લોઢાના પતરાને તપાવી તેને દુધમાં કે તેલમાં લસોટી ઝીણો સફેદ પાઉડર બનાવ્યો : અતિશય નબળાઇ લાવતા પાંડુરોગમાં આ દવાનો ઉપયોગ કરતાં દર્દીને લોઢા જેવી શક્તિ મળે તે દ્રષ્ટિએ પ્રજાએ લોહતત્વનો આવો પ્રથમ પ્રયોગ કર્યો: આજે આપણે લોહતત્વની ગોળી લઇએ જ છીએ
આપણું શરીર અને રક્ત કુદરતની રહસ્યમય તાકાત છે. શરીરમાં લોહતત્વનું પ્રમાણ જરૂરી છે. શરીરમાં પ્રાણવાયુનું વહન કરવા ઉપરાંત કોષો દ્વારા પ્રાણવાયુના થતાં ઉપયોગમાં પણ લોહતત્વ ભાગ ભજવે છે. શરીરને ઉપયોગી એવા ઘણા બધા પદાર્થો બનાવવામાં લોહતત્વ અગત્યનો ભાગ ભજવે છે. 1831માં વિજ્ઞાનીઓને જાણવા મળ્યું કે ખોરાકમાં લોહતત્વ જો ઓછુ હોય તો તેનાથી ખામીયુક્ત લોહી પેદા થાય છે. આ તત્વ હિમોગ્લોબીનના મુખ્ય ભાગ તરીકે હોય છે. ફેફ્સામાંથી આ હિમોગ્લોબીન જ શરીરનાં વિવિધ ભાગોમાં પ્રાણવાયું પહોંચાડે છે. આપણા રક્તકણોમાંથી દરરોજ લગભગ એક ટકો લોહ તત્વ છૂટાં પડે છે. નષ્ટ થયેલા રક્તકણોમાંથી છૂટા પડેલ લોહતત્વના લગભગ બધા જ જથ્થાનો શરીર ઉપયોગ કરે છે.
1831ની સાલમાં જ એનિમિયાની સારવારમાં વૈજ્ઞાનિક ધોરણે લોહતત્વનો ઉપયોગ શરૂ થયો. રક્તના પ્રકારો વિશે મેડીકલ સાયન્સે, ડોક્ટરોએ ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે છતાં પણ આધુનિક તબીબી સારવારમાં લોહતત્વનો મહત્વનો ઉપયોગ તે ફક્ત લોહીની ખામીથી થતાં એનિમિયાને રોકવા માટે કરવામાં આવે છે. મોટાભાગના પુખ્યવયના પુરૂષોમાં લોહતત્વનું પ્રમાણ એવરેજ 1/8 ઔંસ (3.5 ગ્રામ) હોય છે. 65 ટકા જેટલું લોહતત્વ રક્તકણોમાં રહેલ છે.
દવાઓમાં ઘણા જ પ્રકારની લોહતત્વ ધરાવતી દવાઓ મળે છે, જેમાં મુખ્યત્વે લોહતત્વનો ક્ષાર હોય છે. પ્રસૃતિ સમયે કે શિશુવયમાં આયર્નની ઉણપથી થતાં એનિમિયાને રોકવા તેમજ તેની સારવારમાં ડોક્ટરો આયર્નની ગોળીઓ આપે છે. લોહતત્વની ગોળી અને ટીપા એમ બંને સ્વરૂપમાં મળે છે. આ તત્વની ખામીથી પાંડુરોગ થાય છે. જે કોષો કે અવયવોમાં લોહતત્વ સંઘરવામાં આવે છે. અહીં સુધી પહોંચવા આ લોહતત્વ ટ્રાન્સફેરીન નામના પ્રોટીન સાથે ગંઠાઇ જઇને ત્યાં સુધી પહોંચે છે. શરીરમાં રહેલ કુલ લોહતત્વના જથ્થાનો 10 ટકા ભાગ માઇઓગ્લોબીનના સ્વરૂપમાં સ્નાયુઓમાં રહે છે. લોહતત્વના સૌથી મોટા કોઠાર આપણા શરીરનાં યકૃત, બરોળ અને અસ્થિમાં છે. મનુષ્યો જે ખોરાક લે છે તેમાંથી લોહતત્વો આ કોષોમાં જમા થાય છે. ઓક્સિજનનું શરીરમાં વહન કરવામાં આ લોહતત્વનો મહત્વનો ફાળો છે.
શું આપણાં શરીરમાં લોખંડ છે? હા દરેક શરીરમાં અર્થાત માનવીમાં 3 થી 5 ગ્રામ માત્રા હોય છે, જો કે આ માત્રા બીજા ખનીજ ક્ષારોના પ્રમાણમાં ઓછી હોય છે. આપણાં શરીરમાં કેલ્શિયમની માત્રા 1200 ગ્રામ હોય છે. લોહતત્વ કે આયર્ન આખા શરીરમાં મળી આવે છે, પરંતુ લોહીમાં તે સૌથી વધુ પ્રમાણમાં હોય છે. આપણાં રક્તમાં 75 ટકા લોહતત્વ હોય છે. બધા જ કોષો અને પેશીઓમાં પણ થોડું ઘણું લોહતત્વ જોવા મળે છે, જેનું પ્રમાણ 5 ટકા હોય છે બાકીનો 20 ટકા ભાગ શરીરનાં વિવિધ ભાગો જેવા કે લીવર, બરોળ, કિડની તથા અસ્થિ મજનીમાં સંગ્રહ થાય છે. વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય બન્ને ખોરાકમાંથી આપણને લોહતત્વ પ્રાપ્ત થાય છે.
અનાજમાં ઘઉ, જુવાર, બાજરી, રાગીના લોટ, દાળોમાંથી ભરપૂર લોહતત્વ મળે છે. આપણા આહારમાં મોટાભાગનું લોહતત્વ આપણા અનાજમાંથી મળે છે. સોયાબીનમાં પણ સારૂ આયર્ન હોય છે, ગોળમાંથી પણ વિશેષ મળે છે. લોહતત્વના કાર્યોનો અભ્યાસ રસપ્રદ છે. અનેક વર્ષોના સંશોધનથી ખબર પડી કે મગજની કાર્ય પ્રણાલી માટે તેનો સિધો સંબંધ છે. લોહતત્વ લોહીમાં રહેલા હિમોગ્લોબીન નામના લાલ રંગના સંયોજનનું મુખ્ય ઘટક છે. હિમોગ્લોબીનના હિમભાગમાં લોહતત્વ હોય છે. સ્નાયુના સંકોચન માટે ઓક્સિજન આપે છે તેમાં સ્નાયુમાં લોહતત્વ માયોગ્લોબિન સ્વરૂપે મળી આવે છે.
ઓક્સિજનના વહન અને ઉર્જાને છૂટી કરવામાં લોહતત્વની ભૂમિકા મહત્વની છે. આપણાં શરીરનાં બૌધ્ધિક કાર્યો જેવા કે યાદ રાખવું, શીખવાની ક્ષમતા, ધ્યાન કેન્દ્રીત કરવું વિગેરેમાં લોહતત્વની ભૂમિકા અહંમ છે જો તેની ખામી જણાય તો આ બાબતની મુશ્કેલી પડે છે. તે આપણી પાચન પ્રક્રિયામાં સહાયતા કરે છે તો અમુક રોગોના સંક્રમણથી બચાવે છે. તેની ઉણપવાળી વ્યક્તિને એનિમિયા થઇ શકે છે. સામાન્ય રીતે ગર્ભધારણ સ્ત્રીઓ અને બાળકોમાં આયર્નની ઉણપ વધુ જોવા મળે છે. એનિમિયા થાય તો હિમોગ્લોબીનનું ઉત્પાદન ઘટવા લાગે છે અને પેશીઓને ઓક્સિજન ઓછો મળતા વ્યક્તિની કાર્યક્ષમતા ઘટે અને થાક લાગે, શ્ર્વાસ ચડે કે ફિક્કો દેખાવા લાગે છે.
આપણાં રેડ બ્લડ સેલમાં રહેલું હિમોગ્લોબીનમાં આયર્ન ધરાવતું પ્રોટીન હોય છે જેનું કામ ફેફ્સામાંથી ઓક્સિજનને શરીરના બીજા ભાગો સુધી પહોંચાડવાનું હોય છે. 400થી વધુ પ્રકારના એનિમિયા પૈકી સૌથી સામાન્ય લોહતત્વની ખામીને કારણે થતો એનિમિયા છે. લોહતત્વ સમૃધ્ધ ખાતરો દ્વારા જમીનને ફળદ્રુપ બનાવે છે અને મોટાભાગના સં5ૂર્ણ ખાતરોમાં લોહતત્વ એક અભિન્ન અંગ છે. આયર્ન એટલે હિમોગ્લોબીન તથા અન્ય કોષોના શ્ર્વસન સાથે સંકળાયેલા રંજક દ્રવ્યોમાં મહત્વનો ઘટક છે. શરીરના બધા જ કોષોની સુખાકારી માટે લોહતત્વ એક મહત્વનું ધાતુ તત્વ છે. પુરૂષના શરીરમાં 1 મિ.ગ્રામ અને સ્ત્રીઓમાં 1.4 મિ.ગ્રામ હોય છે, પરંતુ સગર્ભાવસ્થા સમયે તેની જરૂરીયાત 6 થી 8 ગણી વધી જાય છે. બાળકનાં વિકાસમાં લોહતત્વ મહત્વની ભૂમિકા ભજવે છે.
લોહતત્વ યુક્ત આહાર
વધુ પડતા કામના લોડને પહોંચી વળવા પણ શરીરમાં લોહતત્વની પુરતી માત્રા હોવી જરૂરી છે, આની ઉણપથી ઓછા હિમોગ્લોબીનને થાક વધુ લાગે છે. સ્ત્રીઓને માસિક દરમ્યાન પણ શરીરમાંથી મોટા પ્રમાણમાં લોહતત્વ ગુમાવે છે. આ વધારવા માટે ખજુર, કાળી દ્રાક્ષ, દાડમ, બીટ, અંજીર, લીલીભાજી, ગોળનો ઉપયોગ રોજીંદા આહારમાં કરવો જરૂરી છે. આ બધા આયર્નયુક્ત આહારો જો વીટામીન સી ધરાવતા ખાદ્ય પદાર્થો સાથે લેવાથી વધુ ફાયદો થાય છે.
આયર્નની ઉણપના લક્ષણો
શરીરમાં લોહતત્વની ઉણપ એનિમિયામાં પરિવર્તિત થાય એ પહેલા તે ઘણા લક્ષણો બતાવી શકે છે. લક્ષણોની વિશાળ શ્રેણી હોય શકે પણ સામાન્ય રીતે થાક, ચક્કર આવવા, નિસ્તેજ, વાળ ખરવા, ચીડીયાપણું, નબળાઇ, પીડા, મ્યુકોસ મેમ્બ્રેન કે ક્ષતિગ્રસ્ત રોગપ્રતિકારક શક્તિ જોવા મળે છે. બાળકોમાં આની ખામી હોય તો વારંવાર ચેપ લાગવાની શક્યતા રહે છે. લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે સરસવના પાન, ફૂદીનો, અડવીના પાન, પાલક વિગેરેમાંથી પુષ્કળ મળે છે. આની ઉણપથી બચવા આપણાં ભોજનમાં લોહતત્વયુક્ત પદાર્થોનું સેવન વધુ કરવું જરૂરી છે.