જાપાનમાં જી-૨૦ સમિટ દરમિયાન અમેરિકા અને ચીનના રાષ્ટ્રપતિ મળ્યા : મીટિંગ પછી ટ્રમ્પે કહ્યું- વાતચીત સારી રહી, અમે ફરીથી ટ્રેક પર આવ્યા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વેપાર અંગે વટાઘાટને આગળ વધારવા તૈયાર થયા છે. ટ્રમ્પે કહ્યું કે ચાઈનીઝ ઈમ્પોર્ટ પર નવા ટેક્સ લગાવવામાં નહીં આવે. જાપાનના ઓસાકામાં જી-૨૦ સમિટમાં શનિવારે ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી. બંને દેશો વચ્ચે ગયા વર્ષે શરૂ થયેલાં ટ્રેડ વોરના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થા સામે સંકટ ઉભું થયું હોવાથી ઈમ્પોર્ટ ટેક્સનો મુદ્દો મહત્વનો છે.
ચીનના મીડિયા મુજબ ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચેની મીટિંગ ૮૦ મિનિટ ચાલી હતી. બેઠક પછી ટ્રમ્પે કહ્યું, વાતચીત જેટલી સારી રહી શકતી હતી એટલી રહી. ચીન સાથે વાતચીત ચાલુ રહેશે. અમે ફરીથી ટ્રેક પર આવ્યા છીએ. ટ્રમ્પે વાતચીત પહેલાં કહ્યું હતું કે તે પહેલાં પણ સ્થિર વેપાર સોદા માટે તૈયાર હતા. તેમણે પહેલાંની વાટાઘાટોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું, મને લાગે છે કે અમે ડીલની ખૂબ નજીક હતા, પણ થોડીક અડચણ આવી ગઈ. હવે અમે થોડાંક વધુ નજીક આવી રહ્યા છીએ. અમે નિષ્પક્ષ ડીલ કરી શકીશું તો તે ઐતિહાસિક હશે”.
અમેરિકાએ ગયા મહિને ૨૦૦ અબજ ડોલરના ચાઈનીઝ ઈમ્પોર્ટ પર ટેક્સ વધાર્યો હતો અમેરિકા અને ચીન વચ્ચે ગયા વર્ષે માર્ચમાં ટ્રેડ વોર શરૂ થયું હતું. બંને દેશઓ એક-બીજાની અરબો ડોલરની આયાત પર ટેક્સ વધારી ચૂક્યા છે. નવેમ્બરમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી-જિનપિંગ જી-૨૦માં મળ્યા તો ટ્રેડ વોર ખતમ કરવા અને વેપાર વાટાઘાટ શરૂ કરવા રાજી થયા હતા. તે વખતે ટ્રમ્પ એ વાત પર રાજી થયા હતા કે માર્ચ સુધી ટેરિફ નહીં વધારે. વાટાઘાટ ચાલુ રહેવાના કારણે માર્ચમાં ફરી ડેડલાઈન વધારી હતી, પરંતુ ગયા મહિને ટ્રમ્પે ચીન પર સોદાબાજીનો આરોપ લગાડતાં વાટાઘાટ બંધ કરી દીધી હતી અને ચીનના ૨૦૦ અબજ ડોલર (૧૪ લાખ કરોડ)ના ઈમ્પોર્ટ પર આયાત ટેક્સ ૧૦ ટકાથી વધારીને ૨૫ ટકા કર્યો હતો. ચીને જવાબી કાર્યવાહી કરતાં ૧ જૂનથી ૬૦ અબજ ડોલરના અમેરિકન ઈમ્પોર્ટ પર ટેક્સ વધાર્યો હતો.