપૂર્ણ અને નવા જોમ સાથે ઉત્સાહિત અને આનંદિત લાગતું. જુનવાણી સમયના બાળકોને વેકેશનનો થાક ન લાગતો. આજનું બાળક વેકેશનનો પણ થાક અનુભવે છે. એ હૃદયથી નથી ઇચ્છતું કે એને વેકેશન મળે.

આજના ડિજિટલયુગમાં જીવતી અને અસાધારણ પ્રતિભા ધરાવતી પેઢી પોતાના સંતાનો પ્રત્યે વધુ ચિંતિત હોય છે. એક સમય એવો હતો કે  એક માતાપિતાને ત્રણ,ચાર કે પાંચ સંતાન હોવા છતાં બધાનો સારી રીતે ઉછેર થતો અને પરિવાર હસતું ખેલતું લાગતું ,જ્યારે આજે લગભગ દરેક પરિવારમાં ત્રણજ વ્યક્તિ -મતલબ કે એક જ બાળક હોવા છતાં ત્રણે વ્યક્તિ ભારમાં જીવતી હોય એવું લાગ્યા કરે. માતાપિતા પણ સતત ટેંશન અનુભવતા હોય-બાળકની કારકિર્દી પ્રત્યે સતત ચિંતિત હોય એવું લાગ્યા કરે. એક બાળકનો ઉછેર પણ આજે બહુ બધી મહેનત માંગી લે છે અને આ સમયની કે ટેક્નોલોજીની દેન છે એવું કહીએ તો ખોટું નથી. બાળકતો પહેલાં પણ ભણતા અને ઉચ્ચ હોદ્દો પણ સાંભળતા પરંતુ ભાગ્યે જ આટલું પ્રેશર હશે.

વર્ષો પહેલાં ’ડિપ્રેશન’ એટલે શું એ માત્ર  ડોકટરો જ જાણતા. ડિપ્રેશન એ ’રાજરોગ’ કહેવાતો. મોટા મોટા ઉદ્યોગપતિ,ફિલ્મસ્ટાર અને રાજકારણીઓ જ આ રોગ એ ઓળખતા પરંતુ જેમ જેમ ટેકનોલોજી,શિક્ષણ અને જીવનધોરણ બદલાયા એમ એમ આ રોગ હવે સામાન્ય થઈ ગયો. ખાસ કરીને આજના સમયમાં સૌથી વધુ જો કોઈ માનસિક તાણનો શિકાર હોય તો એ બાળકો અને એના પગલે માતાપિતા. પોતાનું એકનું એક બાળક અડોશપડોશનાં કે સગાવ્હાલાનાં બાળક કરતાં અભ્યાસમાં અને અન્ય રમતગમત કે કલામાં પાછળ રહી ન જાય એ કારણથી માતાપિતા સતત બાળકને સજાગ રાખવાના પ્રયાસ કરે છે.

બીજા બાળકો સાથે પોતાના બાળકની સરખામણીમાં માતાપિતા ક્યારેક હદથી વધુ ભાર બાળક પર નાખે છે  પરિણામે માબાપ અને સંતાન બન્ને માનસિકતાણનાં શિકાર બને છે. માતાપિતાની વધુ પડતી અપેક્ષા અને પોતાના સપના સાકાર કરવાનો જે ભાર બાળક પર નખાય છે એની નીચે બાળક લગભગ દટાઈ જાય છે અને એનું સમગ્ર બાળપણ એ બોજમાંથી નીકળવામાં જ પૂરું થઈ જાય છે.

આજનાં હરિફાઈના યુગમાં દરેક માબાપ પોતાના સંતાનને બધાથી ચડિયાતું બનાવવા ઈચ્છે છે. દેખાદેખી અને આધુનિકતા એ હદે વધીજ નહિ, વકરી છે કે બાળક અને માબાપ વેકેશનનો અર્થજ ભૂલી ગયા છે. વેકેશનમાં પણ બાળકને સમયસર ઉઠાડીને સ્કેટિંગ,ડાન્સ,ડ્રોઈંગ, અને આવી અનેક પ્રવૃત્તિઓના કલાસીસમાં મોકલી દેવાનું આજના માતાપિતા ગર્વ લે છે. આજનું બાળક કેટલી કલાઓમાં નિપુણ છે એ વાત માતાપિતાનું જીવનધોરણ અને એની જીવનશૈલી નક્કી કરે છે.

કેટલા દુ:ખની વાત છે કે આપણે આપણને આગળપડતા સાબિત કરવા માટે બાળકનું ભારણ વધારી રહ્યા છીએ. વેકેશનમાં પણ બાળકને સાચવવા કે એને સાથે રાખવાના બદલે આપણે એને સાચવવાનો બીજો પર્યાય શોધી લઈએ છીએ. સમરકેમ્પ અને વેકેશનબેચના જન્મદાતાઓ અમુક એવો શ્રીમંત વર્ગ છે કે જેમની પાસે પોતાના બાળકો માટે સમય નથી. આજેતો આવા કેમ્પ કરનારા પુષ્કળ કમાય છે.

આજકાલતો પ્રાઇવેટ ટ્યુશનની પદ્ધતિ પણ બદલાઈ છે. શાળામાં પચાસ વિદ્યાર્થીઓની બેચ, ટ્યુશનમાં પણ ક્લાસિસમાં ચાલીસ- પચાસની બેચ, વેકેશન દરમ્યાન પણ આવા કેમ્પ અને અલગ અલગ ક્લાસિસમાં પણ એટલાજ વિદ્યાર્થીઓ. બાળકને આ બધા વચ્ચે પોતાને મનગમતા કાર્ય વિશે વિચારવાનો સમયજ નથી આપતા આપણે.

દરેક માતાપિતા એવું માને છે કે એ બાળકનું ઉત્તમ ઘડતર કરી રહ્યા છે. દરેક પરિવારમાં એમનું આખરી ધ્યેય એમના બાળકો જ હોય અને એ જ હોવું જોઈએ. એક પિતા પોતાના બાળકને તમામ સગવડો આપી શકે એ માટે આખી જિંદગી ઢસરડો કરે છે, માતા પણ એના બાળકને ઉચ્ચ સંસ્કાર અને તાલીમ આપવા માટે પોતાની આખી જિંદગી બાળકમય બનાવી દે છે પરંતુ બાળકનું આટલું વ્યસ્ત વેકેશન પ્લાન કરીને જાણ્યે અજાણ્યે એ બાળકને પોતાનાથી દૂર કરી રહ્યા છે. વેકેશનના દિવસોમાં પણ બાળકને અલગ અલગ પ્રવૃત્તિમાં સવારથી રાત સુધી વ્યસ્ત રાખીને માત્ર પૈસાનો વ્યય અને પોતે બાળક માટે કંઈક કરી છૂટ્યાના સંતોષ સિવાય શું મળવાનું? અને એ કંઈક કર્યું એ બાળકની પસંદગીનું તો હોતું પણ નથી. ’ઉસકી સાડી મેરી સાડીસે જ્યાદા સફેદ કૈસે?’ બસ આવોજ કોઈ ભાવ આપણે અન્યના અને આપણાં બાળકો માટે ધરીને બેઠા છીએ.

વેકેશન એ બાળકોનો અબાધિત અધિકાર છે, એ એની અમૂલ્ય પૂંજી છે . દરેક માતાપિતાએ એસમજવું જોઈએ કે બાળકની એ મૂડી બાળકને એની રીતે ખર્ચવા દઈએ. હા, આપણે એ મૂડી માટે સલાહકાર બની શકીએ પરંતુ એના હક્કદારતો ન જ બની શકીએ. દરેક બાળક પરિક્ષાના સમયથી પોતાના વેકેશન વિશે વિચારતું હોય છે. મોડા ઉઠવું, ટીવી જોવું, મન પડે ત્યારે નહાવું, મોડે સુધી ન્હાયા કરવું,મન પડે ત્યારે જમવું, બપોરે પણ ન સૂવું-આવા દરેક કામ જે રૂટિનને ખોરવે છે એ બાળકની મોજ છે,એનો જલસો છે એને કરવા દો. બાળકને સાથે રાખીને એનું વેકેશન પ્લાન કરો. એને ફરવાલાયક સ્થળ જાતે નક્કી કરવા દો હા, એને માર્ગદર્શન આપો પરંતુ આખરી નિર્ણય એના પર છોડો. બાળક ફરવાનું સ્થળ પસંદ કરશે એમાં પણ એની રસરુચિનો અંદાજ આવશે. પહાડો, સમુદ્ર,લીલોતરી..બાળક શું પસંદ કરે છે એ બહુ મહત્વનું છે એના ભવિષ્ય માટે પણ.

મોબાઈલ અને કોમ્પ્યુટરના સતત વપરાશના લીધે બાળકનો શારીરિક વિકાસ રૂંધાય છે એ સત્ય છે અને એનો સતત વપરાશ ટાળવો જ રહ્યો પરંતુ આ રીતે બાળકનું આખું વેકેશન વ્યસ્ત કરી દેવું એ એનો એકમાત્ર રસ્તો નથી. બાળકને ઘરકામ, બેંક અને બજારના કામમાં સાથે રાખી એને દરેક કામની સમજણ આપવાનો આ ઉત્તમ સમય છે. બાળકને વ્યવહારિક જ્ઞાન આપવું પણ એટલું જ જરૂરી છે જેટલું શિક્ષણ. બાળક મોટું થઈને રસોઈ, શિક્ષણ, સમાન્યજ્ઞાનને લગતા કોયડાનો ઉકેલતો  ગૂગલ દ્વારા શીખી શકશે પરંતુ સમાજમાં જીવવાની રીત,વ્યવહાર અને વાણીવર્તનતો માતાપિતાએ જ શીખવવા રહ્યા.

પ્રત્યેક માતાપિતા પણ બાળકની નજરે સંપૂર્ણ નથી હોતા. માબાપ પણ બહુ બધી કચાશોથી ભરેલા હોય છે પરંતુ બાળક પાસે એ હક્ક નથી કે એ એના માબાપને કોઈ તાલીમ કલાસમાં ભરતી કરી શકે. બાળકે ક્યારેય પોતાના માબાપને એવું કહ્યું કે, ’ અમારા મિત્રોનાં માતાપિતાને આવડે છે એ તમે પણ શીખો, એમને આવડેતો તમને કેમ નહિ? તમે પણ એમની જેમ દરેક બાબતમાં અવ્વલ હોવા જ જોઈએ’?? જો ના, તો માબાપ તરીકે આપણો આવો દુરાગ્રહ કેમ? આપણી ઈચ્છા , આપણું સપનું અને આપણો આગ્રહ બાળકની ખુશીનું અને એના વેકેશનનું ગળું ઘોટી નાખે , ને બાળપણ રૂંધાઇ-ઘૂંટાઈને મરી જાય એ પહેલાં એને બચાવી લઈએ.

મિરર ઇફેક્ટ:

દરેક માતાપિતાએ વિચારવા જેવી વાત : આપણે આપણું વેકેશન  યાદ કરીએ ત્યારે ફરી બાળપણ જીવવાનું મન થાય એ આપણા માબાપની મહેર છે  અને આપણે પણ આપણાં બાળકને એ જ આપવાનું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.