કલાપારખું શ્રોતાઓથી પ્રભાવિત થઇ રાગ શહાના કાનડાની મુશ્કેલ તાનો રજૂ કરતા ઉસ્તાદ નિશાંત ખાન

આજ સપ્તસંગિતિમાં પંડિત ઉલ્હાસ કશાલકરજીનું શાસ્ત્રીય સંગીત માણવા મળશે

સપ્ત સંગીતિની અવિસ્મરણીય સફર માં સતત ચોથા દિવસે રાજકોટની કડકડતી ઠંડીમાં પણ શ્રોતાઓનો સંગીત માણવાનો મિજાજ દાદ માંગી લે તેવો હતો. ઈટાવાહ ધરાનાની ધરોહરને ઉત્કૃષ્ટ સ્થાને પહોંચાડનાર ઉસ્તાદ નિશાંત ખાનના સિતારવાદનથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા. તેમની સાથે શારીક મુસ્તફાએ અદ્ભુત તબલા વાદન નિભાવ્યું હતું. સભાના પ્રથમ ભાગમાં નાદસ્વરમ ગ્રુપના વિદ્યાર્થીઓએ શુધ્ધ શાસ્ત્રીય સંગીત ઉપર આધારીત બંદિશ રજુ કરી હતી અને ધ્વની વછરાજાની એ પ્રસ્તુત કરેલી દેવી રાગમાળાએ સૌની વાહવાહી મેળવી હતી. કાર્યક્રમની શરુઆત દિવસ ચારના પેટ્રન એચ.જે. ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. પરિવારના દેવેનભાઈ દોશી અને પારસભાઈ દોશી અને નિઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટરોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી થઈ હતી. સભા શરુ કરતા પહેલા વર્ષ 2018માં રાજકોટના આંગણે પધારેલા ઉ. રાશિદખાન સાથે તબલા સંગત કરનાર સ્વ.શુભાંકર બેનરજી, જેઓ કોરોનામાં સ્વર્ગવાસ પામ્યા હતા, તેમની તબલાવાદનની ઝલક સ્ક્રિન ઉપર પેશ કરવામાં આવી અને ઓડિટોરીયમમાં સૌ શ્રોતાઓએ સ્થાન ઉપરથી ઉભા થઈને તેમને સ્મરણાંજલી અર્પણ કરી હતી.

કાર્યક્રમના પ્રથમ ભાગમાં પિયુબેન સરખેલ દ્વારા સંચાલિત નાદસ્વરમ ગ્રુપના કલાકારોમાં આદિત્ય શુક્લા, ધ્વનિ વછરાજાની, ગારગી વોરા, પ્રિયંકા શુક્લા, ઈશિતા ઉમરાણીયા, ઋષિકેશ પંડયા અને શ્યામલ જાદવ જેવા યુવા કલાકારોએ રાગ યમનમાં ‘સખી એરી લાગે પિયા બીના’ બંદિશ અધા તાલમાં મધ્યલય અને દ્રુત લયમાં તીનતાલ સાથે રજૂ કરી હતી.

નિઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેક્ટર વિક્રમભાઈ સંઘાણીએ તેમના ઉદ્બોધનમાં ઉસ્તાદ નિશાંતખાનના સિતારવાદક ઘરાનાની પ્રતિષ્ઠા અને 200 વર્ષની પ્રણાલીમાં સિતારના ઉદ્ભવમાં તેમના પરિવારનો કેવો મહાન ફાળો છે. તેની જાણકારી આપી હતી. કાર્યક્રમના બીજા ચરણમાં ઉસ્તાદ નિશાંત ખાને પ્રથમ રાગ દરબારી આલાપ, જોડ, જાલા સાથે ખયાલ અંગમાં પેશ કર્યો હતો. આસાવરી થાટનો રાગ દરબારી કે જે મિયા તાનસેન દ્વારા રચવામાં આવેલો અને બાદશાહ અકબરના દરબારમાં પેશ કરવામાં આવ્યો હતો, તે કોઇ સ્ટેજ પર પર્ફોર્મ કરવો ખુબ અઘરો મનાય છે. આ રાગ તેમની મધુરતા અને ગંભીર સ્વભાવ માટે પ્રચલિત છે.

Untitled 1 3

રાગ દરબારીની આ પેશકસથી ઓડિયન્સમાં જાણે રાજ દરબાર જેવો માહોલ વ્યાપી ગયો હતો. ઉસ્તાદ નિશાંત ખાને આ રાગની પ્રસ્તુુતિ માટે કહ્યું કે આ રાગ સિતાર પર રજૂ કરવો ખૂબ મુશ્કેલ છે, કારણ કે કોમળ ગંધાર અને કોમળ ધૈવતને યોગ્ય રીતે પ્રસ્તુત કરવા માટે સિતારના તારને ખૂબ ખેંચવા પડે છે અને ત્યારે જ તેના મૂળ સ્થાને ઉપર લાગે છે. વધુમાં તેમણે કહ્યું કે આ રાગ તે કલાકો સુધી વગાડી શકે તેમ છે અને આજે આ કલાપારખું શ્રોતાઓના ઉત્સાહ અને તેમની કલાની સમજને જોતા તેમને આ રાગ પ્રસ્તુત કરવા માટે પ્રેરણા મળી રહી છે.

ત્યારબાદ ઉસ્તાદ નિશાંત ખાને સભામાં ખૂબ ઓછો પ્રસ્તુત કરવામાં આવતો રાગ શહાના કાનડા વગાડીને શ્રોતાઓને તરબોળ કરી દીધા હતા. રાગ શહાના કાનડાની મુશ્કેલ તાનો રજુ કરતા તેમણે જણાવ્યું કે આવી અઘરી તાનો તેઓ સામાન્ય રીતે કોઈ સભામાં પેશ કરતા નથી, પરંતુ રાજકોટના શ્રોતાઓની કલાપારખું નજરથી પ્રભાવિત થઈને તેમણે આ કઠીન તાનો પ્રસ્તુત કરી અને તેને સાંભળવાનો દુર્લભ મોકો શ્રોતાઓને પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ ઉસ્તાદજી એ તિલકકામોદની ઝલક પ્રસ્તુત કર્યા પછી સુંદર રાગમાલા પ્રસ્તુત કરી હતી. આ રાગમાલામાં સોહની, બહાર, ગૌડ, તિલક કામોદ અને રાગ દેશના સુંદર પુષ્પો ગુંથેલા હતા. તેમણે કહ્યું કે રાગમાલા એવી હોવી જોઈએ કે તે માળામાં પરોવામાં આવતા દરેક ફૂલોની સુગંધ માળાની શોભામાં અભિવૃધ્ધી કરતા હોય. ઉસ્તાદજીના સિતારવાદન સાથે શારીક મુસ્તફાએ બખુબી તબલાસંગત નિભાવી હતી. રાજકોટની કલારસિક જનતાના રસને જોતા ઉ. નિશાંતજીએ કાર્યક્રમને થોડો લંબાવ્યો હતો અને શ્રોતાઓને સંગીતથી પરિતૃપ્ત કર્યા હતા.

કાર્યક્રમના અંતે ઉસ્તાદ નિશાંતખાન અને શારીક મુસ્તફાનું સન્માન સપ્ત સંગીતિના કર્મનિષ્ઠ કમિટીના સભ્યો દ્વારા શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું. ઉસ્તાદજીના હસ્તે ગાર્ગી વોરા અને ધ્વની વછરાજાનીને અને સપ્ત સંગીતિના કમિટીના સભ્યોના હસ્તે નાદ સ્વરમ ગ્રુપના સર્વે કલાકારોને મોમોન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે આજે સમારોહના પાંચમાં દિવસે પંડિત ઉલ્હાસ કશાલકરજીનું શાસ્ત્રીય કંઠય સંગીત માણવા મળશે, તેમની સાથે સ્વપનીલ ભીસે તબલામા, સિધ્ધેશ બિચોલકર હાર્મોનિયમ ઉપર અને ઓજસ પ્રતાપ સિંઘ ગાયન અને તાનપુરામાં સાથ નિભાવશે. જ્યારે સભાના પ્રથમ ચરણમાં રાજકોટના યુવા ઉભરતા કલાકાર ચેતન રાઠોડનું બાસુરીવાદન અને તેમની સાથે યશ પંડયા તબલાસંગત કરશે.

Screenshot 2 15 1

પંડિત ઉલ્હાસ કશાલકર (ગાયન)

પંડિત ઉલ્હાસ કશાલકરનો જન્મ મહારાષ્ટ્રના સંગીતજ્ઞ પરિવારમાં થયો છે. તેમના પિતા એન. ડી. કે. કશાલકર વ્યવસાયે વકીલ હોવા ઉપરાંત એક સારા ગાયક અને સંગીતજ્ઞ પણ હતા. ઉલ્હાસ કશાલકરની પ્રારંભિક તાલીમ તેમના પિતાજી પાસે શરુ થઇ હતી . તેમણે નાગપુર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો, ત્યાં તેમણે પં. રાજભાઉ કોગજે અને પ્રોફેસર પ્રભાકર રાઓ ખરદનવીસ પાસેથી સંગીતની તાલીમ મેળવી હતી. ગ્વાલિયર, જયપુર અને આગ્રા એમ ત્રણેય ધરનાની ગહન તાલીમ પં.રામ મરાઠેજી અને પં. ગજાનનરાઓ જોષીજી પાસેથી પ્રાપ્ત કરી છે.

તેમણે દેશના ટોચના સંગીત સંમેલનોમાં તેમની કલાનો પરિચય આપ્યો છે. તેઓ દેશના વરિષ્ઠ ગાયકોમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત તેઓ આઇટીસી એસઆરએ કોલકતામાં 1992 થી સિનિયર ગુરુ તરીકે વિદ્યાર્થીઓને તાલીમ આપી રહ્યા છે. 2014 થી બંગાળ પરંપરા સંગીતાલય ઢાકામાં તેઓ વિદ્યાર્થીઓને તાલીમ આપી રહ્યા છે.

હાલમાં તેઓ પુના સ્થિત છે અને પુનાના એમ.આઇ.ટી ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓને સંગીતનું જ્ઞાન આપી રહ્યા છે. તેમને સંગીત નાટક અકાદમી એવોર્ડ -દિલ્હી, પં.ઓમકારનાથ ઠાકુર એવોર્ડ-ગુજરાત સરકાર, તાનસેન પુરસ્કાર-મધ્યપ્રદેશ સરકાર, ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ‘સ્વર રત્ન’, ‘રાગ ઋષિ’, જગત ગુરુ શંકરાચાર્ય દ્વારા ‘ગાન તપસ્વી’ના ઉપનામથી સન્માનિત કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.