આ પર્વત પર પાંચ ઊંચા શિખરો આવેલા છે જેમાં ગોરખ, અંબાજી, ગૌમુખી, જૈન મંદિર અને માળી પરબ શિખરો છે. પાંચ પર્વતો ઉપર ૮૬૬ મંદિરો આવેલા છે
ભારત દેશનાં પશ્ર્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કી.મી. ઉત્તરે આવેલ પર્વતોનો સમુહ ગીરનાર તરીકે ઓળખાય છે. તે ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે. જયાં સિઘ્ધ ચોરાસીનાં બેસણા છે. ગીરનાર ઉપર પાંચ ઊંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળી પરબ ૧૮૦૦ ફુટની ઉંચાઇ ધરાવે છે. ગિરનાર પર્વતો ઉપર ૮૬૬ મંદિરો આવેલા છે. પથ્થરોના બનાવેલા દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. લોક વાયકા મુજબ ૯૯૯૯ પગથીયા છે. તો ખરેખર કદાચ ૮૦૦૦ પગથીયા છે.
ગિરનાર પર્વત, ગિરિનગર, રેવતક પર્વત સૌરાષ્ટ્ર-ગુજરાત ને દેશની પ્રજામાં આસ્થાનું પ્રતિક છે. તેની ઉંચાઇ ૩૩૮૩ ફુટ છે. દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાય છે. દર વર્ષે ગિરનાર આરોહણ સ્પર્ધા પણ યોજવામાં આવે છે. જેમાં ફકત પ૪ મિનીટનો રેકોડ બ્રેક છે. સામાન્ય રીતે ગિરનાર ચતા ઉતરતા ૫ થી ૮ કલાકનો સમય લાગે છે. હિન્દુ ધર્મમાં શ્રઘ્ધાળુઓ માને છે કે ઉઘાડા પગે ગિરનારના પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તે ગુજરાતના ધાર્મિક સ્થળો પૈકી એક છે. જે હિન્દુ અને જૈન ધર્મના લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. ઘણા બધા મંદિરો સાથે અહિં મુસ્લિમ ધર્મ સ્થાનકો પણ છે.
ગિરનારના ઇતિહાસ વિશે જાણીએ તો સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રય અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે. મગધનો નંદ વંશનો નાશ કરીને, ગણ રાજયોને ખતમ કરીને ભારતને એક ચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્ય ઇ.સ. પૂર્વે ૩રર પછી સૌરાષ્ટ્ર જીતી લીધું હતું. આમ તે સમયનાં સૌરાષ્ટ્રના પાટનગર જુનાગઢ (ગિરીનગર) માં પુષ્પગુપ્ત નામનો પોતાનો સુબો મુકયો હતો. તેણે સુવર્ણસિકતા નદી પર સુદર્શન નામનું સરોવર બંધાવેલ સમ્રાટ અશોકના તુસાચ્ય નામના સુબાએ નહેરો ખોદાવીને સિંચાઇનું કાર્ય કરેલ હતું. સ્કંદ ગુપ્તના પર્ણદત્ત નામના સુબાએ તૂટી ગયેલ સુદર્શન તળાવ ફરી બંધાવેલ હતું.
મૌર્ય વંશના રાજાઓએ કોતરાવેલા શિલાલેખો દ્વારા ગિરનાર પર્વતને વિશ્ર્વમાં પ્રસિઘ્ધી અપાવેલ, મૌર્ય કાળમાં ગિરનાર પર્વતને ઉજજપંત, રૈવત, રૈવતક અને જુનાગઢ શહેરને ગિરિનગર કે ર્જીણદૂર્શ નામથી ઓળખાતા હતા.
સમયના વહેણ સાથે જુનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યુ. ઇ.સ. ૧૧૫૨ ની આસપાસ ત્યાંના રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતા. આ પર્વતની સામે જ દશમી સદીથી અંકબંધ ઉભેલો ઉપરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે. રાજા રા’ગ્રહરિપુએ બંધાવેલા આ કિલ્લાએ સોરઠના સતા પલટા અનેક ગણા ખંડન મંડન જોયા છે.એક એવી પણ કથા છે કે જયારે સિઘ્ધરાજ જયસિંહએ જુનાગઢ પર ચઢાઇ કરી અને ત્યાંના રાજા રા’ખેંગાર ને મારી તેની રાણી ‘રાણીકદેવી’ ને લઇ જતો હતો ત્યારે રાણકદેવીએ ગિરનારને કહ્યું કે….
ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો?
મરતા રા’ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો ?
અર્થાત: તારો રાજા હણાયો છતાંતું હજી ઉભો છે ? આ વખતે ગિરનાર પડવા માંડયો અને રાણક દેવીએ તેને પડતો રોકવા કહ્યું કે, પડમાં પડમાં મારા આધાર ભારે ગિરનાર સ્થિર થઇ ગયો, અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાય ગઇ હોય તેવી દેખાય ઉપરકોટ, નીચલો કોટ આ શિલાઓ જોવા માટેના સ્થળ છે.
ગિરનારનું પરમ સૌદર્ય વિશિષ્ટ અને વૈવિઘ્યસભર વનસ્પતિઓને અભારી છે. યોગીઓ, સઁતો, સિઘ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસ સ્થાન છે. ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને વસ્ત્રોપથ પણ કહેવાય છે. તેનાં ક્ષેત્રની સિમાએ ઉતરે ભાદર, દક્ષિણે બિલખા પૂરબમૉ પરબ ધામ અને પશ્ર્ચિમે વંથલી સુધીની હદ ગણાય છે.
ઇસુની સાતમી સદીમાં રચાયેલા સ્કંદપુરાણનાં પ્રભાસ ખંડમાં ગિરનારનું મહાત્મય આપેલું છે. ગિરનારનું ક્ષેત્ર દશ-દશ ગાઉ ના પરિઘમાં ફેલાયેલું હતું. અહિં ગોરખનાથનો ધુણો, દત્તાત્રેયનો ધુણો, મીરા દાતાર, જેવા વિવિધ ધર્મસ્થાનો આવેલા છે. ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે શિવરાત્રીના દિવસે ભરાતા ભવનાથ મેળામાં સમગ્ર ભારતમાંથી સાધુ સંતો ભેગા થાય છે. જે ભારતનાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવેલ છે. મૃગી કુંડમાં અમરાત્મા અશ્ર્વત્થામાં અને પાંચ પાંડવો શિવરાત્રીની મધરાતે સ્નાન કરવા આવે છે એવી લોકવાયકા છે.