ગુરૂવારે થયેલા બોમ્બ ધડાકામાં 13 અમેરિકન સૈનિકો સહિત 160ના મોતનો બદલો 48 કલાકમાં જ વાળ્તું અમેરિકા
અબતક, રાજકોટ
અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને નાટોના સૈનિકોની વાપસી સાથે જ દેશ ઉપર કબજો જમાવી સર થઈ ગયેલા તાલીબાનો સામે હવે આઈએસઆઈએસ મોટો પડકાર બનીને સામે આવ્યું છે. ગુરૂવારે કાબુલમાં એરપોર્ટ પર આઈએસના આત્મઘાતિ બોમ્બ હુમલાથી સમગ્ર વિશ્ર્વ હચમચી ઉઠ્યું હતું. અમેરિકા અને બ્રિટને આ હુમલાનો બદલો લેવા જાહેરાત કર્યા બાદ 48 કલાકમાં જ અમેરિકન લશ્કરે પાકિસ્તાનની સરહદે આવેલા અફઘાનના નંગહાર પ્રાંતમાં ઈસ્લામીક સ્ટેટના કંટ્રોલરૂમ પર ડ્રોન હુમલો કરી એર સ્ટ્રાઈકથી આઈએસઆઈએસના એરપોર્ટ હુમલાના મુખ્ય સુત્રધારને ઠાર માર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કાબુલ આત્મઘાતિ હુમલામાં આઈએસઆઈએસનો હાથ હોવાનું ખુલ્યું હતું. આ હુમલામાં અમેરિકા અને બ્રિટનના નાગરિકો સહિત કુલ 92 થી 169 અફઘાન નાગરિકો, 13 લશ્કરી અધિકારીઓના મોત નિપજયા હતા. હુમલો થતાંની સાથે જ સૌપ્રથમ બ્રિટન અને ત્યારબાદ અમેરિકાએ આ કૃત્યનો બદલો લેવાની જાહેરાત કરી દીધી હતી અને 48 કલાકમાં જ આઈએસનું મુખ્ય કંટ્રોલરૂમ શોધવાની કામગીરી પૂર્ણ કરીને એમક્યુ-9 ડ્રોન ટેકનોલોજીથી પાકિસ્તાન સરહદ પાસે આવેલ નંગહારમાં એર સ્ટ્રાઈક કરી હતી.
આત્મઘાતિ હુમલા બાદ પ્રતિક્રિયામાં પ્રમુખ જો બિડને ચેતવણી આપી હતી કે, અમે તમારો શિકાર કરશું, અફઘાનમાં 20 વર્ષના યુદ્ધમાં અત્યાર સુધી અમેરિકાએ 2400થી વધુ સૈનિકો ગુમાવ્યા છે. પરંતુ કાબુલ એરપોર્ટ બહારનો આ હુમલો 2011 બાદની ઘટના બાદ સૌથી વધુ દુ:ખદ ગણાવાયો હતો. પ્રમુખ બિડેને સૈનિકોની ખુવારી અટકાવવા માટે અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછુ ખેંચી લેવાની જાહેરાત કરી હતી.
કાબુલ સહિતના શહેરોમાં અમેરિકા-બ્રિટનના નાગરિકોની સલામતી માટે ખાસ ઝુંબેશ
અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના દળો પાછા ખેંચવાની શરૂઆત અને તાલીબાનોના કબજાને લઈને દેશમાં ઉભી થયેલી કટોકટીની પરિસ્થિતિ વચ્ચે અમેરિકા અને બ્રિટને પોતાના નાગરિકોને સલામત રીતે બહાર કાઢવાની સાથે સાથે વિવિધ શહેરોમાં સેલ્ટર હાઉસ અને સલામતી વચ્ચે પોતાના નાગરિકોને વધુ નુકશાન ન થાય તે માટે ખાસ તજવીજ હાથ ધરી છે.
તાલીબાનો સામે ISIS જ બન્યુ મોટો પડકાર
અફઘાનિસ્તાન સર કરવામાં તાલીબાનોને સરકારી સૈન્ય સામે બહુ માથાજીક ર્ક્યા વગર જ સફળતા મળી છે. પરંતુ હવે તાલીબાન વ્યવસ્થા તંત્ર માટે વૈશ્ર્વિક માન્યતા અને આઈએસઆઈએસના પડકારને પહોંચી વળવા મોટો પડકાર ઉભો થયો છે. અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અત્યારે વર્ગ-વિગ્રહના આરે આવીને ઉભી છે. તાલીબાનો માટે સરકારની માન્યતા મેળવવાની સાથે સાથે આઈએસઆઈએસને કાબુમાં કરવાની બેવડી ક્વાયત સરવાળે અફઘાનિસ્તાનના નાગરિકો માટે મુશ્કેલીનું કારણ બનશે.