પૂર્વ નગરસેવિકાનો પુત્ર, કાયદાનો જાણકાર, ખુંટીયા-ઢાંઢા જેવું હુલામણું નામ ધરાવનાર શખ્સોની સંડોવણી
રાજકોટમાં દિન પ્રતિદિન વ્યાજખોરો બેફામ અને બેલગામ થઇ રહ્યા હોય તેવા અહેવાલ છાસવારે સામે આવતા હોય છે. પોલીસ અવાર નવાર લોક દરબાર તો ભરે છે પણ વ્યાજંકવાદીઓને જાણે પોલીસનો સહેજ પણ ભય ન હોય તેવી રીતે બેફામ બની હજુ પણ ઉંચી ટકાવારીએ લોકોને નાણાં ધીરી મસમોટી સંપત્તિઓ ઓળવી લેવામાં છે. આ પ્રકારનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં પૂર્વ ધારાસભ્યના પૌત્રને જ વ્યાજે નાણાં ધીરી મસમોટી સંપત્તિ પચાવી જવાની ’અરજ’ શહેરની ’ક્રીમ’ જેવી ગણાતી શાખાને મળી છે.
સૂત્રોમાંથી મળતી વિગત મુજબ એક સમયે ખુબ મોટું નામ ધરાવતા ધારાસભ્ય કે જેમની જાહેર કાર્યક્રમમાં જ હત્યા નીપજાવી દેવામાં આવી હતી. તેવા દિગ્ગજ નેતાના જ પૌત્રને વ્યાજખોરોએ આંટીમાં લઇ રૂ. 4 કરોડની રકમ વ્યાજે આપવામાં આવી હતી. જે રકમ સામે એક ખેતીની જમીન વ્યાજખોરોએ લખાવી લીધી હતી. વ્યાજખોરો પાસેથી નાણાં લેતા પૂર્વે એવી શરત મુકવામાં આવી હતી કે, નાણાં પરત આપ્યે જમીનનો ફરી દસ્તાવેજ કરી આપવાનો રહેશે.
વ્યાજખોરોની જો વાત કરવામાં આવે તો એકસમયે ’પંજા’ના નિશાને નગરસેવક રહી ચૂકેલા અને ’સૂર્ય’ જેવું નામ ધરાવતા શખ્સ આ સમગ્ર કારસ્તાનમાં મુખ્ય સૂત્રધાર હોય તેવી માહિતી વિશ્વ્સનીય સૂત્રોમાંથી મળી રહી છે. જો કે, આ શખ્સે થોડા મહિના અગાઉ ’પંજા’નો સાથ છોડી ભગવો ધારણ કરી લીધો હતો. આ સિવાય અન્ય વ્યાજખોરોમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલા કાયદાના જાણકાર રઘુવંશી શખ્સનું નામ પણ સૂત્રો આપી રહ્યા છે. ઉપરાંત ખુંટીયા – ઢાંઢા જેવું નામ ધરાવતો શખ્સ અને કપડાં સાચવનાર ફર્નિચર જેવા ત્રણ અક્ષરનું હુલામણુ નામ ધરાવનાર કુલ 4 શખ્સોના નામ સામે આવી રહ્યા છે.
આ ચારેય શખ્સોએ પૂર્વ ધારાસભ્યના પૌત્રને વ્યાજે રૂ. 4 કરોડ આપ્યા હતા અને બદલામાં ખેડવાણ જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. જો કે, શરત મુજબ નાણાં પરત આપ્યે જમીન પરત આપી દેવાની હતી. અરજદારે નાણાં તો પરત આપી દીધા પણ વ્યાજખોરોના પેટમાં જાણે અગાઉથી જ પાપ હોય તે રીતે જમીન પચાવી લેવામાં આવી હતી. જે બાદ ભોગ બનનારે અનેકવાર સંપર્ક કર્યા છતાં વ્યાજખોરોએ દાદ નહીં દેતા અંતે ભોગ બનનારે ‘ક્રીમ’ બ્રાન્ચનો આશરો લીધો હતો.
સૂત્રોમાંથી મળતી વિગત મુજબ હાલ ’ક્રીમ’ શાખાએ ચારેય વ્યાજખોરોને તેડું મોકલ્યું હતું પણ તે પૈકી ત્રણ વ્યાજખોરોએ ‘ક્રીમ’ શાખાના દાદરા ચડવાનું નક્કી કર્યું પણ કાયદાના જાણકાર વ્યાજખોર શખ્સે પોતાને અમલદારથી દૂર રાખવાનું નક્કી કરી ભૂગર્ભમાં ઉતરી જવાનું પસંદ કર્યું હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે.હાલ ‘ક્રીમ’ શાખા સમગ્ર મામલે તપાસ તો કરી રહી છે પણ હવે વ્યાજખોરો ‘સેટલમેન્ટ’ કરશે કે પછી ‘સેટિંગ’ તેવી લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે. સમગ્ર મામલે સો મણનો સવાલ એવો પણ છે કે, વાલોણામાંથી હવે ‘છાસ’ હાથમાં આવશે કે ‘ક્રીમ’?
સો મણનો સવાલ : વાલોણામાંથી છાશ હાથમાં આવશે કે ‘ક્રીમ’?
જે રીતે સમગ્ર મામલે મહત્વની શાખાએ તપાસમાં ઝુકાવ્યું છે ત્યારે અગાઉ અનેકવાર ‘પરાક્રમ’ને લીધે ચર્ચામાં રહેલી શાખા સમગ્ર મામલામાં નિષ્પક્ષ તપાસ કરીને અરજદારને તેની કિંમતી સંપત્તિ પરત અપાવશે કે પછી ‘ઉડતા પક્ષીને પાડી દેવાની કળા’ અજમાવી વાલોણામાંથી ‘ક્રીમ’ કાઢી લેશે તે પણ જોવું રહ્યું.
વ્યાજંકવાદીઓ ‘સેટલમેન્ટ’ કરશે કે ‘સેટિંગ’?: લોકમુખે ભારે ચર્ચા
હાલ 3 જેટલાં વ્યાજખોરોને પોલીસે તેડું મોકલી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જયારે એક વ્યાજખોર શખ્સ હજુ પણ ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તેવા અહેવાલ સૂત્રોમાંથી મળી રહ્યા છે. હવે સમગ્ર મામલામાં વ્યાજખોરો અરજદારને તેની કિંમતી જમીન પરત આપી ’સેટલમેન્ટ’ કરશે કે પછી ’સેટિંગ’ કરી ’ઠેંગો’ બતાવી દેવામાં આવશે તે પણ મોટો સવાલ છે.
જરા આ બાજુ પણ નજર કરજો… રૂ. 4 કરોડ જેવી માતબર રકમ ધીરનારાઓ પાસે ફાયનાન્સનું લાયસન્સ છે કે કેમ?: તપાસનો વિષય
પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતાના પૌત્રને રૂ. 4 કરોડ જેવી માતબર રકમ ધીરનાર વ્યાજખોરો પાસે ફાયનાન્સનું લાયસન્સ છે કે કેમ? તે પણ તપાસનો વિષય છે. હાલ આ મામલે પોલીસે પણ મગનું નામ મરી ન પાડયુ હોય તેમ કોઈ ખોલ આપી નથી. ફકત અરજીના કામે નિવેદન માટે બોલાવ્યા હોય તેવું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે. જો પોલીસ તટસ્થ તપાસ કરે તો પ્રથમ નાણાં ધીરનારા પાસે ફાયનાન્સનું લાયસન્સ છે કે નહીં તે જાણવું અતિ જરૂરી છે.
ફાયનાન્સના પરવાના વિના નાણાં ધીરવા બદલ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ પગલાં લેવાશે?
તાજેતરમાં પોલીસ દ્વારા વ્યાજંકવાદ સામે શસ્ત્ર ઉગામવામાં આવ્યા હતા. વ્યાજંકવાદને નેસ્ત નાબૂદ કરવાની નેમ સાથે શરૂ થયેલા અભિયાનમાં વ્યાજખોરો વિરુદ્ધ મની લોન્ડરીંગ એક્ટ જેવી ગંભીર કલમો હેઠળ ગુન્હો નોંધવાની જાહેરાત કરવામાં આવી હતી અને અમુક કિસ્સાઓમાં આ કલમનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. જો આ કિસ્સામાં પણ પરવાના વિના નાણાં ધીરવામાં આવ્યા હોય તો વ્યાજખોરો વિરુદ્ધ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધવો અતિ આવશ્યક છે.