જાપાન, સાઉથ કોરીયા, ચીન, વિયેટનામ અને ફિલીપાઈન્સના પ્રવાસ દરમિયાન સમય કાઢી ભારતની મુલાકાત લે તેવી સંભાવના
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નવેમ્બર મહિનામાં પૂર્વ એશિયાના દેશો જાપાન, સાઉથ કોરિયા, ચીન, વિએટનામ અને ફિલીપાઈન્સના પ્રવાસે જવાના છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ભારતની મુલાકાત લે તેવી શકયતાઓ છે.
અમેરિકાની સત્તા સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો આ ત્રીજો મહત્વનો વિદેશ પ્રવાસ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને અગત્યનો મિત્ર કહી ચૂકયા છે. માટે તેઓ પાંચ દેશોના પ્રવાસ દરમિયાન સમય કાઢી ભારતની મુલાકાત લે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. વેપાર-વાણિજયમાં વધારો તેમજ સુરક્ષા મુદ્દે ઈન્ડો પેસિફીક ક્ષેત્રમાં ભારત સાથે મિત્રતા અમેરિકા માટે મહત્વની બની જાય છે.
બરાક ઓબામા પણ ભારત સાથે સંબંધો ટકાવી રાખવા માટે પ્રયત્નશીલ હતા. અમેરિકન થીંક ટેન્ક એશિયા પોલીસીમાં ભારતને હુકુમનું પાનુ ગણે છે. ભારત અમેરિકી સૈન્યના પેસિફીક કમાન્ડ હેઠળ આવતો દેશ છે. માટે આગામી ૩ થી ૧૪ નવેમ્બર દરમિયાન પૂર્વ એશિયાના દેશોની મુલાકાતે આવનાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી શકે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.
આ પ્રવાસ અમેરિકાની સુરક્ષાને ધ્યાન રાખીને પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. નોર્થ કોરીયા સામે આંતરરાષ્ટ્રીય દબાણ લાવવા માટે પણ ડોનાલ્ડ ટ્રમ્પ પૂર્વ એશિયાના પ્રવાસે જવાના છે. ટ્રમ્પના પૂત્રી ઈવાન્કા ટ્રમ્પ હૈદરાબાદ ખાતે નવેમ્બર મહિનામાં ગ્લોબલ એન્ટરપ્રિમીયર સમીટમાં ભાગ લેવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પ વિએટનામમાં આયોજીત એશિયા પેસિફીક ઈકોનોમીક કોર્પોરેશનમાં ભાગ લેશે. આ ઉપરાંત ફિલીપાઈન્સ એન્જલ્સ શહેરમાં આશિયાનના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે.