અમેરિકામાં કેરિયર બનાવવા ઇચ્છુક ભારતીયો માટે અમેરિકાની કોર્ટે સારા સમાચાર આપ્યા છે. ઓક્ટોબરમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા એચ-૧બી વિઝા કાર્યક્રમમાં કરાયેલા ફેરફારને અમેરિકાની કોર્ટે ફગાવી દીધા છે. આ સાથે જ ભારતીય કુશળ કારીગર એટલે કે પ્રોફેશનલ્સ હવે અમેરિકામાં પહેલાની જેમ જ કામ કરી શકશે.
કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ જજ કહ્યું હતું કે, સરકારે આ નિર્ણય લેતા સંપૂર્ણ રીતે પારદર્શક પ્રક્રિયાનું પાલન કર્યું નથી. સરકાર દ્વારા કોરોના મહામારીના લીધે લોકોની ગયેલી નોકરીઓના કારણે નિર્ણય લેવાયો તે દલીલ સંપૂર્ણ રીતે ખોટી છે. જસ્ટિસ જેફરીએ પોતાના ચુકાદામાં એમ પણ ટાંક્યુ હતું કે, કોરોના એવી મહામારી છે જે કોઈના વશમાં નથી, પરંતુ આ મામલે વધુ સચેત થઈને કાર્યવાહી થઈ શકે તેમ હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોના વયારસની મહામારી દરમિયાન અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧બી વિઝા કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય પાછળ ટ્રમ્પ પ્રશાસનનું માનવું હતું કે, કોરોનાના કારણે અનેક અમેરિકનોની નોકરી ગઈ તો બહારથી આવનારા લોકોને રોકીને સ્થાનિક લોકોને નોકરીઓ આપી શકાય. આ હેતુથી વિદેશી પ્રોફેશનલ્સની ભરતી કરતી કંપનીઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતાં. નવા નિયમો એ હદે કડક હતા કે, લગભગ એક તૃતિયાંશ અરજીધારકોને એચ-૧બી વિઝા મળી શકે તેમ નહતા. પરંતુ અમેરિકામાં સત્તા પરિવર્તન થતાની સાથે જ ટ્રમ્પનો આ આદેશ પણ બદલાયો છે.