વેસ્ટ ઝોનમાં ૭૫ સ્થળે ચેકિંગ દરમિયાન ૬૨ દુકાનોમાંથી પ્લાસ્ટીકના કપ ન મળ્યા
કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાના પ્લાસ્ટીકના કપ પર પ્રતિબંધ લદાયાના બીજા જ દિવસે ન્યુ રાજકોટમાં પ્લાસ્ટીકના ચાના કપનો વપરાશ જાણે સંપૂર્ણપણે બંધ થઈ ગયો હોય તેમ આજે હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં વેસ્ટ ઝોનમાં ૭૫ સ્થળે ચેકિંગ દરમિયાન ૬૨ દુકાનોમાંથી એક પણ કપ મળ્યો ન હતો. જયારે ૧૩ દુકાનોમાંથી માત્ર ૬૫૦ પ્લાસ્ટીકના કપ જપ્ત કરી સોલીડ વેસ્ટ શાખાએ આત્મસંતોષ માની લીધો હતો.
સેન્ટ્રલ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા આજે ફુલછાબ ચોક, રેસકોર્સ રીંગ રોડ, સિવિલ ચોક, રેલવે સ્ટેશન, ગાયકવાડી, પરાબજાર, ગોંડલ રોડ, ટાગોર રોડ સહિતના વિસ્તારોમાં ૭૨ સ્થળે ચેકિંગ કર્યું હતું. જેમાં ૧૨,૩૯૫ પ્લાસ્ટીકના ચાના કપ જપ્ત કરી રૂ.૧૫૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
જયારે ઈસ્ટ ઝોનમાં કુવાડવા રોડ, મોરબી રોડ, ગ્રીનલેન્ડ ચોકડીથી સર્વિસ રોડ, ભાવનગર રોડ, કોઠારીયા રોડ અને ૮૦ ફુટ રોડ પર હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં ૩૬,૯૭૫ પ્લાસ્ટીકના કપ જપ્ત કરી રૂ.૩૫૦૦નો દંડ વસુલ કરાયો હતો. જયારે પ્રતિબંધિત ૮૩.૬ કિલો પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું. વેસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા આજે ન્યુ રાજકોટમાં ૭૫ દુકાનો અને હોટલ અને એજન્સીઓમાં ચેકિંગ હાથ ધરતા માત્ર ૧૩ દુકાનોમાંથી ૬૫૦ નંગ પ્લાસ્ટીકના કપ પકડાયા હતા જયારે ૬૨ સ્થળે પ્લાસ્ટીકના કપનો વપરાશ બંધ કરી દેવામાં આવ્યો હોય તેવી જાહેરાત નાયબ પર્યાવરણ ઈજનેર દ્વારા કરવામાં આવી છે.