ઝાલાવાડના ખેડુતોને વિવિધ કંપનીઓના બે લાખ ટન ખાતરની જરૂરીયાત ઉભી થઈ છે ત્યારે ઝાલાવાડમાં ખેડુતો ખાતરની ખરીદીમાં જાગૃત બન્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઉલટી ગંગા વહી રહી છે જેમાં ખાતરનાં ડેપોમાં ખેડુતોએ વજન કરાવતા વજન ઘટવાને બદલે વઘ્યો છે. વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં સરદાર વગેરે ખાતરની થેલીઓમાં ૫૦૦ થી ૬૦૦ ગ્રામ વધુ વજન થતાં મુંઝવણ શરૂ થઈ છે.
ત્યારે આ વજનમાં કાંટાની કરામત છે કે કંપનીની તે અંગે ખેડુતોમાં અનેક તર્ક-વિતર્ક ફેલાયા છે. બીજી તરફ મુળી સહિતનાં તાલુકાઓમાં વજન ઘટયો હતો. આમ ખાતરની થેલીઓમાં વજનની વધ-ઘટની રામાયણ વચ્ચે બે દિવસ ખાતર ડેપો બંધ રહ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૦૦ વિતરકો ખાતરનું વેચાણ કરી રહ્યા છે પરંતુ બે દિવસ સુધી વેચાણ બંધ રહ્યું છે. આથી ખાતરની ખરીદી માટે આવતા ખેડુતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
આ અંગે ડેપો મેનેજર પાંચાણીભાઈ અને મહેશભાઈએ જણાવ્યું કે, દરેક કંપની વજન કરીને જ ખાતરનું વિતરણ કરે છે. ખેડુતોએ વજન કરીને જ ખાતરની ખરીદી કરે તો સમસ્યા કે ફરિયાદ ઉઠે નહીં હાલ શનિવાર અને રવિવાર બે દિવસ ખાતર ડેપો બંધ રાખવા ઉચ્ચકક્ષાએથી જ આદેશો થયા છે.