સફેદ અને જાંબુડિયા રંગનાં ફૂલ ધરાવતાં રોઝમરીનાં પાન એની આગવી સુગંધ અને ઔષધીય ગુણો માટે ખૂબ જ જાણીતાં છે. યુકેના રિસર્ચરોએ તાજેતરમાં પ્રયોગ કરીને તારવ્યું છે કે રોઝમરી ઑઇલથી મગજની કામગીરી સુધરે છે. એનાથી મૂડ અને યાદશક્તિ વધે છે. જોકે અલર્ટનેસ વધતી નથી. રસોડામાં રોઝમરીનાં ડ્રાય અને લીલાં પાન વિવિધ સૂપ, સૅલડમાં ડ્રેસિંગ તરીકે વપરાય છે ને એની સોડમને કારણે વાનગીને અનોખો સ્વાદ મળે છે. જોકે હિસ્ટરીમાં એનો ઔષધીય ઉપયોગ પણ ખૂબ જાણીતો છે. પેટમાં ગરબડ હોય, પાચનતંત્રને લગતી તકલીફો હોય કે માથાનો દુખાવો હોય; રોઝમરીનાં પાન ખૂબ જ ઝડપી અસર બતાવનારાં ગણાયાં છે.
આ પહેલાં થયેલા અભ્યાસોમાં રોઝમરીમાં રહેલાં અલભ્ય ગણાતાં કેમિકલ્સને કારણે એ કૅન્સર પ્રિવેન્શનમાં વપરાય છે અને ઉંમર વધવાને કારણે ત્વચામાં થતા ડૅમેજને અટકાવે છે. સ્કિન માટેનાં સાબુ, ફેસવૉશ, સ્કિન-ટોનર, ક્રીમ અને વાળ માટેનાં શૅમ્પૂ અને ઑઇલમાં પણ રોઝમરી ભરપૂર વપરાય છે.
રોઝમરીમાં શું છે?
રોઝમરીની મેડિસિનલ પ્રૉપર્ટીમાં સૌથી અગત્યનાં બે કેમિકલ્સ છે. એક છે કૅફેઇક ઍસિડ અને બીજું રોઝમરિનિક ઍસિડ. આ બન્ને કેમિકલ્સ ઍન્ટિ-ઑક્સિડન્ટ અને ઍન્ટિ-ઇન્ફ્લમેટરી દ્રવ્યો છે. શરીરના કોષોની ઑક્સિજન સાથેની પ્રક્રિયા અટકાવવાના કામને કારણે એ ઍન્ટિ-એજિંગ ગણાય છે. મૂળભૂત કોષો ગણાતા ડીએનએ (ડીઑક્સિરીબો ન્યુક્લિઍસિડ)માં મ્યુટેશન અટકાવીને કૅન્સર પેદા થતું અટકાવી શકવાની ક્ષમતા આ બે કેમિકલ્સમાં છે.
કૅન્સર સામે રક્ષણ
કૅફેઇક ઍસિડ અને રોઝમરિનિક ઍસિડ ઉપરાંત પણ રોઝમરીમાં કલરફુલ ફ્લેવેનૉઇડ્સ તરીકે ઓળખાતું કેમિકલ છે જેને કારણે ફ્રી રેડિકલ્સનું પ્રોડક્શન અટકે છે. આલ્ફા ટોકોફેરોલ તરીકે ઓળખાતું વિટામિન ઈ એટલું પાવરફુલ છે કે એ ડીએનએને ફ્રી રેડિકલ્સથી ડૅમેજ થતું અટકાવે છે. આ ડૅમેજ ધીમે-ધીમે કરતાં કૅન્સરમાં પરિવર્તન પામે છે એવો વૈજ્ઞાનિકોનો અંદાજ છે.
શ્વસનતંત્રની સમસ્યા
રેસ્પિરેટરી ઍલર્જી, શરદી, ગળામાં ખિચખિચ અને ફ્લુ જેવી સમસ્યામાં રોઝમરી ઑઇલ ખૂબ જ અકસીર નીવડે છે. એમાં ઍન્ટિસેપ્ટિક ગુણ પણ રહેલા હોવાથી શ્વસનતંત્રના ચેપોમાં પણ અસરકારક છે. ગળામાં કે બીજે ક્યાંય પણ ઇન્ફ્લમેશન હોય એટલે કે સોજો ચડ્યો હોય કે અસ્થમાની અસર હોય તો એમાં પણ આ અસેન્શ્યલ ઑઇલ વપરાય છે.
માનસિક ક્ષમતા સુધારે
રોઝમરી ઑઇલથી બ્રેઇન અને માથાના ભાગોમાં રક્તનો પ્રવાહ વધે છે. ડિપ્રેશન, થાક, વારંવાર ચીજો ભૂલી જવાની આદત તેમ જ સ્ટ્રેસ જેવી તકલીફોમાં રોઝમરી ઑઇલની નાક વાટે સુગંધ લેવામાં આવે છે. મેન્ટલ ઍક્ટિવિટી ઝડપી કરીને મૂડ સુધારવાનું કામ પણ આ ઑઇલ કરે છે.
ટૉક્સિન્સનો નિકાલ
રોઝમરીમાંનાં મુખ્ય કેમિકલ્સ લિવરમાં રહેલાં ઝેરી તત્વોને નબળાં કરી નાખે છે અને પછી યુરિન વાટે નીકળી જાય એ માટે મદદ કરે છે. ફ્રેન્ચ સાયન્ટિસ્ટોએ નોંધ્યું છે કે રોઝમરીના અર્કથી બૉડીમાં ડીટૉક્સિફાઇંગ ઉદ્દીપકોનો સ્રાવ થાય છે. એ સાઇટોક્રોમ ભ્૪૫૦, ગ્લુટૅથિઑન જેવાં લિવરને ખતરાજનક રીતે ડૅમેજ કરતાં ઝેરી કેમિકલ્સને બહાર કાઢવામાં મદદ કરે છે.
ત્વચાને ઘરડી થતી અટકાવે
ઇટલીની યુનિવર્સિટી ઑફ કૅટૅનિયાના સાયન્ટિસ્ટોએ નોંધ્યું છે કે રોઝમરીના અર્કને કારણે ત્વચાને ટાઇટ બનાવવામાં મદદ કરતું ખાસ પ્રોટીન પેદા થાય છે. આ પ્રોટીન સ્ટ્રેસને લીધે થયેલું સ્કિનનું ડૅમેજ ઘટાડે છે, ફ્રી રેડિકલ્સ ઘટાડે છે અને ઝેરી તત્વોનો નિકાલ થતાં ત્વચા ચમકીલી અને સ્વસ્થ બને છે.
કોણે લેવાય, કોણે નહીં?
રોઝમરી ઑઇલનો અર્ક કે એની કૅપ્સ્યુલ્સ તૈયાર મળે છે. ૪૦૦ મિલીગ્રામની એક કૅપ્સ્યુલ દિવસમાં બે વાર લઈ શકાય છે. પ્રેગ્નન્ટ સ્ત્રીઓ તેમ જ હાઈ બ્લડપ્રેશર અને એપિલેપ્સીના દરદીઓએ આ અર્ક ન લેવો. ખાવામાં તેઓ રોઝમરીનાં લીલાં કે ડ્રાય પાન લઈ શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com