દેશ એક, કાયદો એક
નવા કાયદાનો ડ્રાફટ તૈયાર, હવે ટૂંક સમયમાં જ કાયદાની અમલવારી શરૂ કરાશે: મુખ્યમંત્રીનું સત્તાવાર નિવેદન
ઉત્તરાખંડ રાજ્યમાં સમાન નાગરિકત્વ ધારાનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો કયે. તેને બનાવનારી સમિતિના વડા નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈએ કહ્યું કે ટૂંક સમયમાં આ રિપોર્ટ ઉત્તરાખંડ સરકારને સોંપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કમિટીના રિપોર્ટમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર વધારવા, લિવ-ઈન રિલેશનશિપની જાણ કરવાનું ફરજિયાત બનાવવા, બહુપત્નીત્વ પર પ્રતિબંધ, છૂટાછેડા પર સ્ત્રી-પુરુષને સમાન અધિકાર આપવા જેવા સૂચનો હોઈ શકે છે.
યુસીસી પર સમિતિના વડાએ કહ્યું કે સમિતિના તમામ સભ્યો રિપોર્ટ પર એકમત છે. તે દરેકના હિતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ માટે કમિટી 63 બેઠકો યોજી હતી અને રાજકીય પક્ષો અને ધાર્મિક નેતાઓ સહિત તમામના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. કેટલાક મુસ્લિમ દેશો સહિત વિવિધ દેશોના કાયદાઓ પણ જોવામાં આવ્યા હતા. ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં પ્રચલિત પરંપરાગત પ્રથાઓને સમજવાનો પણ પ્રયાસ કર્યો. સમિતિને મળેલા 2.31 લાખ લોકોના સૂચનો પણ ધ્યાનમાં લેવાયા હતા. અમારો ભાર લિંગ સમાનતા પર છે. બાળકો, મહિલાઓ, દિવ્યાંગોની ચિંતાઓનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જ્યાં પણ વિસંગતતાઓ અને ભેદભાવ છે, અમે તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
ઉત્તરાખંડ સરકારે ગયા વર્ષે રાજ્યમાં સમાન કાયદા માટે આ સમિતિની રચના કરી હતી. રાજ્યના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે આ અમારા માટે સૌભાગ્યની વાત છે કે બાબા સાહેબ આંબેડકરે બંધારણના અનુચ્છેદ 44માં જે ઉલ્લેખ કર્યો છે તેનો અમલ કરવાની અમને તક મળી રહી છે. અમને આ ડ્રાફ્ટ મળતાં જ તેનો તાત્કાલિક અમલ કરવામાં આવશે અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે થોડા દિવસો પહેલા સમાન નાગરિક સંહિતાની હિમાયત કરી હતી તેનાથી સ્પષ્ટ છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે આ મોટો મુદ્દો હશે.
ઉત્તરાખંડ ઉપરાંત, ભાજપે હિમાચલ પ્રદેશ અને કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે તેના પક્ષના ઢંઢેરામાં યુસીસી લાગુ કરવાનું વચન પણ આપ્યું હતું. ગુજરાતમાં પણ તેનું વચન આપવામાં આવ્યું હતું. કાયદા પંચે લોકોને 13 જુલાઈ સુધીમાં આ મુદ્દે તેમના મંતવ્યો આપવા માટે પણ કહ્યું છે. આ વખતે કેન્દ્ર સરકાર સંસદના ચોમાસુ સત્રમાં યુસીસી પર ચર્ચા માટે બિલ રજૂ કરી શકે છે, જેથી તેના પર વધુ વાતચીત થઈ શકે. આ મામલે રાજકારણ પણ તેજ બન્યું છે.
યુસીસીના સમર્થન અને વિરોધમાં ઘણી પાર્ટીઓ આગળ આવી રહી છે. સંકેત સ્પષ્ટ છે કે લોકસભાની ચૂંટણી સુધી આ મુદ્દો ગરમ રહેશે. તેને ભાજપ શાસિત રાજ્યોમાંથી વધુ હવા મળી શકે છે.
કેવા-કેવા નિયમો બની શકે છે?
- લિવ ઇન સંબંધો જાહેર કરવા ફરજીયાત, જેથી વાલીને જાણકારી મળે
- સ્ત્રીની લગ્ન ઉંમર 18ને બદલે 21 વર્ષ કરવી
- એકથી વધુ પત્ની રાખવા ઉપર રોક
- તલાક માટે મહિલા-પુરુષને સમાન અધિકાર
- લગ્ન રજીસ્ટ્રેશન ફરજીયાત કરવા
- પતિ-પત્નીના સંપત્તિ ઉપર સમાન હક્ક