રાતા સમુદ્રને બાનમાં લેનાર હુથી ચાંચિયાઓ સામે ભારતીય નૌસેનાએ 10 યુદ્ધ જહાજો તૈનાત કર્યા બાદ હવે અમેરિકા અને બ્રિટન પણ ભારતના પગલે ચાલ્યું છે. બન્ને દેશોની સેનાએ આ હુથી ચાંચિયાઓ ઉપર હવાઈ હુમલાઓ કર્યા છે. બીજી તરફ ભારતને ઈરાન સાથે સારા સંબંધો હોય, માત્ર રક્ષણ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરી શકતું હતું. એટેકથી સંબંધો વણસવાની શકયતા વધી રહી હતી.
છેલ્લા ઘણા સમયથી હુથી વિદ્રોહીઓ જહાજોને નિશાન બનાવી રહ્યા હોવાથી વૈશ્વિક વેપારને ભારે અસર પહોંચી હતી
અમેરિકા અને બ્રિટન રાતા સમુદ્રમાં વેપારી જહાજોને નિશાન બનાવતા યમનના હુથી બળવાખોરો સામે મોટી કાર્યવાહી કરી છે. બંને દેશોની સેનાઓએ યમનમાં ઘણી જગ્યાએ હુથી વિદ્રોહીઓ ઉપર હવાઈ હુમલા કર્યા છે. આ હવાઈ હુમલાઓમાં હુથી બળવાખોરોને ભારે નુકસાન થયું છે અને તેમના ઘણા ઠેકાણાઓ નાશ પામ્યા છે. બ્રિટન પર અમેરિકાના હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધી શકે છે.
વ્હાઇટ હાઉસે એક નિવેદન જાહેર કરીને ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ પર હુમલાની પુષ્ટિ કરી છે. નોંધનીય છે કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ બાદ હુથી વિદ્રોહીઓ પેલેસ્ટાઈનોના સમર્થનમાં રાતા સમુદ્ર વિસ્તારમાં જહાજોને નિશાન બનાવી રહ્યા હતા. આનાથી આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગોની સુરક્ષાને અસર થઈ રહી હતી.
યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેને જણાવ્યું હતું કે તેમણે રાતા સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ જહાજો પર હુથી હુમલાઓના સીધા જવાબમાં આ સ્ટ્રાઈક કરવાનો આદેશ આપ્યો હતો. યુએસ નેવીએ પણ ઘણી વખત હુથી વિદ્રોહીઓના હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. અમેરિકાએ ચેતવણી પણ આપી હતી કે જો હુમલા રોકવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો આવશે. અમેરિકાએ આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગોની સુરક્ષા માટે પણ દેખરેખ વધારી દીધી છે. હુથી બળવાખોરો અને ચાંચિયાઓના હુમલાને નિષ્ફળ બનાવવા માટે ભારતે અરબી સમુદ્ર અને રાતા સમુદ્રમાં તેના પાંચ યુદ્ધ જહાજો પણ તૈનાત કર્યા છે.
વ્હાઇટ હાઉસે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ‘રાતા સમુદ્રમાં વેપારી જહાજો પર થયેલા હુમલા બાદ ગત મહિને અમેરિકાએ 20થી વધુ દેશો સાથે મળીને વેપારી જહાજોને હુથી બળવાખોરોના હુમલાઓથી બચાવવા માટે ‘ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન’ શરૂ કર્યું હતું. ગયા અઠવાડિયે, 13 સહયોગી દેશો સાથે, અમે હુથી બળવાખોરોને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો તેઓ વેપારી જહાજો પર હુમલા બંધ નહીં કરે તો ગંભીર પરિણામો આવશે. હુથી બળવાખોરો સામે આજના હવાઈ હુમલા એ સ્પષ્ટ સંદેશ છે કે અમેરિકા અને તેના સાથી દેશો વિશ્વના સૌથી મહત્વપૂર્ણ શિપિંગ વ્યાપારી માર્ગ પર નેવિગેશનની સ્વતંત્રતા સાથે સમાધાન કરશે નહીં.