૩૫૬ કોલેજોમાં પ્રિન્સીપાલ સહિત સ્ટાફની ૪૧૫૦ જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણનું યોગ્ય સ્તર જાળવી રાખવું અઘરુ

સેમેસ્ટર પઘ્ધતિ નાબુદ કરવા એસોસિએશનના પ્રતિનિધિઓની શિક્ષણમંત્રીને ભલામણ

ગુજરાતની આગામી ચૂંટણીને ધ્યાને લઈ રાજય સરકાર સરકારી કોલેજોમાં ખાલી જગ્યાઓ ભરવા સફાળી જાગી ઉઠી હોય તેમ લાગે છે. હાલ, રાજયની તમામ ગ્રાન્ટેડ કોલેજોમાં કુલ મળીને પ્રિન્સીપાલપદે ૧૫૦, ફેકલ્ટીમાં ૧૦૦૦ અને એડમિનીસ્ટ્રેટીવ સ્ટાફમાં ૩૦૦૦ જગ્યાઓ ખાલી પડી છે. જેને ૧૫મી જુન સુધીમાં ભરવા રાજય સરકારે ખાતરી આપી છે. જે આટલી મોટી ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટેનો ખુબ જ ટુકો સમય ગણી શકાય.

તાજેતરમાં જ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ગુજરાત સ્ટેટ ટીચર્સ એસોસિએશન, પ્રિન્સીપાલ એસોસિએશન, એડમીનીસ્ટ્રેટીવ, સ્ટાફ એસોસિએશન અને મેનેજમેન્ટ એસોસીએશનના પ્રતિનિધિઓએ બેઠક યોજી હતી. જેમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. ગુજરાતમાંકુલ ૩૫૬ સરકારી શાળાઓ આવેલી છે.

બેઠકમાં ખાલી પડેલી જગ્યાઓ માટેના કારણો અંગે વિશેષ ચર્ચા કરાઈ હતી. પ્રતિનિધિઓએ જણાવ્યું કે, અપુરતા સ્ટાફને કારણે શિક્ષણનું યોગ્ય સ્તર જળવાઈ રહેતુ નથી. તેમજ સેમેસ્ટર પઘ્ધતિ યોગ્ય નથી. પ્રતિનિધિઓએ શિક્ષણ મંત્રી ચુડાસમાને ભલામણ કરી છે કે શિક્ષણને લગતા ચિંતન શિબિરનું આયોજન કરવું જોઈએ.

પ્રિન્સીપાલ એસોસિએશનના પ્રમુખ જયવંતસિંહ સરવૈયાએ કહ્યું કે, ખાલી પડેલી જગ્યાઓ પર નિમણુક અંગે સરકાર હકારાત્મક વ્યુહ દાખવી રહી છે. રાજયની ૧૧૦ કોલેજોમાં પ્રિન્સીપાલની નિમણુક અંગે નો-ઓબ્જેકશન સર્ટીફીકેટ પણ ટુંક સમયમાં પહોંચાડાશે. મંત્રાલયે ખાતરી આપી હતી કે શિક્ષણને લગતી તમામ સમસ્યાઓ પર ધ્યાન દઈ ચોકકસ નિરાકરણ લાવવામાં આવશે.

ગુજરાત સ્ટેટ એડમીનીસ્ટ્રેટીવ સ્ટાફ એસોસિએશનના પ્રમુખ પંકજ પટેલે કહ્યું કે, કોલેજોમાં એડમીનીસ્ટ્રેટીવ પદે ૩૦૦૦ જગ્યાઓ ખાલી છે. સ્ટાફના અભાવે કાર્યો કરવામાં ભારે એવી મુશ્કેલી ઉભી થાય છે. તેમજ વર્ષમાં એક કરતા વધુ પરિક્ષાઓ યોજાતી હોવાના કારણે તેમાં પણ ખાસ કરીને સેમેસ્ટર પઘ્ધતિથી વિદ્યાર્થીઓ વધુ બોજા હેઠળ મુકાય છે. આથી શિક્ષણ પઘ્ધતિમાં પારદર્શકતા લાવવા સેમેસ્ટર પઘ્ધતિ નાબુદ કરી જુની પઘ્ધતિ પ્રમાણે અભ્યાસક્રમ અને પરિક્ષા યોજવી જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.