વેકસીનના બંને ડોઝ લીધા હોય તો જ અપાશે એન્ટ્રી: ૪૮ કલાક પૂર્વેનો આરટીપીસીઆર રિપોર્ટ પણ જરૂરી
અમેરિકા જવાનો પ્લાન બનાવતા લોકો માટે શુક્રવારે એક રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ૮ નવેમ્બર પછી તમામ વિદેશી નાગરિકોને અમેરિકા આવવાની મંજૂરી મળશે જેઓ ફુલી વેક્સિનેટેડ છે એટલે કે જેઓએ માન્યતા પ્રાપ્ત વેક્સિનના બંને ડોઝ લીધા છે. બાઈડેન એડમિનિસ્ટ્રેશને થોડા દિવસ પહેલા જ સંકેત આપ્યા હતા કે અમેરિકા આવવા પર લાગેલા પ્રતિબંધોમાં થોડી ઢીલ આપવામાં આવી શકે છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી ‘રોયટર્સ’ મુજબ અમેરિકાનો આ નિર્ણય લાખો લોકોને રાહત આપશે. જાન્યુઆરી ૨૦૨૦માં ચીનથી આવતા યાત્રિકોની સાથે પ્રતિબંધોની શરૂઆત થઈ હતી. એટલે કે કુલ મળીને લગભગ ૨૧ મહિના આ પ્રતિબંધો રહ્યાં. તે દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા અને ચીનની સાથે જ તેઓએ અનેક દેશોના લોકોને અમેરિકામાં આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
એરટ્રાવેલ પર અમેરિકાએ થોડી રાહત જરૂર આપી છે પરંતુ કેનેડા અને મેક્સિકો સાથેની સરહદો પર તસવીર વધુ સ્પષ્ટ નથી. માનવામાં આવે છે કે કેનેડા અને મેક્સિકો પરથી પ્રતિબંધ શુક્રવારે જ હટાવવામાં આવી શકે છે. આ બંને દેશોના તે નાગરિકોને અમેરિકા આવવાની મંજૂરી નહીં મળે જેઓએ વેક્સિનેશન પુરું નથી કર્યું.
પ્રતિબંધોને કારણે અનેક એવા લોકો પરેશાન હતા જેઓ પ્રતિબંધ પહેલા કોઈ કામના કારણે પોતાના મૂળ દેશ કે પછી અન્ય જગ્યાએ ગયા હતા. તેમના સંબંધીઓ અને પરિવાર અમેરિકામાં પરેશાન હતા. અનેક બિઝનેસમેનને તેના કારણે મુશ્કેલીઓ પડી રહી હતી.
અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એટલે કે સીડીસીએ ગત સપ્તાહે જ કહ્યું હતું કે અમેરિકામાં ટૂંક સમયમાં જ તે લોકોને આવવાની મંજૂરી આપવામાં આવી શકે છે જેઓએ અમેરિકા દ્વારા અપ્રૂવ કરેલી વેક્સિનના બંને ડોઝ લીધા હોય.
૮ નવેમ્બરથી ભલે જ વિદેશી નાગરિકોને અમેરિકા આવવાની મંજૂરી મળી ગઈ હોય પરંતુ કેટલાંક સવાલો હજુ પણ વણઉકેલ્યા છે. એટલે કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના કિશોર કે બાળકોનું શું થશે જેઓને હજુ પૂરી રીતે વેક્સિનેટ નથી કરવામાં આવ્યા. જો કે જાણકારો માને છે કે કેટલાંક લોકોને હજુ પણ મુશ્કેલી પડી શકે છે. માનવામાં આવે છે કે ૮ નવેમ્બર સુધી દુનિયાભરની એરલાઇન્સ કંપનીઓ તે દ્રષ્ટીએ પોતાની તૈયારી કરી લેશે. કુલ મળીને ૩૩ દેશોને ફાયદો મળશે. જેમાં ભારત, બ્રિટન, ચીન અને યુરોપના અનેક દેશ સામેલ છે.
અત્યાર સુધીની જાણકારી મુજબ ફ્લાઈટમાં બેસતા પહેલા ટ્રાવેલર્સને વેક્સિનેશન સર્ટિફિકેટ દેખાડવું પડશે. આ ઉપરાંત પેસેન્જર પાસે ૪૮ કલાક જૂનો કોવિડ નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ હોવો જરૂરી હશે.