આણંદપર સ્થિત વી. એમ. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ કોલેજના ત્રણ વિદ્યાર્થીઓ ડો. રાજ રાજા, ડો. જીનલ ગોધાણી અને ડો. હિના જોશી દ્વારા આયુર્વેદ કોસ્મેટોલોજી પ્રોડક્ટસ તેમજ આયુર્વેદમાં વર્ણીત ઓષધૌનું મેન્યુફેક્ચરીંગ સ્ટાર્ટઅપ ‘ફાઈવ એલિમેન્ટસ -મેઇક યુ હેલ્થી’ નામથી શરૂ કરવામાં આવેલ છે. આયુર્વેદ ક્ષેત્રે કદાચ આ ક્રાંતિકારી પગલું કહી શકાય કે જ્યાં પ્રાચીન આયુર્વેદના નિયમોને ધ્યાનમાં રાખીને બનાવેલી બ્યુટી પ્રોડકટસને કેમિકલ મુક્ત બનાવીને લોકો સુધી પહોંચાડવામાં આવી છે.
તાજેતરમાં જ સ્ટાર્ટઅપના ફાઉન્ડર ડો. રાજ રાજા તેમજ ડો. જીનલ ગોધાણી સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો છે. જેમાં સ્ટાર્ટઅપનો વિચાર કઈ રીતે આવ્યો ?
જવાબ :- પાક્કું તો યાદ નહી પરંતુ બીજા વર્ષમાં અભ્યાસ કરતી વખતે કોલેજના રસશાસ્ત્ર એવમ ભૈષજ્ય કલ્પનાના પ્રોફેસર ડો. મમતા તન્ના સાથે વાતચીત દરમિયાન મેડમ દ્વારા એક વિચાર મુકવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓ જ જો આયુર્વેદ ઔષધો તેમજ પ્રોડક્ટ્સ બનાવે તો બહું સારુ રહે. બસ આ જ વાત દિલમાં ક્યાંક બેસી ગઇ અને તમામ પરીબળોનો અભ્યાસ કર્યા બાદ આ સ્ટાર્ટઅપ શરૂ કરવાનો વિચાર આવ્યો.
આ સ્ટાર્ટઅપ ક્યારથી શરૂ છે તેમજ તમારી પહેલી પ્રોડક્ટ ક્યારે બનાવી હતી ?
જવાબ – અમારૂં આ સ્ટાર્ટઅપ વર્ષ નવેમ્બર, 2019 થી છે અને સૌથી પહેલી પ્રોડકટ અમે ડિસેમ્બર- 2019 માં સૌમ્ય ફેસપેક બનાવી હતી અને આ પ્રોડક્ટની સાથે અમે આ મેન્યુફેક્ચરીંગ દુનીયામાં પ્રવેશ કર્યો હતો.
આ સ્ટાર્ટઅપ શરૂ કરવાં પાછળ તમારો હેતુ શું હતો?
જવાબ – આજકાલ માર્કેટમાં મળતી 90% પ્રોડક્ટ્સ કેમિકલયુક્ત છે કે જેનો આપણે તેમજ આપણો પરિવાર રોજીંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. આ કેમિકલ આપણાં શરીરને આપણી જાણ બહાર જ ઘણી રીતે નુકશાન કરતું હોય છે. આ સ્ટાર્ટઅપ પાછળનો અમારો મુખ્ય હેતુ કે ઉદ્દેશ્ય એક જ હતો કે સમાજને કેમિકલ મુક્ત બનાવવું અને આપણાં પ્રાચીન આયુર્વેદને લોકો સુધી પહોંચાડવું.
આ સ્ટાર્ટઅપની સફરમાં તમારી સંસ્થાનુ યોગદાન કેવું રહ્યું?
જવાબ – આ પ્રશ્ર્નના ઉતરમાં સંસ્થાનું યોગદાન થોડાં જ શબ્દોમાં વ્યકત કરવું મારા માટે અશક્ય છે. કેમ કે વી. એમ. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદએ અમારા આ એક સ્ટાર્ટઅપ માટે નહી પણ આયુર્વેદની સફરમાં પણ ડગલે અને પગલે માર્ગદર્શન તેમજ સહકાર હંમેશા આપ્યો છે. આજે 3 વર્ષના અંતે અમે જે હાંસિલ કર્યું છે એમની પાછળ તમામ પ્રોફેસર, પ્રિન્સીપાલ અને સહયોગી મિત્રોનો અનમોલ ફાળો છે. અમારી દરેક પ્રોડક્ટસ માટેનું માર્ગદર્શન આજે પણ અમારા પ્રોફેસર પાસેથી લેવામાં આવે છે.
અત્યારે તમે કઇ-કઇ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચર કરો છો અને તેની ખાસીયત શું છે?
જવાબ – અત્યારે અમારી પાસે સમગ્ર કોસ્મેટીક પ્રોડક્ટ્સ રેન્જ જેમ કે સ્કિનકેર (બોડીલોશન, સાબુ વગેરે), હેરકેર (હેરપેક, શેમ્પૂ, ક્ધડીશનર વગેરે), લીપબામ, વેપોરબ, ફેસીયલ કીટ વગેરે ઉપલબ્ધ છે. અમે ડોક્ટર્સ માટે એમની જરૂરીયાત મુજબ સ્પેશીયલ ઓર્ડર પણ ઉપલબ્ધ કરીએ છીએ. હવે બીજા પ્રશ્ર્નનો જવાબ કહું તો અમારી તમામ પ્રોડક્ટ્સ નેચરલ ઘટક દ્રવ્યનો ઉપયોગ કરીને બનાવવીમાં આવે છે. કોઇપણ જાતના સિન્થેટીક કલર, પ્રીઝરવેટીવ કે કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી.
આ 5 ઇલેમેન્ટ્સ નામ રાખવા પાછળ કોઇ ખાસ હેતુ કે કોઇ મહત્વ ?
જવાબ – હા, બીલકુલ 5 ઇલેમેન્ટ્સ નામનો અર્થ “પંચમહાભૂત” થાય છે. આ નામ અને તેનો અર્થ એ આયુર્વેદના એક મૂળભૂત સિધ્ધાંતની પૂર્તી કરે છે અને એ સિધ્ધાંત છે. અર્થાત આ વિશ્ર્વના તમામ દ્રવ્ય પંચમહાભૂતથી જ બનેલા છે અને આપણું શરીર પણ પંચમહાભૂતનું બનેલ છે. વિદ્યાર્થીઓની આ ઝળહળતી સિદ્ધિ બદલ વી. એમ. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ કોલેજના આચાર્ય ડો.ગિરિરાજસિંહ ગોહિલ, ગાર્ડી વિદ્યાપીઠના ચેરમેન ડી. વી. મહેતા, વાઈસ ચેરમેન કિરણભાઈ શાહ તથા મેનેજિગ ડિરેક્ટર જય મહેતાએ આ ત્રણેય વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.