યુએસ-ચીન વચ્ચે વેપાર યુદ્ધ વધુ ઘેરૂ બન્યું: વિશ્ર્વ વ્યાપાર સંગઠનમાં ઈન્ટેલેકચ્યુઅલ
પ્રોપર્ટી રાઈટસનો ઉપયોગ કરી ચીન વિરુઘ્ધ ફરિયાદ નોંધાવશે અમેરિકા
અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ છેડાયું છે. તાજેતરમાં ટ્રમ્પ સરકારે જાહેર કર્યું છે કે આવતા માસથી અમેરિકા ચીન પર વેપાર મુદ્દે શિક્ષાત્મક પગલા ભરશે. જેના ભાગરૂપે ચીનથી આયાત થતા ૩ લાખ કરોડના માલ ઉપર ૨૫% ટેકસનો તોતિંગ વધારો ઝીંકશે.
જણાવી દઈએ કે, આ અગાઉ તાજેતરમાં જ અમેરિકાએ ચીની ચીજ-વસ્તુઓનું એક લીસ્ટ જાહેર કર્યું હતું. જેમાં દરેક ચીજ-વસ્તુઓ પરનો કરબોજો નકકી કરાયો હતો. આ લીસ્ટમાં ચીનમાંથી આયાત થતા ફલેટસ્ક્રીન ટીવી અને મેડીકલ, ડીવાઈસીસ સહિતની ચીજ-વસ્તુઓને સામેલ કરાઈ છે. ટ્રમ્પ સરકારે કહ્યું કે, આ લીસ્ટમાંથી હજુ આખરી યાદી તૈયાર થશે અને તે મુજબ ૧૫ જુનથી ચીની આયાતો પર કરબોજો લદાશે અને ત્યારબાદ ટુંક સમયમાં એકસાઈડ ડયુટી પણ લાગુ થશે.
અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ દિનપ્રતિદિન વધુને વધુ ઘેરું બનતું જાય છે. વાઈટ હાઉસે કહ્યું છે કે, ટેકસની સાથે ટ્રમ્પ સરકારે ચીની રોકાણો પર પણ નિયંત્રણ લાદવાનું નકકી કર્યું છે. આયાત-નિકાસના નિયમો વધુ કડક બનાવી ચીની રોકાણોને નિયંત્રીત કરશે. આગામી ૩૦ જુન સુધીમાં યુ.એસ. પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પ આ નિયંત્રણો જારી કરશે. ટ્રમ્પ સરકારે એ પણ ચીમકી આપી છે કે અમેરિકા-ચીન વિરુઘ્ધ વિશ્ર્વ વેપાર સંગઠનમાં ફરિયાદ નોંધાવશે અને ઈન્ટેલીકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસનો ઉપયોગ કરી ચીનને ઘેરશે.
હાલ બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. યુએસે બેઈજિંગને કહ્યું છે કે તે અમેરિકન કંપનીઓ પરના કરબોજને દુર કરે તેની આ નીતિ અમેરિકન કંપનીઓને ચીનમાં બિઝનેસ કરવાથી અટકાવી રહી છે.