વરસાદની મોસમ શરૂ થતાં આપણને બધાને ખુશીની અનુભૂતિ થાય છે. પણ ચોમાસું આવતાની સાથે જ આપણે પોતાની સાથે સાથે વાળની પણ ખાસ કાળજી લેવી પડે છે. તમારે ચોમાસા માટે વાળની સંભાળની એક અલગ દિનચર્યાને અનુસરવી જોઈએ. આ સાથે તમારે તમારા ખાનપાન પર પણ ખાસ ધ્યાન આપવું પડે છે. સાથોસાથ કેટલાક લોકો ચોમાસાની આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘણા મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ પણ કરતા હોય છે. જેના લીધે ક્યારેક તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કારણ કે આ ઉત્પાદનો બનાવવામાં હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે.
સુંદર વાળ એ દરેક મહિલાની સુંદરતાની નિશાની છે. સારા વાળ બધાને ગંમતા હોય છે. પણ વરસાદની સીઝનમાં તમારા વાળ બરડ થઇ જતાં હોય છે. જેના લીધે વાળ ખરવા લાગે છે. આ સીઝનમાં તમારે તમારા માથાની ચામડીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. જો તમારી સ્કેલ્પ હેલ્ધી નથી તો તમને ઘણા ઈન્ફેક્શન થઈ શકે છે જેનાથી વાળ ખરવાની સમસ્યા પણ વધી શકે છે. આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે આ ટિપ્સ અપનાવી શકો છો.
શું તમારા વાળ વરસાદની મોસમમાં ખરતા હોય છે? વાળની સારી સંભાળ માટે આ ઘરેલું ઉપાયોનો ઉપયોગ કરો.
માથામાં માલિશ કરવાનું રાખો
સુંદર અને મજબૂત વાળ માટે તમારે તમારા માથાની ચામડીની ખાસ કાળજી લેવી જોઈએ. આ માટે તમારે દરરોજ થોડો સમય માથાની માલિશ કરવી જરૂરી છે. તેનાથી માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ વધે છે. તેમજ ઓક્સિજન પણ સારી રીતે વાળના મૂળ સુધી પહોંચશે. જે તમારા વાળને યોગ્ય પોષણ આપે છે.
સ્ક્રબરનો ઉપયોગ કરો
ચોમાસામાં માત્ર શેમ્પૂ કરવું પૂરતું નથી પરંતુ તમારે શેમ્પૂની સાથે સ્ક્રબરનો પણ ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ડેન્ડ્રફ અને ચીકણા વાળની સમસ્યામાંથી પણ રાહત મળશે. સ્ક્રબરની મદદથી સ્કેલ્પને એક્સ્ફોલિયેટ કરવામાં આવે છે. જેથી કરીને તમારી સ્કેલ્પ ઝડપથી ઓઇલી ન થાય. ચોમાસામાં સ્કેલ્પને એક્સફોલિએટ કરવું ખૂબ જ જરૂરી છે. આ માટે સ્કેલ્પનું સારું સ્ક્રબ પસંદ કરો જે સ્કેલ્પમાંથી જામેલા વાળ અને ગંદકીને દૂર કરી શકે તેનાથી વાળ ઓછા ઓઇલી થાય છે.
વધારે વાળ ધોશો નહીં
ચોમાસામાં ચીકણા વાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે મોટાભાગના લોકો શેમ્પૂનો વધુ ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે. તમને લાગે છે કે વારંવાર શેમ્પૂ કરવાથી વાળ બરાબર સાફ થઈ જશે. પણ એવું બિલકુલ નથી. આમ કરવાથી તમારા માથામાંથી કુદરતી તેલ નીકળી જાય છે. જેના કારણે તમારા વાળ સુકાવા લાગે છે અને વધારે પડતાં ખરે છે. તેથી વધુ પડતું શેમ્પૂ કરવાનું તમારે બંધ કરવું જોઈએ.
ગુલાબજળ લગાવવાનું રાખો
જો વરસાદની ઋતુમાં તમારા વાળ ખૂબ જ ચીકણા થઈ જાય છે. તો કપાસની મદદથી વાળના મૂળમાં ગુલાબજળ લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે અને મૂળમાંથી તેલ ઓછું થઈ જાય છે. તમે શેમ્પૂ કરવાના 1 કલાક પહેલા વાળમાં ઈંડાનો સફેદ ભાગ લગાવી શકો છો. દુર્ગંધ દૂર કરવા માટે તમે ઈંડાની સફેદી સાથે લીંબુનો રસ અને ગુલાબજળ પણ મિક્સ કરી શકો છો. આ પેસ્ટ માત્ર વાળને જ મજબૂત નથી બનાવતું પણ કન્ડિશનરનું કામ કરે છે.
ચણાનો લોટ અને દહીંની પેસ્ટ લગાવો
વાળમાંથી વધારાની ભેજ દૂર કરવા માટે તમે વાળ ધોતા પહેલા માથા પર ચણાનો લોટ અને દહીંની પેસ્ટ પણ લગાવી શકો છો. જેનાથી તમારા વાળ ઓછા તેલયુક્ત બને છે અને વાળને પોષણ મળે છે.
માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો
વાળ માટે માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. વાળમાંથી વધારાનું તેલ દૂર કરવા માટે તમે શેમ્પૂમાં લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરી શકો છો. તે વાળમાંથી સ્ટીકીનેસ દૂર કરે છે. જો તમને વાળને લગતી કોઈ પણ સમસ્યા હોય તો ડોક્ટર પાસેથી યોગ્ય તપાસ લો.