વિશ્વના સૌથી મોટા લોકતાંત્રીક અને સશક્ત દેશ અમેરિકામાં આ વખતે કંઈક વિશિષ્ટ માહોલમાં યોજાયેલી ચૂંટણી પરીણામ પૂર્વે જ રોચક અને ભાવી કટોકટીની પરિસ્થિતિ ઉભી કરનારા સંજોગોમાં પ્રવેશી ચૂકી છે. દ્વિપક્ષીય રાજદ્વારી લોકતાંત્રીક વ્યવસ્થામાં રિપબ્લીકન પાર્ટી અને ડેમોક્રેટીક પાર્ટી વચ્ચેના આ વખતના જંગમાં ૪૯માં રાષ્ટ્ર પ્રમુખની પસંદગી માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને બીડન વચ્ચે કાંટાની ટક્કર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આજે મતદાન દરમિયાન અમેરિકાના ૫૦ રાજ્યોમાં એક સાથે જ યોજાઈ રહેલા મતદાનમાં બીજા દિવસે જ ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવી વ્યવસ્થામાં આ વખતે પરિણામો ટ્રમ્પ પોતાના હાથમાં જ રાખે તેવા નિર્દેશો મળી રહ્યાં છે. ક્યારેય ન થઈ હોય તેવી હરીફાઈ અને ટ્રમ્પના ટેકેદારો દ્વારા ઉભા કરેલા ઉનમાદના વાતાવરણને પગલે સમગ્ર અમેરિકામાં એલર્ટ કરી દેવાયું છે. બંધ જેવી પરિસ્થિતિ વચ્ચે યોજાઈ રહેલી ચૂંટણીમાં ક્યારેય કટોકટી જેવી પરિસ્થિતિ ન સર્જાઈ હોય તેવો માહોલ ઉભો થયો છે. શિકાગોમાં તો મેયરે શહેરમાં વિશિષ્ઠ બંદોબસ્તની માંગણી કરી છે અને વોશિંગ્ટનમાં લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદી લેવાની હિમાયત કરી છે.
ટ્રમ્પ અને તેમના ટેકેદારો વધુ ઉગ્ર દેખાઈ રહ્યાં છે ત્યારે ચૂંટણી પરીણામો અને વ્હાઈટ હાઉસ પર પોતાનું નિયંત્રણ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની કાર્યવાહીએ સમગ્ર વિશ્વના રાજદ્વારી તજજ્ઞોને ચિંતાનો વિષય લાગી રહ્યો છે. લોકતાંત્રીક દેશમાં શાસક પક્ષ અને ખાસ કરીને પ્રમુખ દ્વારા વ્યક્તિગત રીતે સત્તાના કેન્દ્રીયકરણના પ્રયાસો લોકતાંત્રીક વ્યવસ્થા માટે ચિંતાનો વિષય ગણવામાં આવી રહ્યો છે. અત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે, ચૂંટણી પરીણામો અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટ સામે પણ બાયો ચડાવી લીધી છે. ટ્રમ્પ શાસન અને અધિકારીઓએ તેમના સમર્થકોના દેખાવો અને તોફાનોને વ્યાજબી ઠેરવવાની હાથ ધરેલી હિમાયતની ટીકા થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ પર કિલ્લેબંધી કરી દીધી છે અને બિડેન જો જીતે તો પણ તેને ઉભા કરેલા કાયદાકીય અવરોધો પાર કરીને વ્હાઈટ હાઉસમાં પ્રવેશ કરવો પડશે. જો કે, પરિણામ ટ્રમ્પ તરફ જ આવે તેવું દેખાઈ રહ્યું છે પરંતુ જો બીડેન વિજયી થાય તો તેના માટે આગળની પરિસ્થિતિ સંભાળવી અઘરી થઈ પડશે. અમેરિકાનું રાજકારણ આ વખતે એક નવા જ રસ્તે આગળ વધી રહ્યું હોય તેવું ચિત્ર ઉભુ થયું છે.