સમગ્ર ભારતમાં ભારતીયોની બોલબાલા જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદીની દુરંદેશી નજર અને કામગીરી કરવાની ઢબથી ભારતનું નામ વૈશ્વિક ફલક ઉપર ખુબજ સારી રીતે પ્રસ્થાપિત થયું છે. ત્યારે અમેરિકાની બિડેન સરકારે એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે, જેનો ભારતીયોને ઘણો ફાયદો થશે. યુએસ સરકારે એચ1-બી વિઝાના સ્થાનિક નવીકરણ માટે પાઇલોટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ 24 જાન્યુઆરીથી શરૂ થશે. આ એચ1-બી વિઝા પાયલોટ પ્રોગ્રામ માત્ર ભારતીય અને કેનેડિયન નાગરિકો માટે શરૂ કરવામાં આવશે.
24 જાન્યુઆરીથી પાઇલોટ પ્રોગ્રામ શરૂ કરાશે: 10 લાખ ભારતીયોને થશે ફાયદો
આ અંતર્ગત અમેરિકામાં કામ કરતા ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને કેનેડિયન નાગરિકોને ફાયદો થશે. આ પ્રોગ્રામ એવી કંપનીઓ માટે પણ છે જેમના એચ1-બી કર્મચારીઓ કામ માટે વિદેશ જવા માગે છે. અમેરિકાએ આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના ઘણા મહિનાઓ બાદ લીધો છે. જૂનમાં, જ્યારે પીએમ મોદી અમેરિકાના રાજ્ય પ્રવાસ પર ગયા હતા, ત્યારે એચ1-બી વિઝાની નવીકરણ પ્રક્રિયાને સરળ બનાવવા માટે કામ ચાલી રહ્યું હતું. આ કાર્યક્રમની ઔપચારિક જાહેરાત પીએમ મોદીની મુલાકાત સમયે કરવામાં આવી હતી.
એચ1-બી વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. તે અમેરિકન કંપનીઓને વિદેશી કામદારો રાખવાની મંજૂરી આપે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ અમેરિકન કંપનીમાં કામ કરે છે ત્યારે તેને એચ1-બી વિઝા આપવામાં આવે છે. અત્યાર સુધી એવું થતું હતું કે જો કોઈ વ્યક્તિના એચ1-બી વિઝાની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય, તો તેને રિન્યુ કરાવવા માટે ફરીથી તેના દેશમાં પાછા ફરવું પડતું હતું. પરંતુ હવે તમારે નવીકરણ પ્રક્રિયા માટે ઘરે આવવું પડશે નહીં.
હવે તમે અમેરિકામાં રહીને તમારો વિઝા મેઇલ કરી શકો છો અને પછી તે રિન્યુ કરવામાં આવશે. નવીકરણ પ્રક્રિયા દરમિયાન વ્યક્તિએ યુએસની બહાર રહેવાની જરૂર રહેશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે વિઝા રિન્યુઅલની આ પ્રક્રિયા માત્ર વર્ક વિઝા માટે છે. અન્ય પ્રકારના વિઝા માટેની પ્રક્રિયામાં કોઈ ફેરફાર નથી.