ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત અંગેની સુઓમોટો જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે ટેન્ડર બહાર પાડવામાં જોવા મળેલી ખામીઓ બદલ રાજ્ય સરકાર અને મોરબી નગરપાલિકાને સખત ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે મોરબી નગરપાલિકાએ હોશિયારી બતાવવાની જરૂર નથી. વધુમાં આજે કોર્ટે નગરપાલિકાને હાજર રહેવાનું ફરમાન આપ્યું હતું
ગુજરાત હાઇકોર્ટ દ્વારા નગરપાલિકાને હાજર રહેવાનું ફરમાન આપવામાં આવતા આજ રોજ નગરપાલિકાનો આ મામલે ખુલાસો કર્યો છે. હાઈકોટ દ્વારા યોજાયેલી સુનાવણીમાં મોરબી નગરપાલિકાએ સ્વીકાર કર્યો હતો કે જે દિવસે પુલ તૂટ્યો તે દિવસે પણ પુલના ઉપયોગ માટેની મંજૂરી આપવામાં આવી નહોતી.
આગામી સુનાવણી 24 નવેમ્બરે થશે
હાઈકોર્ટમાં આ મામલે આગામી સુનાવણી 24 નવેમ્બરે થશે. ખંડપીઠે પૂછ્યું હતું કે પ્રથમ કરાર સમાપ્ત થયા પછી કોન્ટ્રાક્ટરને ત્રણ વર્ષ સુધી બ્રિજ ચલાવવાની મંજૂરી કયા આધારે આપવામાં આવી? કોર્ટે કહ્યું કે બે અઠવાડિયા પછી યોજાનારી આગામી સુનાવણી દરમિયાન આ પ્રશ્નોના જવાબ એફિડેવિટમાં આપવા જોઈએ.