ખાનગી શાળા સંચાલક મંડળના પરિપત્ર બાદ રાજકોટમાં મોટાભાગની સ્કુલો બંધ: નવરાત્રી બાદ તુરત જ પરીક્ષાનો પ્રારંભ થશે
આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે આ વખતે ૮ દિવસની નવરાત્રી હોય એક નોરતુ ઓછું છે. અને તા.૧૮ના દશેરા છે. પ્રથમ વખત રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શાળા કોલેજોમાં નવરાત્રી વેકેશનને લઈ બંધ પાડવામા આવ્યું છે.
જો કે આજે સવારથી જ રાજકોટમાં મોટાભાગની સ્કુલો બંધ જોવા મળી છે. સિવાય સીબીએસસીની ૩ જેટલી શાળાઓ ચાલુ જોવા મળી હતી. સ્વનિર્ભર શૈક્ષણીક સંસ્થાઓનાં સુત્રો અનુસાર સેન્ટ્રલ બોર્ડના અભ્યાસમાં વેકેશન નથી પણ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને નવરાત્રી ઉજવવા માટે વેકેશન અપાયું છે. રાજકોટમાં અંદાજે ૪૦૦ જેટલી ખાનગી શાળાઓએ વેકેશન પાડયું છે.
જોકે નવરાત્રી પુરી થયા બાદ તુરંત જ પરિક્ષાનો દોર શરૂ થતો હોય વિદ્યાર્થીઓ માટે નવ દિવસ માતાજીના એકાદ કલાક પૂજન અર્ચન કરી પરિક્ષા તૈયારી કરવાનો સમય મળશે તા.૨૪થી ધો.૩ થી ૮ ની સંગાત પરીક્ષા શરૂ થશે તો કેટલાક અભ્યાસક્રમોમાં તે પહેલાથી જ પરીક્ષા શરૂ થઈ જશે.