કારતક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને ઉત્પત્તિ એકાદશી કે ઉત્પન્ના એકાદશીના નામે ઓળખવામાં આવે છે. દરેક એકાદશીની જેમ ઉત્પત્તિ એકાદશી પણ શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ એકાદશીના દિવસે વ્રત કરવાથી વ્યક્તિના પાછલા જન્મના પાપનો પણ નાશ થાય છે અને તેને મુક્તિ મળે છે. ઉત્પત્તિ એકાદશીના દિવસે વ્રત કરીને વિધિપૂર્વક પૂજા કરવાથી શ્રીવિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની પણ અસીમ કૃપા મળે છે.
કારતક મહિનાની ઉત્પત્તિ એકાદશી તિથિની શરૂઆત 8 ડિસેમ્બર 2023ના સવારે 5.06 વાગ્યે થઈ રહી છે. એકાદશી 9 ડિસેમ્બરના સવારે 6.31 સુધી રહેશે. ઉત્પન્ના એકાદશીનું વ્રત 8 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. 9 ડિસેમ્બર 2023ના બપોરે 1.15 મિનિટથી 3.20 સુધી પારણાનો સમય રહેશે.
એકાદશી વ્રતની વિધિ
ઉત્પત્તિ એકાદશીના દિવસે સવારે ઉઠીને વ્રતનો સંકલ્પ કરી શુદ્ધ પાણીને સ્નાન કરવું. ત્યાર બાદ ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે સોળ સામગ્રીથી ભગવાન વિષ્ણુની પૂજા અને રાતે દીપદાન કરવું જોઈએ. આ એકાદશીના રોજ રાતે ભગવાન વિષ્ણુના ભજન-કીર્તન કરવા. વ્રતની સમાપ્તિ પર ભગવાન વિષ્ણુ પાસે અજાણતા થયેલા પાપ અને ભૂલ માટે માફી માગવી. બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિ પર શ્રીકૃષ્ણની પૂજા કરી બ્રાહ્મણ જમાડી યથાશક્તિ દાન આપી વિદાય આપવી.
ઉત્પત્તિ એકાદશી વ્રતનું મહત્ત્વ
જે પણ વ્યક્તિ ઉત્પત્તિ એકાદશીનું વ્રત સંપૂર્ણ વિધિપૂર્વક કરે છે, તેને બધા તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. સાથે જ આ વ્રતના દિવસે દાન કરવાથી લાખ ગણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. ઉત્પન્ના એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના દરેક પ્રકારના પાપનો નાશ થાય છે. આ વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞ, તીર્થ સ્નાન તેમજ દાન કરતા પણ વધારે પુણ્ય મળે છે.