બાંધકામ સમિતિના ચેરમેન કેતન પટેલે લીધો ઈજનેરોનો ક્લાસ: દિલ્હી-મુંબઈમાં રાજકોટ કરતા વધુ વરસાદ છતાં ત્યાં કેમ રોડ તૂટતા નથી ?: જૂની પુરાણી ટેકનોલોજીને ટાટા-બાય બાય કરી નવી ટેકનોલોજી આધારિત કામગીરી કરો
દિલ્હી-મુંબઈ અને હરિયાણાના અનેક શહેરોમાં રાજકોટ કરતા પણ વધુ માત્રામાં વરસાદ પડે છે. છતાં ત્યાં ચોમાસાની સીઝનમાં રોડ તૂટતા હોય તેવી સ્થિતિ ખુબજ ઓછા પ્રમાણમા જોવા મળે છે. શહેરમાં સામાન્ય વરસાદમાં પણ રોડનું કચ્ચરઘાણ નિકળી જાય છે. વરસાદમાં તૂટતા રોડને બચાવવા માટે માઈક્રો સર્ફેસિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને જોબમિક્સ આધારિત ડિઝાઈન બનાવવા માટે બાંધકામ સમીતીના ચેરમેન કેતનભાઈ પટેલે ઈજનેરોને સુચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત સપ્તાહે કોર્પોરેશનની બાંધકામ સમીતીના ચેરમેન કેતનભાઈ પટેલે ત્રણેય ઝોનના સિટી ઈજનેર ઉપરાંત એચ.યુ.દોઢીયા અને અલ્પના મિત્રા સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં તેઓએ ચોમાસાની સીઝનમાં દર વર્ષે રોડને થતી કરોડોની નુકશાની મામલે ઈજનેરોનો કલાસ લીધો હતો. તેઓએ એવી પણ તાકીદ કરી હતી કે, મુંબઈ અને દિલ્હીમાં રાજકોટની સરખામણીએ વધુ વરસાદ પડે છે છતાં ત્યાં કેમ રસ્તા તૂટતા નથી. દર વર્ષે આપણે ડામર એક્શન પ્લાન માટે એક જ પ્રકારની ડિઝાઈન બનાવીએ છીએ જેના કારણે રસ્તાઓ ટકાઉ બનતા નથી.
અન્ય શહેરોમાં માઈક્રો સર્ફેસિંગ નામની ટેકનોલોજી ઉપયોગ રસ્તા બનાવવા માટે કરવામાં આવે છે. જેના કારણે રસ્તાઓ તૂટતા નથી. આ ઉપરાંત ખાડા પડે તો પણ કોલ્ડમિક્સ નામની કેમીકલનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી ખાડો બુરાય જાય છે અને જાણે ડામર કર્યું હોય તેવું લાગે છે. આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી. ડામર એક્શન પ્લાન માટે કઈ પદ્ધતિથી ટેન્ડર બનાવવામાં આવે છે તેની પણ વિગતો મેળવી હતી. જો જોબમિક્સ ડિઝાઈનથી ટેન્ડર બનાવવામાં આવે તો રોડ-રસ્તા તૂટવાની સમસ્યામાંથી નજીકના ભવિષ્યમાં કાયમી મુક્તિ મળે તેમ છે.
આ પદ્ધતિમાં રસ્તાની લંબાઈ મુજબ કેટલો રસ્તો પથરાળ, ક્યાં માટીનું પ્રમાણ વધુ છે, ક્યાં રસ્તો મજબૂત કે પોચો છે તેને આધારે કામ કરવાનું રહેશે. જેનેથી ચોમાસાની સીઝનમાં વરસાદનો સામનો રસ્તાઓ કરી શકે છે. રાજકોટમાં શેરી-ગલીઓ અને મુખ્ય રસ્તાઓ સાથે લગભગ 2500 કિ.મી.નું રસ્તાનું કામ કરવાનું થાય છે. જો જૂની પુરાણી પદ્ધતિનો ત્યાગ કરી નવી પદ્ધતિ અપનાવવામાં આવે તો ખરેખર વરસાદની સીઝનમાં રોડ-રસ્તા તૂટવાની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી શકે તેમ છે.