અમેરિકાના ઈતિહાસના સૌથી ખુંખાર હત્યારાની ચોંકાવનારી કહાની
અમેરિકાની જેલમાં છેલ્લા ચાર વર્ષથી સજા ભોગવી રહેલા ૭૮ વર્ષના સીરીયલ કિલરે છેલ્લા ૫૦ વર્ષમાં ૯૦ મહિલાઓને નિર્દયતાથી રહેસી નાખ્યાની ચોંકાવનારી કબુલાત કરી છે. તેણે નાના શહેરોના બાર, નાઈટ કલબ અને રસ્તા પરની અનેક સ્ત્રીઓને ઉપાડીને કારમાં બેસાડી મોતને ઘાટ ઉતારી છે. ડાયાબીટીસ અને હૃદયરોગથી ભાંગી પડેલા સફેદ વાળ ધરાવનાર વૃધ્ધ કેદીને આજે પણ ચુસ્ત બંદોબસ્તમાં રાખવામાં આવ્યો છે.
સેમ્યુલ લીટલ નામના સીરીયલ કિલરે છેલ્લા ૫૦ વર્ષમાં ૯૦ હત્યા કરી છે. પોલીસનું માનવું છે કે, હત્યારે કુલ ૧૪ રાજયોમાં વિવિધ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. સેમ્યુલ લીટલ અમેરિકાના ઈતિહાસનો સૌથી ખુંખાર સીરીયલ કિલર હોવાનું માનવામાં આવે છે. ૧૯૮૦માં લોસ એન્જલસમાં કરાયેલી ૩ મહિલાની હત્યાના આરોપમાં હાલ સેમ્યુલ અમેરિકાની ટેકસાસની જેલમાં સજા ભોગવી રહ્યો છે.
સેમ્યુલ હત્યા માટે મોટાભાગની ગરીબ, નશાખોર અથવા રખડુ સ્ત્રીઓની પસંદગી કરતો હતો. કારણ કે તેમના ગુમ થવાની ફરિયાદો પણ કરવા પાછળ કોઈ જવાબદાર ન હતું. પૂર્વ બોકસર સેમ્યુલની ૨૦૧૨માં કેલીફોર્નીયામાં ડ્રગ્સના ગુનામાં પણ ધરપકડ કરવામાં આવી હતી. આજીવન જેલની સજા ભોગવી રહેલ સેમ્યુલ બળાત્કાર, નાઈટ કલબ, ડ્રગ્સ અને શરાબની હેરાફેરીમાં મુખ્ય હેતુ ધરાવતો હતો. સેમ્યુલ એ હદે વિકૃતી ધરાવે છે કે, આજે પણ તે પોતાની દુનિયામાં ફરીથી જવા માંગે છે.